વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) અનુસાર ભારતમાં દર વર્ષે હડકવાથી અંદાજે ૧૮,૦૦૦-૨૦,૦૦૦ મૃત્યુ નોંધાય છે
પ્રતીકાત્મક તસવીર
ઑસ્ટ્રેલિયાએ ચેતવણી જાહેર કરી છે કે ૨૦૨૩ના નવેમ્બરથી ભારતમાં હડકવાની રસીનો નકલી બૅચ ફરતો થઈ ગયો છે. ઑસ્ટ્રેલિયન ટેક્નિકલ ઍડ્વાઇઝરી ગ્રુપ ઑન ઇમ્યુનાઇઝેશન (ATAGI) દ્વારા જાહેર કરાયેલી ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે અસરગ્રસ્ત બ્રૅન્ડ ABHAYRABની રસી લેનારા લોકો હડકવા સામે સંપૂર્ણપણે સુરક્ષિત ન હોઈ શકે. ATAGIની ચિંતા એ છે કે એ નકલી રસી હોઈ શકે છે.
ઑસ્ટ્રેલિયામાં ABHAYRABનો ઉપયોગ થતો ન હોવાથી આ સલાહ મુખ્યત્વે એવા પ્રવાસીઓને લક્ષ્ય બનાવે છે જેમને ૨૦૨૩ના નવેમ્બર પછી ભારતમાં રસી આપવામાં આવી હતી. ઑસ્ટ્રેલિયન અધિકારીઓએ આવી વ્યક્તિઓને સલાહ આપી છે કે તેઓ એ ડોઝને સંભવિત રીતે અમાન્ય ગણે અને એના બદલે રબીપુર અથવા વેરોરાબ જેવી રજિસ્ટર્ડ રસી લે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) અનુસાર ભારતમાં દર વર્ષે હડકવાથી અંદાજે ૧૮,૦૦૦-૨૦,૦૦૦ મૃત્યુ નોંધાય છે, જેમાંથી મોટા ભાગના કૂતરા કરડવાથી થાય છે. આનો અર્થ એ થાય કે દર ૩૦ મિનિટે લગભગ એક મૃત્યુ થાય છે.


