અમેરિકામાં ગાયોને માંસાહારી ખોરાક ખવડાવવામાં આવે છે એટલે આવી ગાયોનું દૂધ ભારતમાં વપરાશને લાયક જ નથી
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા સાથે ચાલી રહેલી ટ્રેડ-ડીલની વાટાઘાટો વચ્ચે અમેરિકાનું નૉન-વેજિટેરિયન કાઉ મિલ્ક વિવાદનો મુદ્દો બન્યું હોવાનું જાણવા મળે છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત એનું ડેરી-બજાર અમેરિકા માટે ખોલી દે, પણ ભારતમાં ડેરીઉદ્યોગ આશરે ૮ કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે. ભારતમાં ગાયના દૂધને એકદમ પવિત્ર માનવામાં આવે છે અને ધાર્મિક અને સાંસ્કૃતિક પૂજાઓમાં એનો ઉપયોગ થાય છે, પણ અમેરિકામાં ગાયોને માંસાહારી ખોરાક ખવડાવવામાં આવે છે એટલે એમનું દૂધ ભારતમાં વપરાશને લાયક જ નથી. આ આયાતી દૂધ નૉન-વેજિટેરિયન છે. ભારત આવું દૂધ ભારતમાં પહોંચે નહીં એનો આગ્રહ રાખી રહ્યું છે એટલે શુદ્ધ દૂધ આવે એ માટે સર્ટિફિકેટ માટે આગ્રહ કરી રહ્યું છે.
ભારતે દોરી લક્ષ્મણરેખા
ADVERTISEMENT
ભારત એ પ્રમાણપત્ર ફરજિયાત કરે છે કે આયાતી ડેરી-પ્રોડક્ટ્સ ફક્ત એવી ગાયોમાંથી આવે જેમને કોઈ પણ માંસાહારી ખોરાક આપવામાં આવતો નથી. આ એક સંપૂર્ણપણે બિનવાટાઘાટપાત્ર બાબત છે અને ભારત એને વેપાર વાટાઘાટોમાં કહેવાતી લક્ષ્મણરેખા તરીકે માને છે.
ખેડૂતો પર અસર થશે
ભારતના ડેરીઉદ્યોગનું અંદાજિત ઉત્પાદન ૭.૫થી ૯ લાખ કરોડ રૂપિયા છે અને એ ૮ કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે. ડેરીઉદ્યોગ અમેરિકા માટે ખોલવાથી બજારો સસ્તાં ઉત્પાદનોથી ભરાઈ શકે છે, જેનાથી નાના ખેડૂતો પર પ્રતિકૂળ અસર પડી શકે છે.

