સૌથી વધુ ૧.૨૫ લાખ કરોડ રૂપિયાના રોકાણ માટે થયાં MoU : કુલ ૫.૭૮ લાખ કરોડનાં સંભવિત રોકાણ અને ૫૪૯૨ પ્રોજેક્ટ્સ માટે થયાં MoU: MoUથી ગુજરાતમાં ૬.૨૬ લાખથી વધુ રોજગારની નવી તકો ઊભી થવાની આશા...
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ
તાજેતરમાં સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે યોજાયેલી કચ્છ-સૌરાષ્ટ્ર માટેની વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટમાં ૫.૭૮ લાખ કરોડ રૂપિયાનાં સંભવિત રોકાણ અને ૫૪૯૨ પ્રોજેક્ટ્સ માટે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) થયાં છે. સૌથી વધુ કચ્છમાં ૧.૨૫ લાખ કરોડ રૂપિયાના રોકાણ માટે MoU થયાં છે.
આ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટની વિગતો જાહેર કરતાં ગુજરાતના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘બે દિવસની રીજનલ સમિટ દરમ્યાન કચ્છ–સૌરાષ્ટ્રમાં ૫,૭૮,૩૩૦ કરોડ રૂપિયાના સંભવિત રોકાણના લક્ષ્યાંક સાથે કુલ ૫૪૯૨ પ્રોજેક્ટ્સ માટે MoU સંપન્ન કરવામાં આવ્યાં છે. આ MoU થકી રાજ્યમાં ૬,૨૬,૨૫૩ જેટલી રોજગારની નવી તકો ઊભી થશે. આ સમિટમાં કચ્છ જિલ્લો રોકાણ ક્ષેત્રે મોખરે રહ્યો છે. કચ્છમાં સૌથી વધુ ૧,૨૫,૦૧૭ કરોડ રૂપિયાનાં રોકાણો માટે કુલ ૪૫૮ પ્રોજેક્ટ્સનાં MoU થયાં છે. એના માધ્યમથી કચ્છમાં ૪૮,૪૧૯ નાગરિકોને રોજગારની તક પ્રાપ્ત થશે. રોકાણની દૃષ્ટિએ ભાવનગર જિલ્લો બીજા ક્રમે રહ્યો છે. જ્યાં ૬૦,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે ૩૦૬ પ્રોજેક્ટ્સ માટે MoU પર સાઇન કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં ૩૬,૦૦૦ કરોડ રૂપિયાના સંભવિત રોકાણ સાથે ૬૨ પ્રોજેક્ટ્સ માટે MoU અને રાજકોટ જિલ્લામાં ૨૩,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે સૌથી વધુ ૨૯૨૧ પ્રોજેક્ટ્સ માટે MoU કરવામાં આવ્યાં છે. આ સમિટ દરમ્યાન પાવર, ઑઇલ અને ગૅસ ક્ષેત્રમાં સૌથી વધુ ૪,૫૫,૦૬૫ કરોડ રૂપિયાનાં સંભવિત રોકાણ માટે MoU કરવામાં આવ્યાં છે.’


