વિદ્યાર્થી સંગઠનોએ બૅરિકેડ્સ તોડ્યાં, બસો અટકાવી દીધી, AAPના ડઝનથી વધુ કાર્યકરોની અટકાયત
ગઈ કાલે દિલ્હીમાં વિરોધ-પ્રદર્શન દરમ્યાન સ્ટુડન્ટ્સ બૅરિકેડ્સ પર ચડી ગયા હતા.
વિદ્યાર્થી સંગઠનોએ બૅરિકેડ્સ તોડ્યાં, બસો અટકાવી દીધી, AAPના ડઝનથી વધુ કાર્યકરોની અટકાયત
મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે દિલ્હીમાં વિરોધ પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોનું વિરોધ-પ્રદર્શન ગઈ કાલે ઉગ્ર બન્યું હતું. જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે પ્રદર્શન કરતા પાર્ટીના કાર્યકરોએ બૅરિકેડ્સ તોડી નાખ્યાં હતાં અને અટકાયત કરાયેલા લોકોને લઈ જતી બસોને પણ રોકી દીધી હતી. પ્રદર્શનકારીઓ જ્યારે જંતર મંતર તરફ આગળ વધ્યા ત્યારે પોલીસ અને રૅપિડ ઍક્શન ફોર્સનો ભારે કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો.
આ વિરોધ-પ્રદર્શનોમાં AAPના કાર્યકરો, એની વિદ્યાર્થી પાંખ ASAPના સભ્યો, કૉન્ગ્રેસના યુવા સંગઠન નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા (NSUI)ના કાર્યકરો, ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશન (AISA)ના કાર્યકરો અને અન્ય સંગઠનોના સભ્યોએ ભાગ લીધો હતો, જેને પગલે દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનોને મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
જંતર મંતર પર પોલીસ દ્વારા ૩ મહિલા પત્રકારોની સતામણીનો આરોપ : ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે
મુખ્ય ચૂંટણીકમિશનર જ્ઞાનેશ કુમારના વિરોધમાં જંતર મંતર ખાતેના વિરોધ-પ્રદર્શન વખતે ૩ મહિલા પત્રકારોએ દિલ્હી પોલીસના જવાનો પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે. એક સ્વતંત્ર પત્રકારે આરોપ લગાવ્યો છે કે જ્યારે તેઓ ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશન (AISA)નાં વડાં નેહા બોરાની અટકાયતનું શૂટિંગ કરી રહ્યાં હતાં ત્યારે અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર (ACP) વિવેક ભગતે તેમને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. AISAએ અલગથી આરોપ લગાવ્યો હતો કે પુરુષ પોલીસ-કર્મચારીઓ દ્વારા અનેક મહિલાઓને અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવ્યો હતો.
આ મુદ્દે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે ત્રીજી ઑક્ટોબરે જંતર મંતરમાં વિરોધ-પ્રદર્શન વખતે જાતીય સતામણીની ૩ ફરિયાદો મળી છે, જેને વધુ નિષ્પક્ષ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચની કમલા માર્કેટ શાખાને સોંપી દેવામાં આવી છે.
આ મુદ્દે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ગૃહમંત્રાલય પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ‘મહિલા પત્રકારો સાથે પોલીસો દ્વારા મિસબિહેવિયર થયું છે. ગૃહપ્રધાન અમિત શાહજી, તમે ક્યાં છો? તમારે આનો જવાબ આપવો પડશે.’
AAPના કાર્યકરોની અટકાયત
દિલ્હી એકમના વડા સૌરભ ભારદ્વાજ અને વિધાનસભ્ય સંજીવ ઝા સહિત ઇન્ડિયા ગેટ પર વિરોધ-પ્રદર્શન દરમ્યાન AAPના બે ડઝનથી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કેરલમમાં ૨૦ વર્ષ જૂના કેસમાં તપાસનો આદેશ
૨૦૦૬માં PWDના એન્જિનિયરની સુસાઇડ-નોટમાં તેમનું નામ હોવાથી કેરલમ સરકારે લીધું પગલું
કેરલમના ગૃહપ્રધાન રમેશ ચેન્નિથલાએ મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે સંકળાયેલા ૨૦ વર્ષ જૂના એક કેસમાં વિજિલન્સ તપાસનો આદેશ આપ્યો છે. આ કેસ ૨૦૦૬માં રાજ્યના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)ના સચિવ તરીકેના વર્તમાન મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારના કાર્યકાળ દરમ્યાન થયેલી અનિયમિતતાના આરોપો સાથે સંબંધિત છે. આ કેસ મલેશિયન સિવિલ એન્જિનિયર લીની આત્મહત્યા સાથે સંબંધિત છે, જે કેરલમ રાજ્ય પરિવહન પ્રોજેક્ટ હેઠળ MC રોડના અપગ્રેડેશનમાં સામેલ PATI-BEL કન્સોર્ટિયમ સાથે સંકળાયેલા હતા.
આ સંદર્ભમાં રમેશ ચેન્નિથલાએ દાવો કર્યો હતો કે ‘જ્ઞાનેશ કુમારનું નામ એન્જિનિયરની સુસાઇડ-નોટમાં ઉલ્લેખિત હતું એટલે સરકાર ચૂપ રહી શકે નહીં. હું મૂક પ્રેક્ષક બની શકતો નથી. મેં એને વિજિલન્સ ડિરેક્ટરને મોકલી દીધી છે જેથી તેઓ ફરિયાદની વિગતો જોઈ શકે અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે કાનૂની પગલાં લઈ શકે.’
