ટેસ્લાના બૉસને ડોનલ્ડ ટ્રમ્પની ચીમકી
ડોનાલ્ડ ટ્રમ્પ, ઈલોન મસ્ક
ટેસ્લાના માલિક અને અબજોપતિ ઈલોન મસ્ક અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના ‘બિગ બ્યુટિફુલ બિલ’ સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને એનો વિરોધ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ટ્રમ્પની પણ ધીરજ ખૂટી ગઈ હોય એવું લાગી રહ્યું છે. ટ્રમ્પે મસ્કની કંપનીઓને આપવામાં આવતી સબસિડી બંધ કરવાની ધમકી આપી છે અને કહ્યું છે કે મસ્કે પોતાની દુકાન બંધ કરીને સાઉથ આફ્રિકા પાછા ફરવું જોઈએ.
આ મુદ્દે ટ્રમ્પે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પરની પોસ્ટમાં લખ્યું છે કે ‘ઈલોન મસ્કને ખબર હતી કે તે પ્રેસિડન્ટ-ચૂંટણીમાં મને ટેકો આપે એ પહેલાં જ હું ઇલેક્ટ્રિક વેહિકલ (EV) મૅન્ડેટની વિરુદ્ધમાં હતો. ઇલેક્ટ્રિક કાર ઠીક છે, પરંતુ એ દરેક પર લાદી શકાતી નથી. ઈલોન મસ્ક ઇતિહાસમાં કોઈ પણ અન્ય કરતાં વધુ સબસિડી મેળવી શકે છે અને સબસિડી વિના મસ્કને કદાચ તેની દુકાન બંધ કરીને સાઉથ આફ્રિકા પાછા ફરવું પડશે. હવે રૉકેટ-લૉન્ચ, ઉપગ્રહો અથવા ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન નહીં થાય અને આપણો દેશ ઘણા પૈસા બચાવશે.’
ADVERTISEMENT
ટ્રમ્પની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે ઈલોન મસ્કે સોશ્યલ મીડિયા પર શૅર કરેલી પોસ્ટમાં ટ્રમ્પના ‘બિગ બ્યુટિફુલ બિલ’ની પણ આકરી ટીકા કરી હતી અને ધમકી પણ આપી હતી કે ‘બિગ બ્યુટિફુલ બિલ’ને ટેકો આપનાર કોઈ પણ સંસદસભ્યને આવતા વર્ષે યોજાનારી પ્રાથમિક ચૂંટણીમાં હારનો સામનો કરવો પડી શકે છે.
મસ્કે એવી ધમકી પણ આપી હતી કે જો બિલ પસાર થશે તો તે બીજા જ દિવસે પોતાની નવી પાર્ટી શરૂ કરશે. મસ્કે કહ્યું કે દેશવાસીઓને ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટી સિવાય અન્ય વિકલ્પો મળવા જોઈએ જે પોતાનો અવાજ ઉઠાવી શકે.

