બે લોકોએ જીવ ગુમાવ્યો, ૨૬ ઘાયલ, પાંચની હાલત ગંભીર
અકસ્માત મિનાકામી શહેરમાં બે ટ્રક વચ્ચે અથડામણથી શરૂ થયો હતો
જપાનમાં ક્રિસમસની રજાઓની શરૂઆત સાથે શુક્રવારે મોડી રાતે કાન-એત્સુ એક્સપ્રેસવે પર બરફીલા વાતાવરણમાં થયેલા એક મોટા અકસ્માતમાં ટોક્યોની ૭૭ વર્ષની એક મહિલા સહિત બે લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે ૨૬ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં પાંચની હાલત ગંભીર છે.
કાન-એત્સુ એક્સપ્રેસવે પર અકસ્માત ટોક્યોથી લગભગ ૧૬૦ કિલોમીટર નૉર્થવેસ્ટમાં આવેલા મિનાકામી શહેરમાં બે ટ્રક વચ્ચે અથડામણથી શરૂ થયો હતો. ટ્રકના અકસ્માત બાદ તેમની પાછળથી આવતાં વાહનો બરફ ધરાવતા રોડ પર બ્રેક લગાવી શકતાં નહોતાં એથી એક પછી એક એમ પચાસથી વધુ વાહનો એકમેક સાથે અથડાયાં હતાં.
ADVERTISEMENT
ટકરાયેલાં વાહનો પૈકી બેમાં આગ લાગી હતી અને એ એક ડઝનથી વધુ વાહનોમાં ફેલાઈ ગઈ હતી જેમાંથી કેટલાંક વાહન સંપૂર્ણપણે બળી ગયાં હતાં. ૭ કલાકની જહેમત બાદ આગ બુઝાવવામાં આવી હતી. એક્સપ્રેસવેના કેટલાક ભાગો પોલીસે તપાસ, કાટમાળ દૂર કરવા અને સફાઈ માટે બંધ રાખ્યા હતા.


