અનેક દેશોમાં ભાવ બમણા થયા, ભારતમાં ભાવવધારો નહીં
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઈરાનમાં યુદ્ધ બાદ દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારે થયો છે અને અનેક દેશોમાં ભાવ બમણા થઈ ગયા છે. જોકે ભારતમાં ભાવ હજી પણ સ્થિર રહ્યા છે. આ મુદ્દે પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું હતું કે ‘પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. તેલકંપનીઓને ખોટ થઈ રહી છે પણ ગ્રાહકો પર બોજો લાદવામાં આવ્યો નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધવા છતાં ભારતીય નાગરિકોની સુરક્ષા કરવામાં આવી છે.’
યુદ્ધ પહેલાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૭૧.૨૮ ડૉલર હતો અને હવે એ આશરે ૧૦૯ ડૉલર પ્રતિ બૅરલ છે. આમ આ સમયગાળામાં વિશ્વમાં પેટ્રોલની સરેરાશ કિંમત ૧.૨ ડૉલરથી વધીને ૧.૪ ડૉલરે પહોંચી છે. મ્યાનમારમાં પેટ્રોલના ભાવમાં ૧૦૦ ટકા અને ડીઝલના ભાવમાં ૧૧૯.૯ ટકાનો વધારો થયો છે. ફિલિપીન્સમાં ડીઝલના ભાવમાં ૧૧૧ ટકા અને પેટ્રોલના ભાવમાં ૭૧.૬ ટકાનો વધારો થયો છે. અમેરિકામાં પેટ્રોલના ભાવમાં ૩૧.૧ ટકા અને ડીઝલના ભાવમાં ૪૧.૮ ટકાનો વધારો થયો છે. દુબઈ અને અબુ ધાબીમાં પેટ્રોલ ૪૦.૮ ટકા અને ડીઝલ ૮૬.૧ ટકા મોંઘું થયું છે. ઑસ્ટ્રેલિયામાં આ વધારો અનુક્રમે ૪૬.૫ ટકા અને ૬૪.૧ ટકા છે.
ADVERTISEMENT
ટ્રાન્સપોર્ટ અને ઇન્ડસ્ટ્રીઝમાં ડીઝલની માગણી વધારે હોવાથી એની કિંમત વધારે વધી છે. નિષ્ણાતો માને છે કે બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૦૦ ડૉલરથી વધારે રહે તો ભારતમાં નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે.
