બરફનો મોટો પહાડ નદીમાં પડતાં પાણીનો ધસમસતો પ્રવાહ ફૂટી નીકળ્યો હોવાનું તારણ
પાણી ફરી વળતાં આખું ગામ કાદવ હેઠળ દબાઈ ગયું હતું.
નેપાલના રસુવા જિલ્લાની ભોટેકોશી નદીમાં ગઈ કાલે અચાનક આવેલા વિનાશક પૂરમાં સેંકડો ઘર અને હાઇડ્રો પ્રોજેક્ટ તબાહ થઈ ગયાં હતાં. જોકે હવે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ તબાહી પાછળ સ્થાનિક ભારે વરસાદ નહીં પરંતુ પાડોશી તિબેટમાં આવેલો ભૂકંપ અને હિમસ્ખલન જવાબદાર છે.
હિમાલયન ગ્લૅસિયર્સ પર પચીસ વર્ષથી ઊંડું અધ્યયન કરતા કાઠમાંડુ યુનિવર્સિટીના રિસર્ચર અને પ્રોફેસર ડૉ. રિજન કાયસ્થ અને ચીનના વૈજ્ઞાનિકોની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વે (USGS)ના ડેટા મુજબ દુર્ઘટનાના દિવસે તિબેટ સરહદે ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને કારણે બરફનો મોટો હિસ્સો તૂટીને લ્હેંદે નદીમાં પડતાં પાણીનો પ્રવાહ સંપૂર્ણ રીતે રોકાઈ ગયો હતો. ત્યાર બાદ ઉપર જમા થતો રહ્યો અને બરફ પીગળતાં પાણીનો જથ્થો અચાનક ધડાકાભેર ફૂટી નીકળતાં ભોટેકોશી નદીમાં મહાકાય પૂર આવ્યું હતું.
ADVERTISEMENT
નેપાલના પાણી અને હવામાન વિભાગે પણ પુષ્ટિ કરી છે કે પૂર સમયે રસુવા કે તિબેટમાં કોઈ ભારે વરસાદ નોંધાયો નહોતો. ગયા વર્ષે જુલાઈમાં પણ આ જ વિસ્તારમાં ગ્લૅસિયર લેક ફાટવાથી પૂર આવ્યું હતું. નિષ્ણાતોના મતે હિમાલયની સંવેદનશીલ ઇકો-સિસ્ટમમાં આડેધડ બાંધકામો અને ગ્લોબલ વૉર્મિંગને કારણે ગ્લૅસિયર લેક ફાટવાનું જોખમ અનેકગણું વધી ગયું છે. જોકે હાલ આ તમામ પ્રાથમિક અનુમાન છે અને ચોક્કસ કારણ વિસ્તૃત તપાસ બાદ જ સામે આવશે.
ગ્યિરૉન્ગ ઇમિગ્રેશન ઑફિસ કાદવમાં દટાઈ જતાં ઈશા ફાઉન્ડેશનના ૭૭ લોકો ગુમ થયા
નેપાલ અને તિબેટના સરહદી વિસ્તારોમાં આવેલા ભયંકર પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ છે. તિબેટના ગ્યિરૉન્ગ વિસ્તારમાં કૈલાસ-માનસરોવરની યાત્રાએ ગયેલું ઈશા ફાઉન્ડેશનનું એક ગ્રુપ પૂરની ઝપટમાં આવી ગયું છે. પાછા ફરતી વખતે યાત્રીઓ ચીનની ઇમિગ્રેશન ઑફિસમાં હતા ત્યારે જ અચાનક પૂર આવ્યું હતું. ઈશા ફાઉન્ડેશનના સ્થાપક જગ્ગી વાસુદેવ (સદગુરુ) પણ ઘટનાસ્થળે હાજર છે. તેમની સંસ્થાના ૭૭ લોકો ઇમિગ્રેશન સેન્ટરમાં ફસાયા છે અથવા લાપતા છે. આ કટોકટી વચ્ચે સદગુરુ પોતે રાહત અને બચાવ-કામગીરી પર નજર રાખવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પ્રશાસન સાથે મળીને રેસ્ક્યુ ઑપરેશન કરી રહ્યા છે.
