Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ડોનલ્ડ ટ્રમ્પે આદરી નવી ટૅરિફ-વૉર : દવાઓ પર ૧૦૦ ટકા અને મેટલ્સ પર ૫૦ ટકા ટૅરિફ

ડોનલ્ડ ટ્રમ્પે આદરી નવી ટૅરિફ-વૉર : દવાઓ પર ૧૦૦ ટકા અને મેટલ્સ પર ૫૦ ટકા ટૅરિફ

Published : 04 April, 2026 09:35 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ નિર્ણયમાં યુરોપિયન યુનિયન, જપાન, સાઉથ કોરિયા અને સ્વિટ્ઝરલૅન્ડ જેવા દેશોને રાહત આપવામાં આવી છે

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર


અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે દવાઓ અને મેટલ્સ પર ટૅરિફ લાદવાનો નિર્ણય લીધો છે જેને કારણે વૈશ્વિક વેપાર અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. કેટલીક દવાઓ પર હવે ૧૦૦ ટકા ટૅરિફ લાગશે, જ્યારે મેટલની આયાતના નિયમો પણ કડક કરવામાં આવ્યા છે. આ પગલાનો હેતુ કંપનીઓને અમેરિકામાં ઉત્પાદન વધારવા અને કિંમતો ઘટાડવા દબાણ કરવાનો છે. 
ટ્રમ્પ સરકારે જાહેરાત કરી હતી કે જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ મોસ્ટ ફેવર્ડ નેશન પ્રાઇસિંગ પહેલમાં જોડાશે નહીં એમના પર ૧૦૦ ટકા ટૅરિફ લાગશે. આમ જે કંપની અમેરિકામાં સસ્તી દવાઓ પૂરી પાડવા અથવા લોકલ મૅન્યુફૅક્ચરિંગ માટે તૈયાર નહીં થાય એણે વધારે ટૅરિફ ચૂકવવી પડશે. ટ્રમ્પ પ્રશાસને આ માટે મોટી કંપનીઓને ૧૨૦ દિવસનો અને નાની કંપનીઓને ૧૮૦ દિવસનો સમય આપ્યો છે. જે કંપનીઓ અમેરિકામાં ઉત્પાદન માટે રાજી થશે તેમના પરની ટૅરિફ ૨૦ ટકા કરવામાં આવશે.

આ નિર્ણયમાં યુરોપિયન યુનિયન, જપાન, સાઉથ કોરિયા અને સ્વિટ્ઝરલૅન્ડ જેવા દેશોને રાહત આપવામાં આવી છે અને એમના પર ૧૫ ટકા ટૅરિફ લાગશે. યુનાઇટેડ કિંગડમની કંપનીઓ પર માત્ર ૧૦ ટકા ટૅરિફ લાગશે. જોકે આ ટૅરિફને કારણે અમેરિકામાં દવાના ભાવ વધશે જેનો બોજો અમેરિકનો પર પડશે.



મેટલ સેક્ટરને જોરદાર ફટકો


ટ્રમ્પ સરકારે સ્ટીલ, ઍલ્યુમિનિયમ અને તાંબા પરની હાલની ૫૦ ટકા ટૅરિફને વધુ કડક બનાવી છે. ટૅરિફ હવે અમેરિકામાં ખરીદકિંમતના આધારે ગણવામાં આવશે, નિકાસમૂલ્યના આધારે નહીં. વધુમાં જો ધાતુનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય તો ઘરગથ્થુ ઉપકરણો જેવાં નોંધપાત્ર ધાતુનાં ઉત્પાદનો પર ૨૫ ટકા ટૅરિફ લાગશે. ટૅરિફના નિયમોમાં ફેરફારનો હેતુ નિયમોને સરળ બનાવવાનો, કરચોરી અટકાવવાનો અને ઉદ્યોગોને સંતુલિત રાહત આપવાનો છે. ટૅરિફના અમલીકરણની પદ્ધતિ બદલાઈ ગઈ છે, જે ચોક્કસપણે આયાતકારો અને કંપનીઓને અસર કરશે. ઘણા આયાતકારો અગાઉ મેટલની કિંમત ઓછી બતાવીને ટૅરિફ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પગલું એને રોકવા માટે લેવામાં આવ્યું છે. જે ઉત્પાદનોમાં મેટલનો ઉપયોગ ૧૫ ટકાથી ઓછો હોય તો ૫૦ ટકા ટૅરિફ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. આનાથી પરફ્યુમની બૉટલ કૅપ્સ અથવા નાની સ્ટીલ બ્લેડવાળી ઘરગથ્થુ વસ્તુઓ જેવાં ઉત્પાદનોને ફાયદો થશે, જેમાં ખૂબ ઓછી ધાતુનો ઉપયોગ થાય છે.

૧૫ ટકાથી વધુ મેટલનું પ્રમાણ ધરાવતા કોઈ પણ ઉત્પાદન પર હવે ૨૫ ટકાની ફ્લૅટ ટૅરિફ લાગશે. આ ટૅરિફ સમગ્ર ઉત્પાદન પર લાગુ પડે છે. જો કોઈ ઉત્પાદન વિદેશમાં બન્યું હોય પરંતુ એમાં ઉપયોગમાં લેવાતું સ્ટીલ, ઍલ્યુમિનિયમ અથવા તાંબું સંપૂર્ણપણે અમેરિકન હોય તો એના પર ફક્ત ૧૦ ટકા ટૅરિફ લાગશે.   


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 09:35 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK