Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇઝરાયલનો ઈરાન પર ભયાનક અટૅક

ઇઝરાયલનો ઈરાન પર ભયાનક અટૅક

Published : 14 June, 2025 10:02 AM | IST | Jerusalem
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુક્લિયર પ્રોગ્રામને નિશાન બનાવ્યો, ગુપ્ત ડ્રોન બેઝ બનાવીને તેહરાનમાં કર્યો હુમલો

ગઈ કાલે ઈરાનના પાટનગર તેહરાનમાં થયેલો ધમાકો

ગઈ કાલે ઈરાનના પાટનગર તેહરાનમાં થયેલો ધમાકો


ઇઝરાયલે ગઈ કાલે ઈરાનનાં મુખ્ય સૈન્ય ઠેકાણાં અને પરમાણુમથકોને લક્ષ્ય કરીને કરેલા હુમલા બાદ મિડલ-ઈસ્ટમાં ભારે તંગદિલીભરી પરિસ્થિતિ ઉદ્ભવી છે. આ હુમલામાં ઈરાનિયન રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)ના ચીફ હુસેન સલામી, ચીફ ઑફ સ્ટાફ મોહમ્મદ બઘેરી, અંબિયા સેન્ટ્રલ હેડક્વૉર્ટરના ચીફ ઘોલમ અલી રશીદ, ઍરોસ્પેસ ફોર્સ કમાન્ડર આમિર અલી હાજીજાદેહ, ૨૦ સિનિયર કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકો ફરેદૂન અબ્બાસી અને મોહમ્મદ મેહદીનાં મૃત્યુ થયાં છે. આના કારણે ઈરાનનાં સશસ્ત્ર દળો અને પરમાણુમથકોને મોટો ફટકો પડ્યો છે. ઇઝરાયલના હુમલામાં ઈરાનમાં ૭૮ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૩૨૯ લોકો ઘાયલ થયા છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનીએ કહ્યું હતું કે અમારી સેના ઇઝરાયલને સજા કર્યા વિના છોડશે નહીં.


ઈરાને IRGCના ચીફ હુસેન સલામીના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઇઝરાયલે પોતાના દેશમાં ઇમર્જન્સી જાહેર કરી દીધી છે.



૪ ઈરાની પરમાણુ સ્થળો નાશ પામ્યાં


શુક્રવારે સવારે ઇઝરાયલે ૨૦૦ ફાઇટર જેટથી તેહરાન, અરાક, ઇસ્ફહાન અને નતાંજ એમ ૪ પરમાણુમથકો અને કરમાન શાહ અને તબરીજ લશ્કરી સ્થાનો પર હુમલો કર્યો હતો.

નતાંજમાં યુરેનિયમ સુવિધા પર હુમલો


ઇઝરાયલે નતાંજ વિસ્તારમાં ઈરાનની સૌથી મોટી યુરેનિયમ સુવિધા પર હુમલો કર્યો હતો. અહીં યુરેનિયમ શુદ્ધીકરણ મશીનો (સેન્ટ્રિફ્યુજ), ઇલેક્ટ્રિકલ રૂમ અને અન્ય જરૂરી તકનીકી માળખાકીય સુવિધાઓ હતી.

કરમાન શાહમાં બૅલિસ્ટિક મિસાઇલ વેરહાઉસનો નાશ

કરમાન શાહમાં આવેલા વેરહાઉસમાં બૅલિસ્ટિક મિસાઇલો રાખવામાં આવે છે. અહીં મોટી આગ લાગી હતી. આ વેરહાઉસ ઇરાક સરહદની નજીક ભૂગર્ભમાં બનાવવામાં આવ્યું હતું.

ઇઝરાયલનો હુમલો યુદ્ધની ઘોષણા

ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ઇઝરાયલનો એનાં લશ્કરી અને પરમાણુ ઠેકાણાંઓ પર હુમલો યુદ્ધની ઘોષણા છે અને આ મુદ્દે યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલે કાર્યવાહી કરવી જોઈએ.

ઈરાને ૧૦૦ ડ્રોન છોડ્યાં

ગઈ કાલે બપોરે ઈરાને ઇઝરાયલ સામે બદલો લેતાં ૧૦૦થી વધુ ડ્રોન ફાયર કર્યાં હતાં. જોકે ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF)એ દાવો કર્યો છે કે એણે બધાં ડ્રોનને તોડી પાડ્યાં છે, એક પણ ડ્રોન ઇઝરાયલી સરહદ સુધી પહોંચ્યું નથી.

જામકરન મસ્જિદ પર લાલ ધ્વજ લહેરાવ્યો

ઈરાને કોમ શહેર નજીક જામકરન મસ્જિદના ગુંબજ પર લાલ ધ્વજ લહેરાવ્યો છે. શિયા ઇસ્લામમાં આ લાલ ધ્વજને બલિદાન અને બદલો લેવાનું પ્રતીક માનવામાં આવે છે. આ ધ્વજ કોઈ મોટા હુમલા અથવા કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિના મૃત્યુનો બદલો લેવાની પ્રતિજ્ઞાનું પ્રતીક છે.

ઈરાનમાં ડ્રોન બેઝ બનાવીને ઇઝરાયલે હુમલો કર્યો

ઇઝરાયલે ઈરાનમાં ડ્રોન બેઝ બનાવ્યો અને ગુપ્ત રીતે ત્યાં શસ્ત્રો પહોંચાડ્યાં હતાં. IDF અને ગુપ્તચર એજન્સી મોસાદે સાથે મળીને આ યોજના બનાવી હતી. મોસાદના એજન્ટોએ તેહરાન નજીક એક ગુપ્ત ડ્રોન બેઝ બનાવ્યો હતો. રાતોરાત ડ્રોન તૈયાર કરવામાં આવ્યાં હતાં. આ ડ્રોનથી ઈરાનમાં રહેલાં મિસાઇલ લૉન્ચરને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત શસ્ત્રોથી ભરેલાં વાહનોને પણ ગુપ્ત રીતે ઈરાન લાવવામાં આવ્યાં હતાં. આ શસ્ત્રોએ ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો, જેને કારણે ઇઝરાયલી ફાઇટર વિમાનોએ ઈરાનના આકાશમાં કોઈ પણ અવરોધ વિના ઉડાન ભરી અને હુમલો કરી શક્યાં. આ સમગ્ર કામગીરી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી. ઈરાની એજન્સીઓને એના વિશે કોઈ સંકેત પણ મળ્યો નહોતો.

ઇઝરાયલને પસ્તાવો કરવો પડશે : ઈરાનના પ્રેસિડન્ટ

ઈરાનના પ્રેસિડન્ટ મસૂદ પઝ્શ્કિયાને કહ્યું હતું કે ‘ઇઝરાયલે ઈરાનનાં પરમાણુ અને લશ્કરી ઠેકાણાંઓ પર હુમલો કરીને મોટી ભૂલ કરી છે. તેમને હવે આ માટે પસ્તાવો કરવો પડશે. આ ગુના સામે ઈરાન ચૂપ રહેશે નહીં.’

ઇઝરાયલ ઍરલાઇન્સે વિમાનોને દેશની બહાર મોકલી દીધાં

ઈરાનના બદલો લેવાના હુમલાની અપેક્ષાએ બે ઇઝરાયલી ઍરલાઇન્સોએ એમનાં બધાં વિમાનોને દેશમાંથી બહાર લઈ જવાની જાહેરાત કરી હતી. બધાં વિમાનોને મુસાફરો વિના યુરોપના દેશોમાં અને સાયપ્રસ મોકલવામાં આવી રહ્યાં છે. આગામી સૂચના સુધી ઍરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે.

ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે પરમાણુ વિવાદ શું છે?

ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા અને ઇઝરાયલ સતત કડક વલણ અપનાવી રહ્યાં છે. વાસ્તવમાં ઈરાન ઘણાં વર્ષોથી પરમાણુ ટેક્નૉલૉજી પર કામ કરી રહ્યું છે. એનો દાવો છે કે એ આ ટેક્નૉલૉજીનો ઉપયોગ ફક્ત વીજળી ઉત્પન્ન કરવા અને તબીબી વિજ્ઞાનમાં કરી રહ્યું છે. જોકે અમેરિકા અને ઇઝરાયલને શંકા છે કે ઈરાન ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્રો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા ડરે છે કે જો ઈરાન પરમાણુ બૉમ્બ મેળવે છે તો એ ગલ્ફ દેશો, ઇઝરાયલ અને અમેરિકન ઠેકાણાંઓ માટે એક મોટો ખતરો બની જશે. તેથી અમેરિકા ઇચ્છતું નથી કે ઈરાન આ દિશામાં આગળ વધે.

ઇઝરાયલનો હુમલો શાનદાર હતો : ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘ઇઝરાયલનો ઈરાન પર હુમલો ખૂબ જ શાનદાર હતો. ઈરાનને તક આપવામાં આવી હતી, પરંતુ એણે એનો લાભ લીધો નહીં. ઈરાનને ખૂબ જ જોરદાર ફટકો પડ્યો છે, પરંતુ હજી ઘણું બધું થવાનું બાકી છે.’

ટ્રમ્પે મોટા હુમલાની ધમકી આપી

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘ઈરાને પરમાણુકરાર પર હસ્તાક્ષર કરવા જોઈએ, નહીંતર એને મોટા હુમલાનો સામનો કરવો પડશે. ઈરાનને પરમાણુકરાર પર સંમત થવા માટે ૬૦ દિવસનો સમય આપ્યો હતો. આ સમય પૂરો થયા બાદ હુમલો કરવામાં આવ્યો હતો. હવે બધું ખતમ થાય એ પહેલાં ઈરાને આ કરાર પર હસ્તાક્ષર કરવા જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2025 10:02 AM IST | Jerusalem | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK