પ્રચારના નામે ફટાકડા ફોડીને ફ્લૅટમાં આગ લગાડનારા કાર્યકરો પર ઍક્ટ્રેસ ડેઇઝી શાહે ઠાલવ્યો જોરદાર આક્રોશ
ડેઇઝી શાહના વાઇરલ વિડિયોમાંથી લીધેલી તસવીર અને હાઇરાઇઝ બિલ્ડિંગ.
બાંદરા-ઈસ્ટના એક હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી હતી. રહેવાસીઓએ દાવો કર્યો હતો કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીની પ્રચારરૅલી દરમ્યાન ફટાકડા ફોડવાને કારણે આગ લાગી હતી. બૉલીવુડની ઍક્ટ્રેસ ડેઇઝી શાહના બિલ્ડિંગની બાજુના બિલ્ડિંગમાં આગ લાગતાં તેણે સોશ્યલ મીડિયા પર રોષ ઠાલવતો વિડિયો પોસ્ટ કર્યો હતો. આ વિડિયોએ અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
ડેઇઝી તેના બે ડૉગને વૉક કરાવવા નીકળી હતી ત્યારે આ બનાવ બનતાં તેણે બિલ્ડિંગની નીચેથી જ વિડિયો શૂટ કર્યો હતો. થૅન્ક યુ ભારતીય જનતા પાર્ટી (BJP) કહીને તેણે કહ્યું હતું કે આ રીતે રૉકેટ જેવા ફટાકડા ફોડીને પ્રચારના નામે કોઈના ઘરમાં આગ લગાવી દીધી છે. આગ બુઝાયા બાદ પણ ફરી એક વિડિયો પોસ્ટ કરીને ડેઇઝીએ સ્પષ્ટતા કરી હતી કે ‘મારે કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તમે તમારા ચૂંટણીપ્રચાર માટે લોકોને ભાડે રાખો છો ત્યારે ખાતરી કરો કે તેઓ થોડી સમજદારી દાખવે. અમારી બિલ્ડિંગ કમિટીનો ખૂબ-ખૂબ આભાર કે તેમણે આ લોકોને ઘરે-ઘરે જઈને પ્રચાર કરવાની પરવાનગી ન આપી. આગ કુદરતી રીતે નથી લાગી. બિલ્ડિંગની બહાર મૂર્ખ લોકોએ ફટાકડા ફોડ્યા એટલે લાગી.’
ADVERTISEMENT
BJPનું નામ લેવા બદલ પણ તેણે ખુલાસો કર્યો હતો કે કોઈ પણ પક્ષ આ રીતનું વર્તન કર્યા બાદ એની જવાબદારી લે એ જરૂરી છે એટલે મેં પાર્ટીનું નામ લીધું હતું. બાંદરા-ઈસ્ટના ખેરનગરમાં ૧૨ માળના પ્રાજક્તા બિલ્ડિંગના અગિયારમા માળે મંગળવારે સાંજે આગ લાગી હતી. જોકે પોલીસે આગ લાગવાનું પ્રાથમિક કારણ શૉર્ટ સર્કિટ હોવાનું જણાવ્યું હતું. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને ૩૦ મિનિટમાં આગ કાબૂમાં લેવામાં આવી હતી. આગનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


