૩૦ વર્ષથી શિકાગોમાં રહેતા સુરેશ પટેલે થોડા દિવસ પહેલાં જ જૅક્સન સિટીમાં દુકાન શરૂ કરી હતી, રોકડ રકમ આપી દીધા પછી પણ હુમલાખોરે અંધાધૂંધ ગોળીઓ છોડી
સુરેશ પટેલ
અમેરિકાના ટેનેસી રાજ્યની જૅક્સન સિટીમાં ૫૬ વર્ષના ગુજરાતી વેપારી સુરેશ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના દરમ્યાન વેપારીની ૧૯ વર્ષની પુત્રી પણ તેની સાથે હાજર હતી, પરંતુ તે ગોળીબારમાં બચી ગઈ હતી. ૨૦ ઑગસ્ટે રાતે ૯ વાગ્યાની આસપાસ એક સશસ્ત્ર માણસ દારૂની દુકાનમાં લૂંટ કરવાના ઇરાદાથી ઘૂસી ગયો હતો અને કર્મચારીઓ પાસેથી રોકડની માગણી કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ હથિયાર બતાવીને દુકાનની અંદર રહેલા લોકો પાસેથી નાણાં પડાવ્યાં હતાં. ત્યાર બાદ તેણે અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક ગોળી સુરેશ પટેલને વાગી હતી અને ઘટનાસ્થળે જ તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. આરોપી સફેદ સિડૅનમાં રોકડ લઈને ભાગી ગયો હતો. દુકાનમાં હાજર ૭૦ વર્ષના કર્મચારીને ગોળીબાર દરમ્યાન પડી જવાથી કાંડામાં ફ્રૅક્ચર થયું છે.
ADVERTISEMENT
આરોપી અશ્વેત પુરુષ હતો. તેણે ગ્રે હૂડી, જીન્સ અને કાળાં વર્ક બૂટ પહેર્યાં હતાં. પોતાની ઓળખ છુપાવવા માટે તેનો ચહેરો પેઇન્ટબૉલ માસ્કથી ઢાંકી દીધો હતો. પોલીસે આરોપીની શોધ શરૂ કરી છે.
સુરેશ પટેલ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા અખાજ ગામના રહેવાસી હતા. તેઓ લગભગ ૩૦ વર્ષથી અમેરિકામાં રહેતા હતા. પહેલાં તેમનો બિઝનેસ શિકાગોમાં હતો. તેમના પરિવારે તાજેતરમાં જ રિજક્રેસ્ટ સેલર્સનો વ્યવસાય સંભાળ્યો હતો અને સુરેશ પટેલે થોડા દિવસ પહેલાં જ સ્ટોરનું સંચાલન સંભાળ્યું હતું.
