શેખા માહરા સોશ્યલ મીડિયા પર તેની ફૅશન માટે અને લોકલ ડિઝાઇનરને સપોર્ટ કરવા માટે જાણીતી છે
દુબઈના શાસકની દીકરી શેખા માહરા
દુબઈની સુંદર રાજકુમારીએ તેના પતિને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર ત્રણ તલાક દ્વારા ડિવૉર્સ આપી દીધા છે. સંયુક્ત આરબ અમીરાતના વડા પ્રધાન અને દુબઈના રૂલર શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની દીકરી રાજકુમારી શેખા માહરા બિન્ત મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે ગયા વર્ષે શેખ માના બિન મોહમ્મદ રાશિદ બિન માના અલ મકતૂમ સાથે લગ્ન કર્યાં હતાં અને હવે તેને ડિવૉર્સ આપી દીધા છે. જોકે સોશ્યલ મીડિયા પર તલાક આપી દીધા હોવાથી તે ચર્ચામાં આવી છે. આ ડિવૉર્સ માટેનું કારણ તેનો પતિ અન્ય સાથીઓ સાથે વ્યસ્ત હોવાનું તેણે જણાવ્યું છે. બે મહિના પહેલાં જ રાજકુમારીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. શેખા માહરા સોશ્યલ મીડિયા પર તેની ફૅશન માટે અને લોકલ ડિઝાઇનરને સપોર્ટ કરવા માટે જાણીતી છે તેમ જ તે વિમેન એમ્પાવરમેન્ટને પણ પ્રોત્સાહન આપતી આવી છે. તેણે ઇસ્લામના ‘ત્રણ તલાક’ દ્વારા ડિવૉર્સ આપ્યા છે, જે ભારત સહિત ઘણા દેશમાં બૅન કરવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર શેખા માહરાએ પોસ્ટ કર્યું હતું, ‘ડિયર હસબન્ડ, તું અન્ય સાથીઓ સાથે વ્યસ્ત હોવાથી હું તારી સાથે તલાક લઈ રહી છું. હું તલાક આપું છું. હું તલાક આપું છું. હું તલાક આપું છું. તારી કાળજી લેજે. તારી એક્સ-વાઇફ.’

