ક્રૂ-મેમ્બર્સ સાથે પશુ કરતાં પણ બદતર વ્યવહાર કરવા બદલ હાઈ કોર્ટે જહાજના માલિકોને ખખડાવ્યા
બૉમ્બે હાઈ કોર્ટ
મુંબઈના દરિયાકાંઠે જપ્ત કરાયેલાં ત્રણ જહાજો પર મહિનાઓથી ફસાયેલા ૫૦ નાવિકોને બૉમ્બે હાઈ કોર્ટે તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ દરમ્યાન કોર્ટે જહાજમાલિકોની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે તમે ક્રૂ-મેમ્બર્સ સાથે પશુઓ કરતાં પણ ખરાબ વર્તન કર્યું છે.
ગેરકાયદે રીતે ઈંધણ અને અન્ય સામગ્રીની હેરાફેરીના આરોપસર MT ઍસ્ફાલ્ટ સ્ટાર, MT સ્ટેલર રુબી અને MT અલ જાફઝિયા નામનાં ત્રણ જહાજોને જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ જહાજો પર ૫૦ નાવિકો લાંબા સમયથી ફસાયેલા હતા જેમાંથી ૭ નાવિકોએ તેમને બંદી બનાવવું યોગ્ય નથી એ બાબતે થતી હેબિયસ કૉર્પસ અરજી દ્વારા કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં.
ADVERTISEMENT
સુનાવણી દરમ્યાન જાણવા મળ્યું હતું કે નાવિકોને દિવસનું માત્ર ૩૦૦ મિલીલીટર પાણી અને ખૂબ ઓછો ખોરાક આપવામાં આવતો હતો. આ બાબતે નારાજગી વ્યક્ત કરતાં કોર્ટે જણાવ્યું હતું કે ‘જીવન એક જ વાર મળે છે, અમે પુનર્જન્મમાં માનતા નથી. જહાજમાલિકો માનવીય મૂલ્યો કરતાં વ્યાપારી પ્રવૃત્તિઓને વધુ મહત્ત્વ આપી રહ્યા છે.’
કોર્ટે યલો ગેટ પોલીસને તમામ ૫૦ નાવિકોની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને તરત મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માલિકો માનવજીવન પ્રત્યે જરાય ગંભીર નથી જે અત્યંત આઘાતજનક બાબત છે.
