ટ્રમ્પની ધમકી પછી ઈરાનના વિદેશપ્રધાને પીછેહઠ કરીને કહ્યું કે હમણાં કોઈ ફાંસી નહીં અપાય અમેરિકાનું સૌથી મોટું વૉરશિપ ઈરાન તરફ જવા રવાના
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની ધમકીઓ પછી ઈરાને પ્રદર્શનકારીઓને ફાંસી આપવાના નિર્ણયને પાછો ખેંચ્યો હતો. ઈરાની વિદેશપ્રધાન અબ્બાસ અરાઘચીએ બુધવારે મોડી રાતે કહ્યું હતું કે ‘અમે કોઈને ફાંસી આપવાની યોજના નથી કરી. ફાંસી આપવાનો સવાલ જ નથી ઊઠતો.’
આ પહેલાં ઈરાન સરકારે પ્રદર્શનકારીઓ પર ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ટ્રાયલ ચલાવીને ફાંસી આપવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ગઈ કાલે દાવો કર્યો હતો કે ઈરાનની સરકારે અમેરિકાની વાત માનીને પ્રદર્શનકારીઓ પ્રત્યે હિંસક આચરણ બંધ કરી દીધું છે.
ADVERTISEMENT
ટ્રમ્પે મદદ આવી રહી છે એવું કહ્યા પછી ઈરાને આ વાતને ગંભીરતાથી લઈને પ્રદર્શનકારીઓ પ્રત્યે આકરું વલણ તાત્પૂરતું કૂણું પાડવા ઉપરાંત હુમલાથી બચવા માટે ઍરસ્પેસ બંધ કરી દીધી હતી. બીજી તરફ અમેરિકાએ ઈરાનની આસપાસ સૈન્યની હલચલ વધારી દીધી છે અને અમેરિકાની નૌસેના USS અબ્રાહમ લિન્કન કૅરિયર સ્ટ્રાઇક ગ્રુપની સાથે સાઉથ ચાઇના સીથી મિડલ-ઈસ્ટની તરફ રવાના થઈ ગઈ છે. USS અબ્રાહમ લિન્કન અમેરિકન નેવીનું એક ન્યુક્લિયર-પાવર્ડ ઍરક્રાફ્ટ કૅરિયર છે અને દુનિયાનાં સૌથી મોટાં અને સૌથી પાવરફુલ વૉરશિપમાંનું એક ગણાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવડા મોટા કૅરિયર-સ્ટ્રાઇક વૉરશિપને દૂરથી ઈરાન તરફ લાવવાનો મતલબ એ છે કે અમેરિકા માત્ર નાના હુમલાની નહીં, કંઈક મોટા પાયે કરવાની ફિરાકમાં છે. હવે અમેરિકા લાંબા સમય સુધી ઈરાનની નજીક રહીને એને કન્ટ્રોલમાં રાખવાની તૈયારીમાં છે.


