Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય કૅપ્ટન સ્મિત મચ્છરે ઇઝરાયલના વડા પ્રધાનને આપ્યો કૉકપિટમાં થયેલી ઘટનાનો ચિતાર

ભારતીય કૅપ્ટન સ્મિત મચ્છરે ઇઝરાયલના વડા પ્રધાનને આપ્યો કૉકપિટમાં થયેલી ઘટનાનો ચિતાર

Published : 05 October, 2026 10:13 AM | IST | Israel
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અલ-કાયદાએ હુમલાખોર પાઇલટની સરાહના કરીને વધુ ઉશ્કેરણી કરતાં કહ્યું...યુદ્ધ હજી ખતમ નથી થયું, અમેરિકન-ઇઝરાયલી વિમાનો પર ૯/૧૧ જેવા હુમલા હજીયે થઈ શકે છે

સ્મિત મચ્છર

સ્મિત મચ્છર


કો-પાઇલટ નમાજ કરવા ઊઠ્યો ને પાછળથી હુમલો કર્યો, મેં પ્રતિકાર કરવાની કોશિશ કરી પણ આંખે અંધારાં આવી ગયાં, કૉકપિટનું નૉબ એક વાર ખોલ્યું તો તેણે ફરી દરવાજો બંધ કરી દીધો, છેલ્લે મરણિયો પ્રયાસ કરીને નૉબ ખોલી શક્યો, જો એમ ન કરી શક્યો હોત તો...

સ્મિતને ભારતનો, ઇઝરાયલનો અને આખા વિશ્વનો હીરો ગણાવીને નેતન્યાહુએ તેને અને નરેન્દ્ર મોદીને ઇઝરાયલના સ્વતંત્રતાદિવસે મશાલ પ્રગટાવવાનું આપ્યું આમંત્રણ 
૩૦ સપ્ટેમ્બરે flydubaiની દુબઈ-તેલ અવીવ ફ્લાઇટમાં બનેલી ઘટના માટે પાઇલટ સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરતાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેને ભારત, ઇઝરાયલ અને સમગ્ર વિશ્વનો હીરો ગણાવ્યો હતો. 



અબુ ધાબીની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા સ્મિત મચ્છર સાથે ફોન પર વાતચીત દરમ્યાન નેતન્યાહુએ આ ઘટનાક્રમ વિશે પૂછપરછ કરી હતી. સ્મિતે ફ્લાઇટ દરમ્યાન શું બન્યું અને તેણે કૉકપિટનો દરવાજો કેવી રીતે ખોલ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો એ જણાવ્યું હતું.


નેતન્યાહુએ સ્મિતને કહ્યું હતું કે ‘કૅપ્ટન, હું તમને અને મારા પ્રિય મિત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમારા આગામી સ્વતંત્રતાદિવસ પર એક ખાસ ઉજવણી મશાલ પ્રગટાવવા માટે આમંત્રણ આપવા માગું છું. તમે ભારત અને ઇઝરાયલના બહાદુર લોકો અને સમગ્ર વિશ્વ માટે સાચા હીરો છો. હું તમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવું છું. અમે તમને ખૂબ જ ટૂંક સમયમાં ઇઝરાયલમાં મળવાની આશા રાખીએ છીએ.’

ફ્લાઇટમાં શું બન્યું?
ફોન પર વાતચીત દરમ્યાન નેતન્યાહુએ સ્મિતને પૂછ્યું હતું કે ‘ફ્લાઇટમાં શું થયું હતું?’ આ ઘટનાનું વર્ણન કરતાં કૅપ્ટન સ્મિતે કહ્યું હતું કે ‘આ એક સામાન્ય ફ્લાઇટ હતી. મારા મતે કો-પાઇલટે નમાઝ અદા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને મને એમાં કંઈ અસામાન્ય લાગ્યું નહીં. તે જ્યારે પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે આદરથી હું આગળ જોઈ રહ્યો હતો. અચાનક કદાચ ૪ કે પાંચ મિનિટ પછી મારા માથાના પાછળના ભાગમાં જોરદાર ફટકો લાગ્યો. શરૂઆતમાં મને લાગ્યું કે વિમાનને મોટું નુકસાન થયું છે. પછી જેમ-જેમ પ્રહાર ચાલુ રહ્યા, મને ખ્યાલ આવ્યો કે હુમલો વિમાન પર નહીં, પરંતુ કૉકપિટમાં રહેલી બીજી વ્યક્તિ દ્વારા થયો હતો.’


આગળની ઘટના વિશે બોલતાં સ્મિતે કહ્યું હતું કે ‘મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારી શરૂઆતની ઈજાઓને કારણે હું લગભગ કંઈ જોઈ શકાતો નહોતો. મારી દૃષ્ટિ સંપૂર્ણપણે ઝાંખી પડી ગઈ હતી. એ ક્ષણે મને વિચાર આવ્યો કે વિમાન ઝડપથી નીચે પડી રહ્યું હતું. મારી યાદશક્તિ હજી પણ ખંડિત છે.’

મને લાગ્યું કે હું મરી જઈશ.
કૅપ્ટન સ્મિતે આગળ કહ્યું હતું કે ‘મેં કૉકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ ફરીથી બંધ કરી દેવામાં આવ્યો. પછી હું કૉકપિટના ફ્લોર પર સૂઈ ગયો. એ વખતે હું ફક્ત વિમાનની ગર્જના, ઝડપી પવન અને મુસાફરોની ચીસો સાંભળી શકતો હતો. મારા શરીરમાં એક છેલ્લો પ્રયાસ કરવાની શક્તિ હતી. એને વ્યક્તિગત લડાઈ કહો કે લોકો માટે લડાઈ, પરંતુ મને લાગ્યું કે જો હું એ ન કરું તો મરી જઈશ. એ જ સમયે મેં મારી બધી શક્તિ એકઠી કરી, દરવાજા પાસે ગયો અને એને ખોલ્યો. લૉક અંદરથી બંધ હતું, પણ મેં નૉબ બરાબર રીતે ખોલ્યું હતું. સદ્ભાગ્યે, લોકો ત્યાં રાહ જોઈ રહ્યા હતા. તેમણે વિમાન પર નિયંત્રણ મેળવ્યું અને બાકીનું બધું તમે જાણો છો એમ છે.’

કૉકપિટનો દરવાજો કેવી રીતે ખોલ્યો?
કૉકપિટનો દરવાજો ખોલવા વિશે સ્મિતે જવાબ આપ્યો કે ‘દરવાજો અંદરથી નૉબ ફેરવીને ખોલવો પડે છે, જ્યારે બહારથી કોડનો ઉપયોગ કરીને ખોલી શકાય છે. બહારથી મારા સાથીદારો કોડનો ઉપયોગ કરીને દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ કો-પાઇલટ દરવાજો ખોલવા દેતો નહોતો. દરવાજો ખોલવાનો એકમાત્ર રસ્તો એ હતો કે ત્યાં સુધી પહોંચીને નૉબ ફેરવવો. દરવાજો ખોલવા માટે એને થોડી ઝડપથી ફેરવવો પડે છે. મુખ્ય વાત ત્યાં સુધી  પહોંચવાની હતી. મારો હાથ નૉબ સુધી પહોંચ્યો ત્યારે મેં એને ફેરવ્યો અને દરવાજો ખોલી નાખ્યો હતો.’

ઇઝરાયલ આવવા આમંત્રણ 
કૅપ્ટન સ્મિત મચ્છરની વાત સાંભળ્યા પછી નેતન્યાહુએ તેની બહાદુરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ‘તમે ઘણા લોકોના જીવ બચાવ્યા. મને લાગે છે કે તમે એનાથી પણ મોટી વસ્તુ બચાવી છે. તમે વિશ્વની એ ભાવના બચાવી છે કે બહાદુર પાઇલટ્સ અને બહાદુર મુસાફરો કોઈ પણ ખતરનાક અને હિંસક દુષ્ટતાનો સામનો કરી શકે છે અને એને હરાવી શકે છે. આની આખી દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. તમે ઇઝરાયલના હીરો છો. તમે ભારતના હીરો છો. તમે આખી દુનિયાના હીરો છો. હું તમને કહી શકું છું કે અહીંના લોકો ખુલ્લા હાથે તમારું સ્વાગત કરશે.’

સ્મિત મચ્છરને ડેન્ટિસ્ટને મળવું છે
વાતચીત દરમ્યાન કૅપ્ટન સ્મિતે ફ્લાઇટમાં એક ડેન્ટિસ્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે હું તેમને મળવા માગું છું, કારણ કે તેમણે મારો જીવ બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
કૅપ્ટન સ્મિત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઇઝરાયલની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

નેતન્યાહુએ કહ્યું હતું ‘સ્મિત તું ભારતનો, ઇઝરાયલનો અને આખા વિશ્વ માટે હીરો છે. હું ઇચ્છું છું કે કૅપ્ટન સ્મિત અને મારા મહાન મિત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલના સ્વતંત્રતાદિવસના ખાસ પ્રસંગે મશાલ પ્રગટાવે. આ અમારા સ્વતંત્રતાદિવસ પર આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. સામાન્ય રીતે એ ઇઝરાયલી નાગરિકો માટે અનામત રાખવામાં આવે છે, પરંતુ હું માનું છું કે આ કિસ્સામાં બધા ઇઝરાયલી નાગરિકો તમારું દિલથી સ્વાગત કરશે.’                   

ઇઝરાયલી સિંગરે સ્મિત માટે ગાયું, ‘તુઝ મેં રબ દિખતા હૈ...’
ભારતીય કૅપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી અને સૂઝબૂઝની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે અને ઇઝરાયલના લોકો પણ તેને હીરો તરીકે વધાવી રહ્યા છે. ઇઝરાયલી સિંગર ઇતાય બૅન્ડાએ સોશ્યલ મીડિયા પર કૅપ્ટન સ્મિતને ડેડિકેટ કરતું એક હિન્દી ગીત ગયું હતું. તેણે શાહરુખ ખાનની ફિલ્મ ‘રબને બના દી જોડી’નું ફેમસ ગીત ‘તુઝ મેં રબ દિખતા હૈ યારા મૈં ક્યા કરું...’ ગાયું હતું. આ વિડિયો ખૂબ વાઇરલ થયો હતો.

અલ-કાયદાએ હુમલાખોર પાઇલટની સરાહના કરીને વધુ ઉશ્કેરણી કરતાં કહ્યું...યુદ્ધ હજી ખતમ નથી થયું, અમેરિકન-ઇઝરાયલી વિમાનો પર ૯/૧૧ જેવા હુમલા હજીયે થઈ શકે છે

આતંકવાદી સંગઠન અલ-કાયદાએ flydubaiની ફ્લાઇટ FZ1073ને ક્રૅશ કરવાના આશયથી કૅપ્ટન પર હુમલો કરીને પ્લેન કબજે કરવાના ઓમાની કો-પાઇલટ હમામ અલ-હમ્મામીના પ્રયાસની પ્રશંસા કરી છે. એટલું જ નહીં, અમેરિકન તથા ઇઝરાયેલી વિમાનોને નિશાન બનાવીને આવા જ હુમલા કરવાની હાકલ કરી છે. અલ-કાયદાને સમર્થન આપતા પ્રકાશન ‘અલ-બયાન’માં આ મેસેજ જોવા મળ્યો હતો. એમાં ૯/૧૧ના હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને સાથે જ અમેરિકનો તથા ઇઝરાયલીઓને લઈ જતાં વિમાનો પર હુમલા કરવા માટે ઉશ્કેરણી કરવામાં આવી હતી.
ન્યુ યૉર્ક પોસ્ટમાં આ અરબી મૅગેઝિનમાં લખાયેલા અહેવાલના અંશો પ્રકાશિત થયા છે. એમાં લખ્યું છે, ‘ઇઝરાયલીઓ, અમેરિકનો અને ઇસ્લામ વિરુદ્ધ લડતા અન્ય દેશોના લોકોને લઈ જતાં વિમાનો હજી પણ આકાશમાં ઊડી રહ્યાં છે. એમને પણ નિશાન બનાવી શકાય છે, જેવું ૯/૧૧ની ઘટનામાં થયું હતું.’
આ સંદેશ સાથે ન્યુ યૉર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ પર વિમાનો અથડાતાં દર્શાવતો ફોટો પણ હતો. 
હવે સુરક્ષા-એજન્સીઓ કો-પાઇલટ હમામ અલ-હમ્મામીના કટ્ટરપંથી અને આતંકવાદી સંગઠનો સાથેના સંપર્કોની તપાસ કરે છે.

ઓમાની કો-પાઇલટે તપાસમાં સ્વીકાર્યું ઃ હા, હું પ્લેન ક્રૅશ કરાવવા માગતો હતો, મને મોતનો કોઈ ડર નથી

flydubaiની દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટમાં કૅપ્ટન પર હુમલો કરનારો ઓમાની કો-પાઇલટ હમામ-અલ-હમ્મામીએ તેની ઊલટતપાસ કરી રહેલા અધિકારીઓ પાસે સ્વીકાર્યું હતું કે ‘હું પ્લેન ક્રૅશ કરાવવા માગતો હતો. મને મોતનો કોઈ ડર નથી.’
કેટલાક પૅસેન્જરોએ પણ કહ્યું હતું કે ‘જ્યારે કૉકપિટમાંથી કાઢીને પૅસેન્જરોએ તેને બાંધી દીધો હતો ત્યારે પણ તે પહેલાં ચિલ્લાઈ રહ્યો હતો કે મને મારી નાખો. જોકે એક કલાક બાદ પ્લેન લૅન્ડ થઈ રહ્યું હતું ત્યારે તે ખૂબ જ શાંત હતો.’ 

કેટલાક ક્રૂ-મેમ્બર્સ ઓમાની પાઇલટને છોડી દેવાનું કહેતા હોવાથી ઊભો થયો શક 
કૉકપિટમાંથી કો-પાઇલટને બહાર કાઢ્યા પછી કેટલાક ઇઝરાયલી પૅસેન્જરોએ તેને મારીને બાંધી દીધો હતો. ટેપ અને પૅસેન્જરોના હૅન્ડ્સ-ફ્રી વાયરોની મદદથી તેને બાંધવામાં આવ્યો એ પછી કેટલાક ક્રૂ-મેમ્બરોએ તેને છોડી દેવાની હિમાયત કરી હતી. પેસેન્જરોના આ બયાન પછી તપાસ દરમ્યાન એક સવાલ એ પણ ખડો થયો હતો કે શું કોઈ ક્રૂ-મેમ્બર પણ આ કો-પાઇલટ સાથે મળેલા હતા કે કેમ? અલબત્ત, પ્રાથમિક તપાસમાં આ સંભાવનાને નકારી દેવામાં આવી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 10:13 AM IST | Israel | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK