૧૮ વર્ષથી રેસ્ટોરાં ચલાવતા મનીષ કુમારના બિઝનેસ મૅનેજર વીઝા રિન્યુ ન કર્યા જપાને
મનીષ કુમાર
જપાનમાં રહેતા ભારતીય રેસ્ટોરાં-માલિક દેશ છોડવાનો આદેશ મળ્યા બાદ રડી રહ્યા છે. જપાનમાં ૩૦ વર્ષથી રહેતા અને ભારતીય રેસ્ટોરાં ચલાવતા મનીષ કુમારના બિઝનેસ મૅનેજર વીઝા રિન્યુ કરવાનો જપાની અધિકારીઓએ ઇનકાર કરી દીધો હતો જેને કારણે તેમને હવે ભારત પાછા ફરવાનો વારો આવ્યો છે. આના કારણે તેમને ૧૮ વર્ષથી ચાલતી રેસ્ટોરાં બંધ કરવાની ફરજ પડી છે. મનીષ કુમાર સાઇતમા પ્રાંતમાં રેસ્ટોરાં ચલાવે છે. ગયા વર્ષથી અમલમાં આવેલા જપાનના કડક ઇમિગ્રેશન નિયમો હેઠળ ઇમિગ્રેશન સર્વિસ એજન્સી (ISA)એ તેમનું વીઝા-રિન્યુઅલ નકારી દીધું હતું.
લગભગ ૩ દાયકાથી જપાનમાં રહેતા મનીષ કુમારે રડમસ ચહેરે જણાવ્યું હતું કે ‘હવે મારે શું કરવું જોઈએ એની કોઈ સમજણ પડતી નથી. મારું અને મારા પરિવારનું શું થશે એના માટે હું ચિંતિત છું. બે અઠવાડિયાં પહેલાં ISAએ મને મારા પોતાના દેશમાં પાછા જવાનું કહ્યું હતું. મારાં બાળકો જપાનમાં જન્મ્યાં અને ઊછર્યાં છે. તેઓ ફક્ત જૅપનીઝ સમજે છે, તેમના મિત્રો જપાની છે પણ અમને ભારત પાછા જવાનું કહેવામાં આવી રહ્યું છે. મારે શું કરવું જોઈએ?’
ADVERTISEMENT
નવી, કડક શરતો
સુધારેલા બિઝનેસ મૅનેજર વીઝા ફ્રેમવર્કમાં વિદેશી ઉદ્યોગ-સાહસિકો માટે નોંધપાત્ર રીતે કડક શરતો મૂકવામાં આવી છે. લઘુતમ મૂડીની જરૂરિયાત ૫૦ લાખ યેન (આશરે ૩૦ લાખ રૂપિયા)થી વધારીને ૩ કરોડ યેન (આશરે બે કરોડ રૂપિયા) કરવામાં આવી છે, જેનાથી નાના વ્યવસાયમાલિકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. ગયા વર્ષે આ કૅટેગરીમાં મહિને ૧૭૦૦ અરજી આવતી હતી જે હવે ઘટીને માત્ર ૭૦ અરજી આવે છે.
