ઐરોલીની મ્યુનિસિપલ હૉસ્પિટલમાં ધાર્મિક વિધિના નામે કોલાહલ, પ્રોટોકૉલ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા
ICUની બહાર શંખ ફૂંકી રહેલો પુરુષ
નવી મુંબઈના ઐરોલીમાં એક મ્યુનિસિપલ હૉસ્પિટલમાં બનેલી ઘટનાના વિડિયોએ ઑનલાઇન વાઇરલ થયા બાદ ચર્ચા ફેલાવી છે. એમાં એક વ્યક્તિ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)ની બહાર શંખ ફૂંકતી જોવા મળે છે. ક્રિટિકલ કૅર વાતાવરણમાં આ કૃત્ય ખૂબ જ અયોગ્ય માનવામાં આવે છે, જેણે સુવિધામાં સલામતી પ્રોટોકૉલ અને દેખરેખ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. વિડિયોમાં તે માણસ ICUના પ્રવેશદ્વાર પાસે ઊભો રહીને શંખ ફૂંકતો, ડમરુ વગાડતો અને ઘંટડી વગાડતો જોવા મળે છે. એક મહિલા નવજાત બાળકને પકડીને તેની સામે ઊભી છે, જે એ જ ધાર્મિક વિધિનો ભાગ હોય એવું લાગે છે. શંખનો અવાજ સાંભળીને હૉસ્પિટલના સ્ટાફનું પણ ધ્યાન ખેંચાય છે. તેઓ પણ એ જોતા ઊભા રહે છે. આ ઘટનાની વ્યાપક ટીકા થઈ રહી છે. વાઇરલ થયેલા વિડિયો બાદ નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને આ મામલે તપાસ શરૂ કરી છે.
