ઇઝરાયલે કર્યો વિરોધ, કહ્યું કે એ આતંકવાદીઓને સમર્થન આપે છે
શાહબાઝ શરીફ
દાવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ગાઝા માટે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ના સ્થાપક ચાર્ટર પર હસ્તાક્ષર કરવામાં પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ ૨૦ દેશો સાથે જોડાયા પછી ઇઝરાયલે સ્પષ્ટ કર્યું હતું કે ગાઝાના શાંતિ રક્ષા દળોમાં ભૂમિકા ભજવવા માટે ઇસ્લામાબાદનું સ્વાગત નથી. આ મુદ્દે ઇઝરાયલના ઇકૉનૉમી મિનિસ્ટર નીર બરકતે પાકિસ્તાનને આતંકવાદનું સમર્થક ગણાવીને કહ્યું હતું કે ‘ગાઝામાં એનું સ્વાગત નથી. આતંકવાદને ટેકો આપનાર કોઈ પણ દેશનું એમાં સ્વાગત નથી અને એમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે.’
નીર બરકતે ગાઝામાં શાંતિ સ્થાપવાની પહેલ માટે ટ્રમ્પની પ્રશંસા કરી હતી અને ‘બોર્ડ ઑફ પીસ’ને યુનાઇટેડ નેશન્સ કરતાં વધુ સારું ગણાવ્યું હતું. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે અમે કતરીઓ, તુર્કો અને પાકિસ્તાનને સ્વીકારીશું નહીં. તેઓ ગાઝામાં જેહાદી સંગઠનને ખૂબ ટેકો આપતા રહ્યા છે અને તેમનાં પગલાં એ ભૂમિમાં પડવાં જોઈએ નહીં.’
ADVERTISEMENT
શાહબાઝ શરીફના ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવાના નિર્ણયથી પાકિસ્તાનમાં પણ વિરોધ થયો છે. લાંબા સમયથી સ્વતંત્ર પૅલેસ્ટીનિયન રાજ્યને ટેકો આપતા વિરોધ પક્ષો અને ઇસ્લામિક જૂથોએ આ પગલા પાછળના હેતુ અને પ્રક્રિયા બન્ને પર સવાલ ઉઠાવ્યા હતા.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીએ આ પગલાની ટીકા કરી હતી. એણે આ મુદ્દે લોકમત અને સંપૂર્ણ ચકાસણીની માગણી કરી હતી. મજલિસ વહદત-એ-મુસ્લિમીન (MWM)ના વડા અને પાકિસ્તાન સેનેટમાં વિરોધ પક્ષના નેતા અલ્લામા રાજા નાસિર અબ્બાસે હસ્તાક્ષરના પગલાને નૈતિક રીતે ખોટું અને અયોગ્ય ગણાવ્યું હતું.
જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલ (JUI-F)ના વડા મૌલાના ફઝલુર રહમાને પાકિસ્તાની નેતૃત્વ પર ધાર્મિક અને રાષ્ટ્રીય સિદ્ધાંતો કરતાં ટ્રમ્પની નીતિઓના તુષ્ટીકરણને પ્રાથમિકતા આપીને શિર્ક (મૂર્તિપૂજાનું પાપ) કરવાનો આરોપ મૂક્યો હતો.


