આને એક દૈવી સંયોગ ગણાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે શ્રીરામ આપણા બધા માટે એકતાનું બળ છે અને તેમના આશીર્વાદ હંમેશાં આપણા પર રહે
ગઈ કાલે શ્રીલંકાથી પાછા આવતી વખતે નરેન્દ્ર મોદીએ પ્લેનમાંથી રામસેતુના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે શ્રીલંકાની યાત્રા બાદ ભારત પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમણે આકાશમાંથી ભગવાન રામ દ્વારા સમુદ્રમાં બાંધવામાં આવેલા રામસેતુનાં દર્શન કર્યાં હતાં. આ બાબતે તેમણે સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘શ્રીલંકાથી પાછા ફરતી વખતે રામસેતુનાં દર્શન કરવાનો મોકો મળ્યો. આ ધન્ય ક્ષણ હતી અને દૈવી સંયોગ પણ હતો, કારણ કે રામસેતુનાં દર્શન થયાં ત્યારે જ અયોધ્યામાં સૂર્યતિલક થઈ રહ્યું હતું. બન્નેનાં દર્શન કરવાનો આનંદ માણ્યો. પ્રભુ શ્રીરામ આપણા બધા માટે એકતાનું બળ છે. તેમના આશીર્વાદ હંમેશાં આપણા પર રહે.’
રામસેતુને આદમ્સ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં એનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ઘણું ઊંડું છે. હિન્દુઓ માને છે કે ભગવાન રામની વાનરસેનાએ શ્રીલંકા પહોંચવા માટે સમુદ્રમાં આ પુલ બાંધ્યો હતો અને રામાયણમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે.
ભારત પહોંચ્યા બાદ વડા પ્રધાને પાલ્કની સામુદ્રધુની પર બાંધવામાં આવેલા નવા પંબન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને રામેશ્વરમ-તાંબરમ (ચેન્નઈ) ટ્રેન-સર્વિસને અને કોસ્ટગાર્ડના જહાજને લીલી ઝંડી આપી હતી. ટ્રેન બ્રિજ પરથી અને જહાજ બ્રિજ નીચેથી પસાર થયું હતું. આ સિવાય તેમણે આશરે ૮૩૦૦ કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનાં શિલાન્યાસ અને લોકાર્પણ કર્યાં હતાં.

