કૉન્સર્ટ માટે ઢાકા ગયેલા કલકત્તાના સરોદવાદક શિરાઝ અલી ખાન ભારતીય ઓળખ છુપાવીને ભાગી આવ્યા
શિરાઝ અલી ખાન
સંગીતની દુનિયામાં મોટું નામ ધરાવતા કલકત્તાના સરોદવાદક શિરાઝ અલી ખાનનો પરિવાર બંગલાદેશમાં વસ્યો છે. ૧૯ ડિસેમ્બરે ઢાકાના છાયાનટ નામના પ્રસિદ્ધ હૉલમાં તેમની કૉન્સર્ટ હતી પરંતુ નિશ્ચિત પ્રોગ્રામના ગણતરીના કલાકો પહેલાં જ શરીફ ઉસ્માન હાદીનું મોત થતાં બંગલાદેશમાં તોફાન ફાટી નીકળ્યાં. એ તોફાનમાં પ્રદર્શનકારીઓ આ કલ્ચરલ હૉલમાં પણ ઘૂસી આવ્યા અને તોડફોડ કરી નાખી હતી. આ ઘટનાથી ગભરાઈ ગયેલા શિરાઝ અલી ખાન મહામહેનતે એ જગ્યાએથી નીકળ્યા હતા અને શનિવારે તાત્કાલિક ધોરણે ઢાકાથી નીકળી ગયા હતા. જોકે હજી તેમનો તબલાવાદક ઢાકામાં ફસાયેલો છે. શિરાઝ ખાને કહ્યું હતું કે ‘બંગલાદેશનું બ્રાહ્મણબારી મારા પરિવારનું મૂળ વતન છે. છાયાનટ સાંસ્કૃતિક ભવન પર હુમલો આપણી સંસ્કૃતિ અને પરસ્પરનાં મૂલ્યો પરનો હુમલો છે જેની કલ્પના પણ ન થઈ શકે. ઢાકાથી ભાગતી વખતે મને એક ચેક-પૉઇન્ટ પર રોકીને પૂછવામાં આવ્યું કે શું તમારી પાસે કોઈ ફૉરેન કરન્સી છે. ખુશકિસ્મતી હતી કે મારી પાસે એ વખતે રૂપિયા નહોતા. પહેલી વાર મેં પોતાની ભારતીય ઓળખનો ઉલ્લેખ ન કર્યો. ઇન્ડિયા-વિરોધી વલણ વધી રહ્યું હોવાથી મેં મારી બ્રાહ્મણબરિયા બોલીમાં વાત કરી જે મેં મારી મા પાસેથી શીખેલી. એ લોકોને લાગ્યું કે હું ભારતનો નહીં, બંગલાદેશી છું. પાસપોર્ટ અને ફોન મેં ડ્રાઇવરને છુપાવવા આપી દીધા હતા. મને ખબર નથી કે જો હું ભારતીય છું એવી ખબર પડી ગઈ હોત તો મારું શું થાત.’


