અવામી લીગના નેતાઓનું કહેવું છે કે બંગલાદેશને ઇસ્લામિક સ્ટેટ કે આતંકવાદી રાષ્ટ્ર બનતું અટકાવવાનું ભારતના હાથમાં છે
શેખ હસીના
શેખ હસીનાના મામલે બંગલાદેશ સરકાર અકળાઈ, ઇન્ટરપોલને કરી ફરિયાદ
ઇન્ટરનૅશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ (ICT)એ બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને મોતની સજા સંભળાવ્યા પછી હવે સ્થાનિક વચગાળાની સરકાર માટે શેખ હસીનાને ભારતથી પાછાં કઈ રીતે મેળવવાં એના પેંતરા ચાલી રહ્યા છે. ગયા વર્ષે બંગલાદેશમાં ફાટી નીકળેલા હિંસક વિદ્રોહ પછી ૨૦૨૪ની પાંચમી ઑગસ્ટથી શેખ હસીના અને ત્યાંના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અસદુજ્જમા ખાન ભારતના શરણે આવી ગયાં હતાં. ત્યારથી તેઓ દિલ્હીમાં જ છે. હવે ICTના ચુકાદાને આગળ કરીને મોહમ્મદ યુનુસની સરકારે શેખ હસીનાના પ્રત્યર્પણની માગણી કરી છે, પરંતુ ભારતે આ બાબતે હજી સુધી કોઈ જવાબ નથી આપ્યો. એવું જાણવા મળ્યું છે કે ત્યાંની સરકાર શેખ હસીનાના પ્રત્યર્પણ માટે ઇન્ટરપોલની મદદ માગી રહી છે. બંગલાદેશના વર્તમાનપત્ર ‘ધ ડેઇલી સ્ટાર’માં છપાયેલા રિપોર્ટ મુજબ બંગલાદેશે શેખ હસીના અને ભૂતપૂર્વ ગૃહપ્રધાન અસદુજ્જમા ખાનના પ્રત્યર્પણ માટેની ઇન્ટરપોલને વચ્ચે પડવાની અરજી કરીને કહ્યું છે કે ભારત અમારું માનતું નથી. એ રિપોર્ટમાં કહેવાયું છે કે મોતની સજા સંભળાવ્યા પછી બંગલાદેશના વિદેશ મંત્રાલયે ભારત સાથે કરેલા પ્રત્યર્પણ કરારનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે શેખ હસીનાને બંગલાદેશ પાછાં મોકલવાની ભારતની અનિવાર્ય જવાબદારી છે. માનવતાવિરોધી અપરાધોના દોષી લોકોને કોઈ અન્ય દેશ દ્વારા શરણ આપવાનું ન્યાયની અવહેલના અને મૈત્રીનું ઉલ્લંઘન કહેવાશે.
ADVERTISEMENT
ભારતે મારી માનો જીવ બચાવ્યો છે, ધન્યવાદ: શેખ હસીનાનો પુત્ર
શેખ હસીનાના દીકરા સજીબ વાજેદ જૉયે પોતાની માતાનો જીવ બચાવવા બદલ ભારતને ધન્યવાદ કહ્યું હતું. સાથે જ તેણે બંગલાદેશની વચગાળાની સરકારની પ્રત્યર્પણની માગણીને ગેરકાનૂની ગણાવી હતી. તેમણે દેશમાં લશ્કરની વધી રહેલી સક્રિયતા અને યુનુસ સરકારની કાર્યપ્રણાલીઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
ન્યુઝ-એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં સજીબ વાજેદ જૉયે કહ્યું હતું કે ‘ભારતે મારી માનો જીવ બચાવ્યો છે. જો તે ૨૦૨૪માં દેશમાંથી ન નીકળી ગઈ હોત તો ઉગ્રવાદીઓએ તેની હત્યા કરી નાખી હોત. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હું દિલથી ધન્યવાદ કહું છું કે તેમણે મારી માને શરણ આપ્યું. બાકી યુનુસ સરકારે કેસ લડાય ત્યારે અનેક ગેરરીતિઓ આચરી છે. મારી માના વકીલોને કોર્ટમાં રજૂઆત કરવા પણ આવવા નથી દીધા.’
બંગલાદેશને બીજો આતંકવાદી દેશ બનતાં ભારત જ રોકી શકશે: અવામી લીગના નેતાઓ
ICTના ચુકાદા પછી શેખ હસીનાની પાર્ટી અવામી લીગના ટોચના નેતાઓ હાલમાં અજ્ઞાત જગ્યાએ રહે છે. સેંકડો અવામી નેતાઓ નિર્વાસિત છે અને હજારો કાર્યકર્તાઓ જેલમાં છે. આ નેતાઓ શેખ હસીના સાથે ઇન્ટરનેટ કૉલ્સ અને મૅસેજિંગ ઍપ્સ દ્વારા સંપર્કમાં છે. ભૂતપૂર્વ સંસદસભ્ય બહાઉદ્દીન નસીમ અને અન્ય એક વડીલ નેતાએ કહ્યું હતું કે ‘ભારત પાસેથી ખૂબ અપેક્ષાઓ છે. અમને આશા છે કે બંગલાદેશને બીજા આતંકવાદી કે ઇસ્લામિક સ્ટેટ જેવું બનતાં રોકવામાં ભારત જ મદદ કરી શકે એમ છે.’
તેલંગણમાં ઇન્દિરામ્માના નામે એક કરોડ સાડીઓ વહેંચાશે

ભારતનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતી નિમિત્તે ગઈ કાલે કૉન્ગ્રેસના નેતાઓએ દેશભરમાં ઠેર-ઠેર તેમને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમો યોજ્યા હતા. તેલંગણમાં મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ આ પ્રસંગે ઇન્દિરામ્મા ચીર સ્કીમ લૉન્ચ કરી હતી. આ સ્કીમ અંતર્ગત રાજ્યની મહિલાઓને એક કરોડ સાડીઓ વહેંચવામાં આવશે. તેલંગણમાં ઑલરેડી ઇન્દિરામ્મા હાઉસિંગ સ્કીમ દ્વારા ૧.૭૩ લાખ ઘરો આપવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.


