Waqf Amendment Bill: મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ વક્ફ સંશોધન બિલ હવે કાયદો બની ચુક્યો છે, કારણકે રાષ્ટ્રપતિએ આ બિલ પર હસ્તાક્ષર કરી દીધા છે. આ કાયદા પર સંસદમાં પાસ થવા પહેલાંથી જ ભારે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે પાકિસ્તાનમાં પણ થઈ ભારે ચર્ચા.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ વક્ફ સંશોધન બિલ હવે કાયદો બની ચુક્યો છે, કારણકે રાષ્ટ્રપતિએ આ બિલ પર હસ્તાક્ષર કરી દીધા છે. આ કાયદા પર સંસદમાં પાસ થવા પહેલાંથી જ ભારે ચર્ચા ચાલી રહી હતી. પરંતુ આ ચર્ચા માત્ર ભારત પૂરતી જ સીમિત રહી નથી, પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આ વિષય પર ભારે ચર્ચા થઈ રહી છે.
પાકિસ્તાની એક્સપર્ટ કમર ચીમાનું નિવેદન
પાકિસ્તાનના કમર ચીમાએ ભારતના વક્ફ કાયદાને લઈને આપેલું નિવેદન ચોંકાવનારું છે. ચીમાએ કહ્યું કે મોદી સરકાર જે રીતે વક્ફ સંપત્તિમાં ટ્રાન્સપરન્સી લાવવાનો પ્રયાસ કરે છે, તેનું તે સંપૂર્ણ સમર્થન કરે છે. ચીમાએ કહ્યું, “મોદી સરકાર કહે છે કે વક્ફ સંપત્તિને ડિજિટલાઈઝ કરવી છે અને પારદર્શિતા લાવવી છે, જે કોઈ ખરાબ બાબત નથી.” ગેરકાયદે કબજાઓ અને અતિક્રમણોને રોકવાના કડક નિયમોનું પણ તેણે ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. ચીમાએ કહ્યું કે, "મુસ્લિમ સમાજે પોતે જ આવા નિયમોને સમર્થન કરવું જોઈએ, કારણકે ધર્મના નામે થતી અરાજકતા કોઈપણ સમાજ માટે યોગ્ય નથી."
ADVERTISEMENT
દરગા અને મસ્જિદોના "દુરુપયોગ" સામે ચીમાનો આક્ષેપ
કમર ચીમાએ કહ્યું કે ઘણી મસ્જિદો અને દરગાનો ઉપયોગ ખોટા ઉદ્દેશો માટે થાય છે. તેણે પાકિસ્તાનના ઘણા ઉદાહરણો આપ્યા જ્યાં મસ્જિદોનો ઉપયોગ સમાજ વિરુદ્ધ પ્રવૃત્તિઓ માટે થયો હતો. તેણે કહ્યું કે ધાર્મિક સંસ્થાઓએ કાયદામાં રહીને કામ કરવું જોઈએ. તેણે ખાસ કરીને "વક્ફ માફિયા" શબ્દપ્રયોગનું પણ સમર્થન કર્યું અને કહ્યું કે એવું કહીને મોદી સરકારે કંઈ ખોટું નથી કહ્યું. ભારતમાં લગભગ 50,000 જેટલી વક્ફ સંપત્તિ વિવાદિત છે, જેને લઈને તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
ચીમાનો સવાલ: "શું વક્ફ બોર્ડ પોતે ક્યારેય સુધારાની દિશામાં આગળ વધ્યો છે?"
તેણે એવો પણ સવાલ ઊઠાવ્યો કે વક્ફ બોર્ડે ક્યારેય પોતાના અંદર રિફોર્મ લાવવાનો પ્રયાસ કર્યો છે? તેણે કહ્યું કે, “જો તમે પોતે સુધારાઓ લાવતા નથી તો પછી સરકારે પગલાં લેવાં જરૂરી બની જાય છે.”
પાકિસ્તાનની હાલત પણ કરી જાહેર
પાકિસ્તાનની સ્થિતિ વિશે ચીમાએ કહ્યું કે ત્યાં પણ ઘણી ધાર્મિક સંસ્થાઓ સરકારના નિયંત્રણમાં આવવાનું ટાળે છે. કારણકે આવી સંસ્થાઓ આવતા દાન અને ભંડોળ પર સંપૂર્ણ કાબૂ રાખવા માગે છે. તેણે કહ્યું કે, “આવી જ રીતે ધાર્મિક સંસ્થાઓ લૂંટ ચલાવે છે.” તેણે મુસ્લિમ સમાજને પ્રશ્ન કર્યો કે શું ધર્મના નામે ભ્રષ્ટાચાર કરવાનો હક કોઈને છે? અને વક્ફના નામે ખોટા દાવાઓ કરવાનું યોગ્ય છે? તેણે વધુ કહ્યું કે, “મોદી સરકાર પાસે બહુમત છે અને તેમને જે કરવું હોય તે કરશે. એ દરેક સરકારનો હક છે અને કોઈ એની સામે કંઈ કરી શકે નહીં.”

