ભારતીય રૂપિયામાં ગણીએ તો આ ટ્રેનની એક ટિકિટના ૧૩,૭૫૨ રૂપિયા થાય છે.
ટૂરિસ્ટ ટ્રેન
નૉર્વે એટલે નૉર્ધર્ન લાઇટ્સ અને નૉર્ધર્ન લાઇટ્સ એટલે નૉર્વે એવી ઓળખ વિશ્વભરમાં બની ગઈ છે. દુનિયાભરના ટ્રાવેલર્સ ચમકતા-દમકતા રંગીન આકાશની કુદરતી અજાયબીનો અનુભવ કરવા નૉર્વેની મુલાકાત લે છે અને આ ટ્રાવેલર્સ ત્યાંની ઇકૉનૉમીમાં મહત્ત્વનો ફાળો આપે છે એટલે નૉર્વેએ શરૂ કરી છે વિશ્વની પહેલવહેલી પૅનોરૅમિક નાઇટ ટ્રેન. ઑક્ટોબરથી માર્ચ સુધી ચાલનારી આ ટ્રેનને સ્પેશ્યલ ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રેનને લીધે કમ્ફર્ટેબલ અને આડી થઈ શકતી સીટિંગ અરેન્જમેન્ટમાં બેઠાં-બેઠાં (કે આડા પડ્યા-પડ્યા) નૉર્ધર્ન લાઇટ્સનો અનુભવ લેવા મળે છે. ટ્રેનની આસપાસની દીવાલ અને ઉપરની છત કાચની એટલે કે ટ્રાન્સપરન્ટ છે. ટ્રેનની અંદર મિનિમમ લાઇટ છે. આ ડિઝાઇનને પરિણામે ટૂરિસ્ટ ટ્રેનમાં હોવા છતાં નૉર્ધર્ન લાઇટ્સની બિલકુલ નીચેથી પ્રકૃતિના ખોળામાં જ હોય એવો અનુભવ મેળવી શકે છે. નૉર્ધન લાઇટ્સ જોઈ આવેલા લોકોના ફોટોગ્રાફ્સ જોઈએ તો તેઓ ઠંડીગાર બરફાચ્છાદિત જગ્યામાં ભારેભારખમ જૅકેટ પહેરેલા જોવા મળે છે, પણ આ ટ્રેનમાંથી હૂંફાળા વાતાવરણમાં ઑરોરાનો નજારો માણી શકાશે. આ ટ્રેન નૉર્ધર્ન લાઇટ્સ ઉપરાંતના નજીકના વિસ્તારોના યુનિક નૅચરલ ડેસ્ટિનેશન્સને પણ ટ્રેનની અંદરથી માણવાની તક આપે છે. ભારતીય રૂપિયામાં ગણીએ તો આ ટ્રેનની એક ટિકિટના ૧૩,૭૫૨ રૂપિયા થાય છે. ટ્રેનમાં સીટ ઑનલાઇન ઍડ્વાન્સમાં બુક કરાવી શકાય છે.


