Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ચીનમાં ૧૯ પૅસેન્જરની ક્ષમતાવાળા ઇલેક્ટ્રિક કમર્શિયલ ઍરક્રાફ્ટની પહેલી ફ્લાઇટ સફળ

ચીનમાં ૧૯ પૅસેન્જરની ક્ષમતાવાળા ઇલેક્ટ્રિક કમર્શિયલ ઍરક્રાફ્ટની પહેલી ફ્લાઇટ સફળ

Published : 16 November, 2026 10:25 AM | Modified : 16 November, 2026 10:26 AM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીન દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલું આ ૧૦ ટન ક્લાસનું ઇલેક્ટ્રિક કમર્શિયલ ઍરક્રાફ્ટ છે.

CE-25A ઇલેક્ટ્રિક વિમાન

CE-25A ઇલેક્ટ્રિક વિમાન


ચીનની સરકારી કંપની કમર્શિયલ ઍરક્રાફ્ટ કૉર્પોરેશન ઑફ ચાઇના (COMAC)એ શાનડોંગ પ્રાંતના બિનઝોઉમાં CE-25A ઇલેક્ટ્રિક વિમાનની પહેલી ક્રૂ ફ્લાઇટનું સફળ પરીક્ષણ કર્યું હતું. સરકારી બ્રૉડકાસ્ટર CCTVએ શનિવારે આ વિશે માહિતી આપી હતી. ચીન દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલું આ ૧૦ ટન ક્લાસનું ઇલેક્ટ્રિક કમર્શિયલ ઍરક્રાફ્ટ છે.

ફ્લાઇટ-ટેસ્ટિંગ પ્રોગ્રામના આ મહત્ત્વના તબક્કામાં બે પાઇલટ અને એક ફ્લાઇટ ટેસ્ટ એન્જિનિયર સવાર હતા. ફ્લાઇટ દરમ્યાન વિમાને અપેક્ષા મુજબનું જ પ્રદર્શન કર્યું હતું અને એની તમામ ઑનબોર્ડ સિસ્ટમ સચોટ રહી હતી. અગાઉ બીજી ફેબ્રુઆરીએ એની પહેલી માનવરહિત ઉડાન યોજાઈ હતી. એ પણ સફળ રહી હોવાનો દાવો ચીન દ્વારા કરાયો હતો. પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા માટે ડિઝાઇન કરાયેલા આ કમર્શિયલ ઍરક્રાફ્ટમાં ૧૯ પૅસેન્જર બેસી શકે છે. એ ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ક્રૂઝિંગ સ્પીડ ધરાવે છે અને ૨૪૦૦ મીટરની ઊંચાઈ પર ૪૦૦ કિલોમીટર સુધી ઉડાન ભરી શકે છે.



આ પ્રોજેક્ટ COMAC, ચાઇના ઍકૅડેમી ઑફ લૉન્ચ વ્હીકલ ટેક્નૉલૉજી (CALT) અને શાંઘાઈ જિયાઓ ટોંગ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયો હતો. અત્યાર સુધીમાં એણે ૧૯ ઑટોનૉમસ ફ્લાઇટ પૂરી કરી છે. સિવિલ એવિયેશન ઍડ્મિનિસ્ટ્રેશને એની સર્ટિફિકેશન અરજી સ્વીકારી લીધી છે, જે આ પ્રોજેક્ટ માટે મોટી સિદ્ધિ છે


ચીનના વિમાનની ભારતના હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી, ૨૫ મિનિટ સુધી ઊડતું રહ્યું

સિક્કિમની હવાઈ સીમામાં ચીનના એક લશ્કરી વિમાને ઘૂસણખોરી કરી હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો હતો. ૧૨ નવેમ્બરે સવારે ૮ વાગ્યે ઇન્ડિયન ઍર ફોર્સ (IAF)ના રડારમાં આ ચીની વિમાન દેખાયું હતું. રિપોર્ટ્સ મુજબ આ વિમાન ૨૫,૦૦૦ ફુટની ઊંચાઈએ ઊડી રહ્યું હતું અને વીસથી ૨૫ મિનિટ સુધી એ ભારતીય સીમામાં રહ્યું હતું. IAF દ્વારા વિમાનને ચીનની સરહદમાં પાછા ફરવા માટે રેડિયો પર વારંવાર ચેતવણી આપવામાં આવી હતી, તેમ છતાં એણે પોતાની ઉડાન ચાલુ રાખી હતી. જોકે આ ઘૂસણખોરી વિશે હજી સુધી ભારત કે ચીનના સંરક્ષણ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કેટલાક ઑબ્ઝર્વર માને છે કે આ જાસૂસી કરતું ડ્રોન હોઈ શકે છે. સિક્કિમ સેક્ટર વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે, કારણ કે એ દોકલામ અને સિલિગુડી કૉરિડોર (ચિકન્સ નેક)ની નજીક છે, જે ઉત્તર-પૂર્વનાં રાજ્યોને બાકીના ભારત સાથે જોડે છે. આ મામલે રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. વિરોધ પક્ષ કૉન્ગ્રેસે આ ઘટનાને `અત્યંત ચિંતાજનક` ગણાવીને સરકારના વલણ સામે સવાલો ઉઠાવ્યા હતા. કૉન્ગ્રેસે આશા વ્યક્ત કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ચીનને `ક્લીન ચિટ` નહીં આપે.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 10:26 AM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK