બ્રિટન અને સ્પેનમાં ગરમીના ઐતિહાસિક રેકૉર્ડ તૂટવાની નજીક, અનેક શહેરોમાં રેડ અલર્ટ જાહેર કરીને લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી
ગઈ કાલે પૅરિસના આઇફલ ટાવરની બહાર લાગેલી નોટિસ જેમાં લખવામાં આવ્યું હતું કે બપોરે અને સાંજે તાપમાન અતિશય ઊચું રહેવાનું હોવાને લીધે ટાવર ૪ વાગ્યે બંધ થઈ જશે અને છેલ્લી એન્ટ્રી સવાબાર વાગ્યે આપવામાં આવશે.
સમગ્ર યુરોપમાં ભયાનક હીટવેવે જીવલેણ સ્વરૂપ ધારણ કર્યું છે. માત્ર ફ્રાન્સમાં જ અત્યાર સુધીમાં બે માસૂમ બાળકો અને ૩ વૃદ્ધો સહિત ઓછામાં ઓછા ૧૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. દક્ષિણ-પૂર્વ ફ્રાન્સમાં બંધ કારની અંદર ગરમીને કારણે બેભાન થઈ જવાથી બે અને ચાર વર્ષનાં બે સગાં ભાઈ-બહેનોનાં મોત થયાં હતાં. ફ્રાન્સના બોર્ડો શહેરમાં તાપમાન ૪૧.૯ ડિગ્રી અને પોઇટિયર્સમાં ૪૧.૨ ડિગ્રી નોંધાયું છે, જે ૧૯૪૭ પછીનું સૌથી વધુ છે. ગરમીથી રાહત મેળવવા નદી અને નહેરોમાં ઊતરેલા લોકોમાંથી ફ્રાન્સમાં બે દિવસમાં ૧૩ લોકો ડૂબી ગયા છે.
લંડનની ઇમ્પીરિયલ કૉલેજના નિષ્ણાતોના મતે આ ભીષણ ગરમી પાછળ ઓમેગા બ્લૉક નામની વાતાવરણીય પ્રક્રિયા જવાબદાર છે જે ઉત્તર આફ્રિકાના સહરા રણમાંથી ગરમ હવા ખેંચી રહી છે અને પવનની ગતિ એકદમ રોકી દીધી છે. સ્પેનના સૅન સેબેસ્ટિયનમાં તાપમાન સામાન્ય કરતાં બમણું એટલે કે ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જ્યારે ઇટલીએ ગંભીર સ્થિતિને જોતાં ૧૨ શહેરોમાં રેડ અલર્ટ જાહેર કરી છે. બ્રિટનની હવામાન ઑફિસના જણાવ્યા અનુસાર આ અઠવાડિયે તાપમાન ૩૯ ડિગ્રી વટાવીને જૂન મહિનાનો ૭૦ વર્ષ જૂનો રેકૉર્ડ તોડી શકે છે. બીજી તરફ બેલ્જિયમમાં બિલ્ડિંગની છત નીચે માળો બાંધીને રહેતાં સેંકડો પક્ષીઓ ૫૦થી ૬૦ ડિગ્રી તાપમાનમાં અંદર જ શેકાઈ જવાને કારણે ટપોટપ પડી રહ્યાં છે. એને કારણે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ સેન્ટરો ઊભરાયાં છે.
