ઈરાની મીડિયાએ કર્યો દાવો: UAEમાં ડ્રોન-અટૅકથી ગભરાટ
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં ઈરાની ડ્રોન-અટૅક થયાં છે
વેસ્ટ એશિયામાં ૧૮ દિવસના યુદ્ધવિરામ બાદ ફરી ટેન્શન વધ્યું છે અને હોર્મુઝ સ્ટ્રેટમાં આવેલા સંકટે દુનિયાને ચિંતામાં મૂકી દીધી છે. ઈરાની મીડિયાએ દાવો કર્યો હતો કે અમેરિકાએ કરેલા હુમલામાં પાંચ જણનાં મૃત્યુ થયાં છે. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં ઈરાની ડ્રોન-અટૅક થયાં છે. બાહરિનમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે. બાહરિને સોમવારે રાતે નૅશનલ ઇમર્જન્સી જાહેર કરી દીધી હતી.
ઈરાનનો દાવો છે કે અમેરિકી સેનાએ ઈરાન તરફ સામાન લઈ જઈ રહેલી બે ઈરાની બોટને નિશાન બનાવી હતી. આ ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કૉર્ઝ (IRGC)ની સ્પીડબોટ નહોતી પણ સામાન્ય માલવાહક બોટ હતી. એમાં સવાર પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં.
ADVERTISEMENT
બીજી તરફ અમેરિકાએ આ દાવા પર ચુપકીદી સેવીને હોર્મુઝ સ્ટ્રેટમાંથી કમર્શિયલ જહાજોને બહાર કાઢવાનું ઑપરેશન આગળ વધાર્યું છે. અમેરિકાના ફ્લૅગવાળાં બે જહાજોને બહાર કાઢવામાં આવ્યાં હતાં.
UAEના ફુજૈરાહમાં તેલ સુવિધા પર સોમવારે ઈરાની ડ્રોનનો હુમલો થયો હતો જેને કારણે આગ લાગી હતી અને કેટલાક કામદારો ઘાયલ થયા હતા જેમાં ભારતીયોનો પણ સમાવેશ છે. આ કેન્દ્ર હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરવાની એક મહત્ત્વપૂર્ણ પાઇપલાઇન ધરાવે છે. આ હુમલા બાદ તેલના ભાવમાં ૬ ટકાનો ઉછાળો આવ્યો હતો.
આવું બરદાસ્ત કરવામાં નહીં આવે: નરેન્દ્ર મોદી
UAEના ફુજૈરાહ પર હુમલામાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા. આ ઈરાની હુમલાના કારણે ભારત ગુસ્સે છે. ભારતે આ હુમલાની આકરી નિંદા કરી છે, એટલું જ નહીં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનને ચેતવણી આપી છે. નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ‘UAE પર હુમલા કોઈ પણ સંજોગોમાં અસ્વીકાર્ય છે. નાગરિકોને નિશાન બનાવવા એ કોઈ પણ કિંમતે સ્વીકાર્ય નથી.’
અગાઉ ભારતના વિદેશમંત્રાલયે આ હુમલાને અસ્વીકાર્ય ગણાવીને કહ્યું હતું કે આવા મામલાને વાતચીત અને કૂટનીતિક રીતે ઉકેલવા જોઈએ.
અરાગચીએ શું કહ્યું?
આ મુદ્દે ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચીએ જણાવ્યું હતું કે UAEમાં ડ્રોન-હુમલામાં અમારો હાથ નથી. અમેરિકા અને UAEએ આ પ્રકારના દાવા કરવાથી બચવું જોઈએ. આ રાજકીય સંકટનું યુદ્ધ કોઈ સમાધાન નથી, એને કૂટનીતિથી ઉકેલવામાં આવવું જોઈએ.
