નાની ઉંમરથી જ બાળકને જે કરવું હોય એ કરવાની છૂટ આપવામાં આવે તો એનાથી તેની નિર્ણય લેવાની ક્ષમતા વિકસે છે એવું કહેવાય છે, પણ કેટલાક લોકોની દલીલ છે કે વધુપડતી પસંદગીઓના વિકલ્પોથી બાળક મૂંઝાઈ જાય છે અને તેને માનસિક બોજ અનુભવાય છે.
પ્રતીકાત્મક તસવીર
ઍક્ટ્રેસ ગિરિજા ઓકનું કહેવું છે કે શું ખાવું, શું પહેરવું જેવી બાબતોની પસંદગી બાળકો પર ન છોડવી; આપણે એ નિર્ણયો લઈને તેમની લાઇફ ઈઝી કરી નાખવી જોઈએ. જોકે આજના પેરન્ટિંગમાં તો દરેક વાતમાં બાળકને જ કહેવામાં આવે છે કે... ચૉઇસ ઇઝ યૉર્સ.
હમણાં જ એક શોમાં અભિનેત્રી ગિરિજા ઓકે કહ્યું હતું કે ‘બાળકોને વધારે ચૉઇસિસ ન આપવી જોઈએ. આખા દિવસમાં તેમને ઘણીબધી ચૉઇસિસ કરવાની હોય છે એટલે શું ખાવું છે? શું પહેરવું છે? એ બધી વસ્તુમાં તેમને ચૉઇસ નહીં આપવાની. તેમની લાઇફ ઈઝી કરી દેવાની.’
ADVERTISEMENT
આપણને એમ લાગે કે આપણે તેમને ચૉઇસ આપીને ફ્રીડમ આપી રહ્યા છીએ, પણ એવું નથી. જ્યારે આપણે તેમને સતત ચૉઇસ આપીએ છીએ ત્યારે તેમનું મગજ એ નિર્ણયોને યોગ્ય રીતે રેગ્યુલેટ કરી શકતું નથી, જે તેમને મૂંઝવણમાં મૂકે છે. બીજી બાજુ પેરન્ટિંગ એક્સપર્ટ્સ એવી સલાહ આપતા હોય છે કે ‘તમે બાળકને ચૉઇસ આપો. તેમને નક્કી કરવા દો કે તેમને શું કરવું છે. તેમના વતી તમે નિર્ણય ન લો. જો તમે બાળકોને વિકલ્પો આપશો તો તેમની નિર્ણય લેવાની ક્ષમતા વિકસશે.’
એવામાં એક પેરન્ટ તરીકે એ સવાલ થાય કે આખરે અમારે કરવું તો કરવું શું? આમાંથી શું સાચું છે અને શું ખોટું છે? આમ જોવા જઈએ તો બન્ને સલાહ સાચી છે. અહીં એક પેરન્ટ તરીકે આપણે એક બૅલૅન્સ બનાવીને ચાલવું પડશે. બાળકોને કયા પ્રકારની ચૉઇસ આપવી અને કેટલી ચૉઇસ આપવી એ નક્કી કરવું પડશે. એ સમજવા માટે આજે આપણે ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ રિદ્ધિ દોશી પટેલ પાસેથી માહિતી મેળવીએ.
જ્યારે ચૉઇસ બોજ બને
આજના આધુનિક સમયમાં બાળકોને સ્વતંત્રતા આપવાના નામે આપણે ક્યારેક તેમને નિર્ણય લેવાના ભારણ હેઠળ દબાવી દઈએ છીએ. આજની પેરન્ટિંગ સ્ટાઇલમાં બાળકોને દરેક નાની વાતમાં ચૉઇસ આપવાનો ટ્રેન્ડ છે, પણ હકીકત એ છે કે તેમનું મગજ હજી આટલીબધી પસંદગીઓ અને એનાં પરિણામોને સમજવા માટે પૂરેપૂરું વિકસિત થયું નથી હોતું. પરિણામે શું ખાવું, શું પહેરવું કે કેવી રીતે સમય વિતાવવો એવા નાના નિર્ણયો પણ બાળકો માટે ડિસિઝન-ફટિગ બની જાય છે. આ સતત પસંદગીઓના દબાણને કારણે બાળક અંદરથી ચીડિયું, મૂંઝવણભર્યું અને માનસિક રીતે થાકેલું અનુભવે છે. નાની ઉંમરે જવાબદારી લેતું બાળક આપણને બહુ સમજદાર કે પુખ્ત લાગે, પણ એ વાસ્તવમાં તેના પર એક પ્રકારનું અવાસ્તવિક દબાણ છે. સમજદારી એમાં નથી કે તેને દરેક બાબત માટે જવાબદાર બનાવીએ, પણ એમાં છે કે તેને નિર્ણય લેવાની શક્તિ કેળવવામાં એવી રીતે ટેકો આપીએ જેથી તે આ બોજ હેઠળ દબાઈ ન જાય. જ્યારે બાળકોની સામે સતત ઘણીબધી પસંદગીઓ મૂકવામાં આવે છે ત્યારે તેઓ પોતાની નિર્ણય લેવાની ક્ષમતા પર શંકા કરવા લાગે છે. તેઓ ધીમે-ધીમે પોતાની અંદરની સમજ પર ભરોસો રાખવાને બદલે બીજાઓની ખાતરી અને આશ્વાસન પર વધુ આધાર રાખવા લાગે છે. ઘણી વખત તેઓ એટલું બધું વિચારે છે કે નિર્ણય લીધા પછી પણ મનમાં શંકા રહે છે કે ‘મેં ક્યાંક ખોટી પસંદગી તો નથી કરીને? શું મેં સાચું કર્યું છે? ક્યાંક મેં ભૂલ તો નથી કરીને? આ સાચો નિર્ણય છેને? કંઈ ખરાબ તો નહીં થાયને?’
આનું કારણ એ છે કે તમે તેમને ઘણીબધી પસંદગીઓ તો આપી દીધી છે, પણ એ પસંદગીઓ વચ્ચે કેવી રીતે આગળ વધવું એ તેમને નથી ખબર. એટલે એ પસંદગીઓ તેમને આઝાદી આપવાને બદલે એક પ્રકારનું માનસિક દબાણ આપે છે.
મર્યાદિત ચૉઇસનું મહત્ત્વ
બાળકો એકદમ નાનાં હોય ત્યારે તેમને નિર્ણય લેવાની યોગ્ય તકો આપવી ખૂબ જરૂરી છે. આ માટે તેમને મર્યાદિત અને યોગ્ય પસંદગીઓ આપી શકાય છે. જેમ કે તેમને કઈ વાર્તા સાંભળવી છે, કઈ એક્સ્ટ્રા-કરિક્યુલર પ્રવૃત્તિઓમાં રસ છે, ઘરમાં બનાવેલી વાનગીઓમાંથી શું ખાવું છે, હોમવર્ક જમ્યા પહેલાં કરવું કે પછી અને ઉપલબ્ધ કપડાંમાંથી શું પહેરવું છે એ પસંદ કરવા દેવું. આ પ્રકારે મર્યાદિત નિર્ણય લેવાની પ્રક્રિયા બાળકો માટે યોગ્ય છે. જોકે, સુરક્ષા, હાઇજીન, મેડિકલ જરૂરિયાતો, સ્કૂલ-અટેન્ડન્સ, સ્ક્રીન-ટાઇમની લિમિટ નક્કી કરવી, પારિવારિક મૂલ્યો, કામ, સન્માન, શિસ્ત અને પરિવારની મર્યાદાઓ જેવા મહત્ત્વના વિષયોમાં માતા-પિતાનો હસ્તક્ષેપ અત્યંત આવશ્યક છે અને આવી બાબતોમાં બાળકો વતી માતા-પિતાએ જ નિર્ણયો લેવા જોઈએ. બાળકોને શરૂઆતના તબક્કે મર્યાદિત પસંદગીઓ આપવી સૌથી શ્રેષ્ઠ રહે છે. ઉદાહરણ તરીકે જો આપણે તેમને પૂછીએ કે તમારે ડિનરમાં શું ખાવું છે? તો એ એક ઓપન-એન્ડેડ પ્રશ્ન હોવાથી બાળક મૂંઝવણમાં મુકાઈ શકે છે. એને બદલે જો આપણે તેમને પૂછીએ કે તમારે આજે જમવામાં રોટલી ખાવી છે કે ભાત? તો આ એક ક્લોઝ-એન્ડેડ પ્રશ્ન છે જેનો ઉત્તર આપવો બાળક માટે સરળ રહે છે. આ રીતે અનલિમિટેડ ફ્રીડમ આપવાને બદલે તેમને થોડી સ્ટ્રક્ચર્ડ ફ્રીડમ આપવી જોઈએ, જેથી તેની પસંદગી અને નિર્ણય લેવાની શક્તિનો વિકાસ થાય. જ્યારે તેઓ મોટાં થાય ત્યારે તેઓ ચોક્કસપણે અનલિમિટેડ ફ્રીડમ તરફ આગળ વધી શકે છે, પરંતુ એ માટે તેમનું માઇન્ડસેટ યોગ્ય હોવું જરૂરી છે. બાળકને કન્ટ્રોલ આપવો જોઈએ, પણ તેમને બોજારૂપ અનુભવવા ન દેવા જોઈએ. તેમને સ્વતંત્રતા આપવી જોઈએ, પણ એ હંમેશાં તમારા માર્ગદર્શન સાથે હોવી જોઈએ.
બાળકની લાગણીઓને સમજો
ઘણી વખત એવું બને છે કે બાળકને આપેલા બધા વિકલ્પો તે નકારી દે અને ગુસ્સો, રડવું કે ચીડિયાપણું બતાવવા લાગે. આવી સ્થિતિ ઘણી વાર એ સંકેત હોઈ શકે છે કે બાળક અંદરથી ખૂબ મૂંઝવણમાં છે અથવા તેના પર વધુ પડતું દબાણ આવી ગયું છે. આવા સમયે સૌથી જરૂરી વાત એ છે કે માતા-પિતા તરત જ તેને સમજાવવા, સમજદારી શીખવવા કે નિર્ણય લેવા માટે દબાણ ન કરે. એને બદલે બાળકને શાંત થવા માટે થોડો સમય અને સ્પેસ આપવાં જોઈએ. તેને એટલું જણાવવું પૂરતું છે કે હું તારી સાથે છું, જ્યારે તને થોડું સારું લાગશે ત્યારે આપણે આ વિશે વાત કરીશું. બાળક શાંત થાય પછી તેની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ભલે માતા-પિતાને બાળકની પ્રતિક્રિયાનું કારણ સંપૂર્ણપણે સમજાતું ન હોય, છતાં તેને એવું અનુભવાવું જરૂરી છે કે તેની લાગણીઓ સ્વીકારવામાં આવી રહી છે. તમે જ્યારે બાળકને કહો છો કે હું સમજું છું કે અત્યારે તને મુશ્કેલી થઈ રહી છે, ત્યારે તમે તેની લાગણીઓને માન્યતા આપો છો. ઘણી વખત બાળકને તરત ઉકેલ કરતાં વધુ એ વાતની જરૂર હોય છે કે કોઈ તેને સમજે છે અને તેની સાથે છે. તેથી ઓવરવેલ્મ કે મેલ્ટડાઉનની સ્થિતિમાં સૌથી પહેલું પગલું સમસ્યા ઉકેલવાનું નહીં પરંતુ બાળકને સમજવાનો અને તેની લાગણીઓને સ્વીકારવાનું હોય છે.
દરેક માતા-પિતાએ એ સમજવાનું છે કે બાળકને દરેક બાબતમાં ચૉઇસ આપવી જરૂરી નથી. જરૂરી એ છે કે તેને એવી ચૉઇસ આપવામાં આવે જે તેની ઉંમર, સમજણ અને તૈયારીને અનુરૂપ હોય; કારણ કે યોગ્ય સમયે આપવામાં આવેલી યોગ્ય પસંદગી જ બાળકને આત્મવિશ્વાસુ અને સ્વતંત્ર બનાવે છે.
કઈ ચૉઇસ યોગ્ય ગણાય?
ઘણી વાર માતા-પિતાને એવો પ્રશ્ન મૂંઝવતો હોય છે કે અમે બાળકને જે પસંદગીઓ આપી રહ્યાં છીએ એ ખરેખર યોગ્ય છે કે નહીં? શું એ તેને સક્ષમ બનાવી રહી છે કે પછી તેના પર વધારાનું દબાણ ઊભું કરી રહી છે? સશક્ત બનાવતી પસંદગી એવી પસંદગી છે જે બાળકમાં આત્મવિશ્વાસ વધારે, તેને નિર્ણયપ્રક્રિયામાં સામેલ હોવાનો અનુભવ કરાવે, તેની સમજ અને ક્ષમતાઓનો વિકાસ કરે અને તેને વધુ સક્ષમ બનાવે. આવી પસંદગીઓ બાળકને પોતાની વાત અને પસંદગીનું મહત્ત્વ સમજાવે છે, પરંતુ જ્યારે પસંદગી સ્વતંત્રતા કરતાં વધુ જવાબદારી અથવા બોજ જેવી લાગવા લાગે ત્યારે સ્થિતિ બદલાઈ જાય છે. એવી પસંદગીઓ બાળકમાં ચિંતા, દબાણ અને અનાવશ્યક જવાબદારીની લાગણી પેદા કરી શકે છે. ઘણી વખત બાળકની ઉંમર અને સમજણને અનુરૂપ ન હોય એટલી પરિપક્વતા અને જવાબદારી તેના ખભા પર આવી પડે છે. પરિણામે તેને લાગે છે કે બધું યોગ્ય કરવાનું ભારણ તેના પર જ છે. આવી પસંદગીઓને બર્ડનસમ ચૉઇસિસ કહી શકાય, કારણ કે એ બાળકને સશક્ત બનાવવાને બદલે તેના પર વધારાનું દબાણ ઊભું કરે છે. માતા-પિતા જ્યારે પણ બાળકોને નિર્ણય લેવાની છૂટ આપે ત્યારે તેમણે પોતાની જાતને હંમેશાં એક પ્રશ્ન પૂછવો જોઈએ કે શું તેમનું બાળક એ વસ્તુ માટે માનસિક અને ભાવનાત્મક રીતે તૈયાર છે કે નહીં?
