અમેરિકન પ્રેસિડન્ટે કહ્યું કે હું સનબાથ લેતો જ નથી
ડોનલ્ડ ટ્રમ્પ
ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તનાવ વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના વરિષ્ઠ સલાહકાર જવાદ લારિજાનીએ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ ધમકી આપતાં કહ્યું હતું કે ટ્રમ્પ ફ્લૉરિડામાં તેમના વૈભવી નિવાસસ્થાન માર-અ-લાગોમાં સનબાથ લેતા હશે ત્યારે તેમને ડ્રોન મારી નાખશે. જોકે ટ્રમ્પે આ ધમકીને સાવ હળવેકથી લીધી છે અને કહ્યું હતું કે હું સનબાથ લેતો જ નથી.
એક ઇન્ટરવ્યુ વખતે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ‘શું તમે આને ધમકી માનો છો?’
ADVERTISEMENT
ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે ‘હા, કદાચ આ ધમકી છે. મને સંપૂર્ણ ખાતરી નથી, પણ એ હોઈ શકે છે.’
પત્રકારે તેમને પૂછ્યું કે ‘તમે છેલ્લે ક્યારે સનબાથ લીધો હતો?’
ત્યારે ટ્રમ્પે સ્માઇલ સાથે જવાબ આપ્યો હતો કે ‘ઘણા સમય પહેલાં. કદાચ ત્યારે હું ૭ વર્ષનો હતો. હું આ વાતોમાં પડતો નથી.’
જવાદ લારિજાનીએ શું કહ્યું?
ઈરાની ટેલિવિઝન ચૅનલ પર આપેલા ઇન્ટરવ્યુમાં જવાદ લારિજાનીએ કહ્યું હતું કે ‘ટ્રમ્પે કેટલાંક એવાં કામ કર્યાં છે કે હવે તેઓ તેમના ફ્લૉરિડા નિવાસસ્થાન માર-અ-લાગોમાં સનબાથ પણ કરી શકશે નહીં. જ્યારે તેઓ સનબાથ લેતા હશે ત્યારે એક નાનું ડ્રોન આવીને તેમના પર પડી શકે છે. એ ખૂબ જ સરળ છે. નાના ડ્રોન માટે સનબાથ લેતા અમેરિકન પ્રેસિડન્ટ પર હુમલો કરવો સરળ બનશે.’

