પ્રેમી અને પ્રેમિકા બન્ને જેલમાં, પ્રેમીએ ફાંસીના આગલા દિવસે ફોન પર પ્રેમિકા સાથે નિકાહ કર્યા
મહશાદ કેશાની અને અલીરેઝા સેપાહી
ઈરાનમાં પચીસ વર્ષના અલીરેઝા સેપાહીને સેન્ટ્રલ ઈરાનના ઇસ્ફહાન શહેરની જેલમાં ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવે એના એક દિવસ પહેલાં ૪ ઑક્ટોબરે તેણે જેલમાંથી ફોન પર તેની બાવીસ વર્ષની ગર્લફ્રેન્ડ મહશાદ કેશાની સાથે નિકાહ પઢી લીધા હતા અને બીજા દિવસે પાંચમી ઑક્ટોબરે તેને ફાંસી આપવામાં આવી હતી. અલીરેઝા સેપાહી અને મહશાદ કેશાની સ્ટુડન્ટ પ્રદર્શનકારી હતાં અને જાન્યુઆરી મહિનામાં ઈરાનમાં થયેલા સરકારવિરોધી પ્રદર્શનોમાં તેમણે ભાગ લીધો હતો અને બેઉ પકડાઈ ગયાં હતાં અને ત્યારથી જેલમાં બંધ હતાં. તેઓ એકબીજાને પ્રેમ કરતાં હતાં. તેમના પર સશસ્ત્ર જૂથમાં સભ્યપદ અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
નિકાહ કરાવનારા વકીલ અમીરસલાર દાઉદીએ ઑડિયો ફોન-કૉલ દ્વારા આ વિધિ સંપન્ન કરાવી હતી. દહેજમાં કુરાનની એક નકલ, રૉક કૅન્ડીનો ટુકડો અને લાલ ગુલાબનો સમાવેશ થતો હતો.
ADVERTISEMENT
આ નિકાહને કારણે સેપાહીની મૃત્યુદંડની સજા રદ કરવાની કોઈ કાયદાકીય સત્તા નહોતી અને ઈરાની સત્તાવાળાઓ સજાનો અમલ કરવા મક્કમ હતા. સોમવારે સવારે લગ્નના થોડા જ કલાકો બાદ તેને ફાંસી આપવામાં આવી હતી. જુલાઈ મહિનામાં બધાની સામે તેને ફાંસીની સજા આપવામાં આવનાર હતી પણ તેને હાર્ટ-અટૅક આવ્યો હોવાથી ત્યારે સજા મુલતવી રાખવામાં આવી હતી.
