આવું કરનારો જગતનો પહેલો દેશ, પોસ્ટ વિભાગ હવે માત્ર પાર્સલની ડિલિવરી કરશે, ગયા વર્ષે ૬૦૨ કરોડ રૂપિયાનું નુકસાન થયું
પ્રતીકાત્મક તસવીર
ડેન્માર્કે એની ૪૦૧ વર્ષ જૂની ટપાલસેવા બંધ કરી દીધી છે. આમ કરીને ડેન્માર્ક વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે જેણે સાર્વત્રિક પત્રવિતરણ સંપૂર્ણપણે બંધ કર્યું છે. ડેન્માર્કમાં ટપાલસેવા ૧૬૨૪માં શરૂ થઈ હતી. ડેન્માર્ક હવે ડિજિટાઇઝેશન અપનાવી રહ્યું છે એટલે દેશમાં પ્રતિષ્ઠિત લાલ મેઇલ-બૉક્સ અદૃશ્ય થઈ રહ્યાં છે. રાજ્યની માલિકીની ટપાલકંપની પોસ્ટનૉર્ડે ૩૦ ડિસેમ્બરે છેલ્લો પત્ર પહોંચાડ્યો હતો. પોસ્ટનૉર્ડ હવે ફક્ત પાર્સલ ડિલિવરી પર ધ્યાન કેન્દ્રિત કરશે. જોકે કોઈ પત્રો લખીને મોકલવા માગે તો પ્રાઇવેટ કુરિયર કંપનીઓ સરકારી દરે પત્રો પહોંચાડવાનું ચાલુ રાખશે.
ગયા વર્ષે પોસ્ટનૉર્ડને આશરે ૪૨૮ મિલ્યન ડેનિશ ક્રૉનર (આશરે ૬૦૨ કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું. આથી કંપની હવે પત્રોને બદલે પાર્સલ ડિલિવરી પર ધ્યાન કેન્દ્રિત કરશે.


