નાગપુરમાં Manthan4Yuva કાર્યક્રમ દરમ્યાન ઝેન-ઝીને સ્ક્રીન-ટાઇમ અને રમતનું બૅલૅન્સ રાખવાની સલાહ આપીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...
રવિવારે નાગપુરમાં Manthan4Yuva - નાગપુર ૨૦૨૬માં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હજારો યુવાઓને સંબોધ્યા હતા. આ કાર્યક્રમમાં ૩૫૦૦થી વધુ યુવક-યુવતીઓએ સમૂહમાં ઢોલ-તાશા વગાડીને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સ અને એશિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં રેકૉર્ડ બનાવ્યા હતા.
નાગપુરમાં આયોજિત Manthan4Yuva કાર્યક્રમમાં જેન-ઝી સાથે સંવાદ સાધતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કન્ટેન્ટ ક્રીએટર્સ દ્વારા જનરેટ થતી ઑરેન્જ ઇકૉનૉમીની પ્રશંસા કરી હતી. ડિજિટલ યુગમાં કન્ટેન્ટ ક્રીએટર્સ અર્થતંત્રમાં મોટું યોગદાન આપી રહ્યા છે, પરંતુ બાળકોના સ્ક્રીન-ટાઇમમાં ઘટાડો કરવો અને તેમણે રમતના મેદાન પર રમવા જવું જરૂરી હોવા પર દેવેન્દ્ર ફડણવીસે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સરકાર પણ આ માટે કામ કરી રહી છે અને બાળકોએ પણ સ્ક્રીન-ટાઇમ અને રમતનું બૅલૅન્સ રાખવું જોઈએ.
કૉન્ગ્રેસના ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ પર આડકતરી રીતે નિશાન સાધતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે એક તરફ મહિલા આરક્ષણ બિલનો વિરોધ કરી રહ્યા છે અને બીજી બાજુ વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ સાધી રહ્યા છે એનો શો અર્થ?
ADVERTISEMENT
ભારતની લોકશાહી અને બંધારણની શક્તિ સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ દેશનાં સર્વોચ્ચ બંધારણીય પદો સુધી પહોંચાડી શકે છે એમ જણાવતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતાના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવનપ્રવાસનું ઉદાહરણ આપ્યું હતું. તેમ જ નાગરિક સહભાગિતા અને નેતૃત્વ વિશેના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન અન્ય એક પ્રશ્નનો જવાબ આપતાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘આપણા બંધારણે દેશને અદ્ભુત લોકશાહી આપી છે. આ લોકશાહીની સુંદરતા એ છે કે દેવેન્દ્ર ફડણવીસ જેવી સામાન્ય વ્યક્તિ જેણે ક્યારેય કૉર્પોરેટર બનવાનું પણ વિચાર્યું નહોતું તે મુખ્ય પ્રધાનના પદ સુધી પહોંચી શકે છે અને ગુજરાતના રેલવે-સ્ટેશન પર ચા વેચતો છોકરો દેશનો વડા પ્રધાન બની શકે છે.’
પોતાના ભૂતકાળના સંઘર્ષો યાદ કરતાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રામજન્મભૂમિ આંદોલન દરમ્યાન ૨૦ વર્ષની ઉંમરે તેમણે ઉત્તર પ્રદેશની બદાઉં સેન્ટ્રલ જેલમાં ૧૮ દિવસ વિતાવ્યા હતા. તેમણે ૧૯૯૨માં બાબરી માળખું તોડી પાડવામાં આવ્યું ત્યારે પોતે ત્યાં ઉપસ્થિત હોવાનો ગર્વ પણ વ્યક્ત કર્યો હતો.
