૨૦૦૭ની ૧ જાન્યુઆરીએ કે પછી જન્મ્યા હો તો સ્મોકિંગ બૅન : આવનારી જનરેશનને તમાકુમુક્ત કરવા લેવાયો આ નિર્ણય : સિગારેટ લીધી તો ૨,૮૪,૦૦૦ રૂપિયાનો દંડ : પર્યટકોને પણ આ નિયમ લાગુ પડશે
					
					
ફાઇલ તસવીર
ટાપુ દેશ મૉલદીવ્ઝે પહેલી નવેમ્બરથી સત્તાવાર રીતે તમાકુ પર સીમાચિહનરૂપ પ્રતિબંધ લાગુ કરવાનું શરૂ કરી દીધું છે. આમ ભવિષ્યની પેઢીઓ માટે તમાકુનાં ઉત્પાદનોના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકનારો તે વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. નવા કાયદા હેઠળ ૨૦૦૭ની ૧ જાન્યુઆરીએ અથવા એ પછી જન્મેલી કોઈ પણ વ્યક્તિને તમાકુનાં ઉત્પાદનો ખરીદવા, વાપરવા અથવા વેચવાથી કાયમી ધોરણે પ્રતિબંધિત કરવામાં આવશે. આમ મૉલદીવ્સમાં ૨૦૦૭ની પહેલી જાન્યુઆરીએ અથવા એ પછી જન્મેલી કોઈ પણ વ્યક્તિ આ દેશમાં સ્મોકિંગ કે તમાકુનો ઉપયોગ નહીં કરી શકે. પ્રેસિડન્ટ મોહમ્મદ મુઇઝુ દ્વારા મે મહિનામાં મંજૂર કરાયેલો આ કાયદો તમાકુમુક્ત પેઢી બનાવવાનો હેતુ ધરાવે છે અને જાહેર આરોગ્યના રક્ષણ પર સરકારના ધ્યાન પર ભાર મૂકે છે.
આવનારી પેઢીને સ્મોકિંગમુક્ત કરવાના લક્ષ્યથી આ નિર્ણય લેવાયો છે જે પહેલી નવેમ્બરથી લાગુ પડી ગયો છે. આ નિયમ માત્ર નાગરિકો પર જ નહીં, પરંતુ અહીં આવનારા પર્યટકો પર પણ લાગુ થશે.
ADVERTISEMENT
આ સંદર્ભમાં દેશના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ‘પેઢીગત પ્રતિબંધ એ સુનિશ્ચિત કરવા માટે એક સાહસિક પગલું છે કે યુવા મૉલદીવ્ઝના લોકો તમાકુના ઘાતક પ્રભાવથી મુક્ત ઊછરે. આ નીતિ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના તમાકુ નિયંત્રણ પરના ફ્રેમવર્ક કન્વેન્શન સાથે સુસંગત છે.’
નવા નિયમમાં શું કહેવામાં આવ્યું છે?
નવા નિયમ હેઠળ ૨૦૦૭ની ૧ જાન્યુઆરીએ અથવા એ પછી જન્મેલી કોઈ પણ વ્યક્તિને તમાકુનાં ઉત્પાદનો ખરીદવા, વાપરવા અથવા વેચવાની મંજૂરી નથી. દુકાનદારોએ કોઈ પણ વેચાણ પહેલાં ખરીદનારની ઉંમર ચકાસવી પડશે. આ પ્રતિબંધ ફક્ત સ્થાનિકોને જ નહીં, આ દેશની મુલાકાત લેનારા ટૂરિસ્ટોને પણ લાગુ પડે છે. ૧૧૯૧ ટાપુઓમાં ફેલાયેલા મૉલદીવ્ઝમાં હવે ધૂમ્રપાન પર સખત પ્રતિબંધ રહેશે. સરકારે ઉંમરને ધ્યાનમાં લીધા વિના ઈ-સિગારેટ અને વેપિંગ ઉપકરણોની આયાત, વેચાણ, વિતરણ, કબજો અને ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે.
કેટલો દંડ થશે?
આ કાયદા અનુસાર કોઈ પણ સગીરને તમાકુ વેચવા પર ૫૦,૦૦૦ રુફિયા (આશરે ૨,૮૪,૦૦૦ રૂપિયા)નો દંડ થશે, જ્યારે વૅપિંગ કરતા પકડાયેલા લોકોને ૫૦૦૦ રુફિયા (આશરે ૨૮,૦૦૦ રૂપિયા)નો દંડ થશે.
		        	
		         
        

