અસીમ મુનીરની મુકેશ અંબાણીને આડકતરી ધમકી : ફીલ એક અરબી શબ્દ છે જેનો અર્થ હાથી થાય છે. સૂરહ ફીલનો કુરાનમાં અર્થ થાય છે ખુદાએ કેવી રીતે દુશ્મનના હાથીઓને પક્ષીઓ પાસે પથ્થર વરસાવીને તેને ચકનાચૂર કરી દીધા હતા
મુકેશ અંબાણી, અસીમ મુનીર
પાકિસ્તાનની સેનાના ચીફ જનરલ અસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપીને વિવાદ ઊભો કર્યો છે. અમેરિકામાં પાકિસ્તાની પ્રવાસી સમુદાયને સંબોધતાં મુનીરે મજહબી સ્વરમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપી છે.
પાકિસ્તાનના ફીલ્ડ માર્શલ અસીમ મુનીરે પોતાના ભાષણમાં કહ્યું હતું કે એક ટ્વીટ કરાવવામાં આવ્યું હતું જેમાં ‘સૂરહ ફીલ’ અને મુકેશ અંબાણીનો ફોટો હતો, જેથી પાકિસ્તાન આગામી સમયમાં શું કરી શકે એમ છે એ વિશે સ્પષ્ટ સંદેશ આપી શકાય. અમે ભારતના પૂર્વથી શરૂઆત કરીશું જ્યાં તેમનાં સૌથી મૂલ્યવાન સંસાધનો છે અને પછી પશ્ચિમ તરફ આગળ વધીશું.’
ADVERTISEMENT
સૂરહ ફીલ શું છે?
ફીલ એક અરબી શબ્દ છે જેનો અર્થ હાથી થાય છે. સૂરહ ફીલ કુરાનની એક સૂરા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ખુદાએ કેવી રીતે પક્ષીઓ દ્વારા દુશ્મનના હાથીઓ પર પથ્થર વરસાવ્યા હતા અને તેમને ભૂસામાં ફેરવી દીધા હતા.
શું-શું બફાટ કર્યો હતો અસીમ મુનીરે
અમેરિકાની સત્તાવાર મુલાકાતે ગયેલા પાકિસ્તાની સેનાના ચીફ ફીલ્ડ માર્શલ અસીમ મુનીરે અમેરિકામાં ભારતવિરોધી અનેક નિવેદનો કર્યાં હતાં. તેમણે ભારતને પરમાણુ ધમકી પણ આપી હતી અને સિંધુ નદી પર જો ભારત ડૅમ બાંધશે તો એને ૧૦ મિસાઇલ વડે તોડી પાડવાનો દાવો પણ કર્યો હતો. અમેરિકાની સત્તાવાર મુલાકાતમાં મુનીર વરિષ્ઠ રાજકીય અને લશ્કરી નેતૃત્વ તેમ જ પાકિસ્તાની ડાયસ્પોરાના સભ્યોને મળ્યા હતા. તેમણે ફ્લૉરિડાના ટેમ્પામાં પાકિસ્તાની ડાયસ્પોરાને સંબોધિત કરતી વખતે ભારતવિરોધી ઝેર ઓક્યું હતું.
જો ભારત સાથેના યુદ્ધમાં પાકિસ્તાનનું અસ્તિત્વ જોખમમાં મુકાશે તો અમે અડધી દુનિયાને અમારી સાથે લઈને ડૂબીશું.
કાશ્મીર એક અપૂર્ણ આંતરરાષ્ટ્રીય એજન્ડા છે. જેમ કાયદા-એ-આઝમે કહ્યું હતું એમ કાશ્મીર પાકિસ્તાનની ‘ધોરી નસ’ છે.
જો ભારત સિંધુ નદી પર ડૅમ બાંધશે અને પાકિસ્તાન તરફ જતા પાણીના પ્રવાહને અટકાવશે તો અમે એને ૧૦ મિસાઇલથી તોડી પાડીશું.
સિંધુ નદી ભારતની મિલકત નથી. અમારી પાસે મિસાઇલોની કોઈ કમી નથી.
ભારત એક મર્સિડીઝ ગાડીની જેમ હાઇવે પર ચમકી રહ્યું છે, પણ પાકિસ્તાન રેતીથી ભરેલી ટ્રક છે. જો ટ્રક અને ગાડી ટકરાય તો નુકસાન કોનું થાય?
પાકિસ્તાનમાં સાઇલન્ટ તખ્તાપલટ થઈ શકે છે
પાકિસ્તાનના ફીલ્ડ-માર્શલ અસીમ મુનીર દ્વારા ઉપરાઉપરી અમેરિકાના પ્રવાસો અને ભારત વિરુદ્ધ બેફામ નિવેદનબાજીની પાછળ અનેક બાબતો હોઈ શકે એવા રિપોર્ટ્સ છે. એમાં એક પ્રબળ સંભાવના પાકિસ્તાનમાં અસીમ મુનીર સાઇલન્ટ તખ્તાપલટની તૈયારી કરી રહ્યા હોવાનું કહેવાય છે. મુનીર પોતે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનવાની ફિરાકમાં હોવાના રિપોર્ટ્સ છે. ખાસ કરીને અમેરિકામાં મુનીરને જે રીતે આગતા-સ્વાગતા મળી છે એના પછી મુનીરનો આત્મવિશ્વાસ બેવડાયો હશે અને હવે તે ગમે એ પગલું ભરી શકે છે એવા રિપોર્ટ્સ છે. જાહેર કે ગુપ્ત બળવો કરાવીને પોતાની તાજપોશી કરાવવાનું આયોજન અસીમ મુનીર કરી શકે છે.

