Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રામ રાખે તેને કોણ ચાખે જેવો કિસ્સો બન્યો વડોદરાના છાણી વિસ્તારમાં

રામ રાખે તેને કોણ ચાખે જેવો કિસ્સો બન્યો વડોદરાના છાણી વિસ્તારમાં

Published : 23 April, 2026 10:53 AM | IST | Vadodara
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રેમીની મદદથી પતિનું કાસળ કાઢવા પત્નીએ સુપારી આપી, પતિને નહેરમાં ફેંક્યો પણ પાઇપના સહારે બચ્યો

ફાલ્ગુની પટેલ

ફાલ્ગુની પટેલ


ગુજરાતમાં વડોદરાના છાણી વિસ્તારમાં પાન પાર્લર ધરાવતો ગિરીશ પટેલ તેના પરના જીવલેણ હુમલામાં ચમત્કારિક રીતે બચી ગયો હતો. તેની હત્યાનું કાવતરું કથિત રીતે તેની પોતાની પત્ની અને તેના પ્રેમી દ્વારા ઘડી કાઢવામાં આવ્યું હતું. પોલીસે આ કેસના સંદર્ભમાં પત્ની સહિત છ આરોપીઓની ધરપકડ કરી છે.

૧૫ એપ્રિલે અપહરણ



છાણી વિસ્તારમાં ૧૫ એપ્રિલે પાન પાર્લરના માલિક ગિરીશ પટેલનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારો તેને છાણી-સોખડા રોડ પર બળજબરીથી કારમાં લઈ ગયા હતા અને છરીથી ધમકી આપવામાં આવી હતી તથા મારપીટ કરવામાં આવી હતી. તેને આખી રાત એક સ્થળેથી બીજા સ્થળે ફેરવવામાં આવ્યો હતો અને પછી આ લોકોએ તેને સોજિત્રા નજીક નહેરમાં ફેંકી દીધો હતો અને તેને મૃત માનીને તેઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.


ત્રણ કલાકનો સંઘર્ષ

જોકે ગિરીશ પટેલ નહેરની અંદર એક પાઇપને વળગી રહેવામાં સફળ રહ્યો હતો અને લગભગ ૩ કલાક સુધી સંઘર્ષ કર્યા બાદ બીજા દિવસે સવારે જીવતો બહાર આવ્યો હતો. આ ઘટના વિશે તેણે પોલીસને જાણ કરી હતી. શરૂઆતની તપાસમાં થોડા જ દિવસોમાં પાંચ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી.


પત્નીને અગાઉનો પ્રેમસંબંધ

જોકે જેમ-જેમ તપાસ વધુ આગળ વધી તેમ-તેમ પોલીસે ગિરીશની પત્ની ફાલ્ગુની પટેલ સાથે સંકળાયેલા મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ખુલાસો કર્યો કે ફાલ્ગુની ખેડાના સલૂન માલિક કૌશિક શર્મા સાથે રિલેશનશિપમાં હતી અને તેમની વચ્ચે પતિ ગિરીશ પટેલ કાંટારૂપ હોવાથી બન્નેએ ગિરીશને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.

૩૫,૦૦૦ રૂપિયાની સુપારી

પોલીસે જણાવ્યું હતું કે ‘કૌશિક શર્માએ હત્યા કરવા માટે કૉન્ટ્રૅક્ટ કિલર નરેન્દ્ર ઉર્ફે નિકુલ ગોસ્વામીને ૩૫,૦૦૦ રૂપિયામાં કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો. કૉલ રેકૉર્ડ્‍સ દર્શાવે છે કે ફાલ્ગુની અને કૌશિક વચ્ચે વારંવાર વાતચીત થતી હતી. ઘટનાના બે દિવસમાં જ ૧૦૦થી વધુ કૉલની આપ-લે તેમની વચ્ચે થઈ હતી. અન્ય એક આરોપી રુદ્ર રાવલને ગિરીશ પટેલ પર નજર રાખવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

કાર્ડ ચોર્યું, પણ કૅશ ઉપાડી

અપહરણ દરમ્યાન હુમલાખોરોએ ગિરીશનું ડેબિટ કાર્ડ અને રોકડ પણ લૂંટી લીધાં હતાં. જોકે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં આવી જવાની બીકે તેમણે કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. ટેક્નિકલ સર્વેલન્સ અને પૂછપરછના આધારે પોલીસે કૌશિક શર્મા, જિતેન્દ્ર બારિયા, ઉમંગ પ્રજાપતિ, ઉમંગ ભોઈ અને પૃથ્વી ભોઈની ધરપકડ કરી હતી. આ બધા ખેડાના રહેવાસી છે. ફાલ્ગુની પટેલને માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખવામાં આવી હતી અને તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી. વધુ તપાસ ચાલુ હોવાથી તમામ ૬ આરોપીઓને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

23 April, 2026 10:53 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK