અમેરિકા કહે છે કે એ પાકિસ્તાનની આતંક સામેની લડાઈને બિરદાવે છે
બાજૌરમાં પાકિસ્તાન દ્વારા ચાલી રહેલા ઑપરેશનને લીધે એક લાખ સ્થાનિકોને શહેરમાંથી બહાર કાઢી કામચલાઉ કૅમ્પમાં રાખવામાં આવ્યા છે.
પાકિસ્તાન અને અમેરિકાએ સંયુક્ત નિવેદનમાં એવી જાહેરાત કરી હતી કે બન્ને દેશો આતંકવાદી સંગઠનો સામેની લડાઈમાં સહયોગને વધુ ગાઢ બનાવશે. આ નિવેદનમાં અમેરિકાએ આતંકવાદ સામેની લડાઈ માટે અને શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનના પ્રયાસોની પ્રશંસા પણ કરી હતી.
અમેરિકા દ્વારા પાકિસ્તાનસ્થિત BLAને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યાના એક દિવસ પછી મંગળવારે ઇસ્લામાબાદમાં યોજાયેલી દ્વિપક્ષીય આતંકવાદવિરોધી વાટાઘાટો દરમ્યાન આ કરાર થયો હતો. આ કરારમાં કહેવાયું છે કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA), ઇસ્લામિક સ્ટેટ ખોરાસન અને તાલિબાન સહિતનાં મુખ્ય આતંકવાદી સંગઠનો સામે લડવા માટે પાકિસ્તાન અને અમેરિકા દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયાં છે.
ADVERTISEMENT
આ બેઠક પછી જાહેર કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર બન્ને પક્ષોએ તમામ પ્રકારના આતંકવાદ સામે લડવાની તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બન્ને દેશોએ બલૂચિસ્તાન લિબરેશન આર્મી, IS-ખુરાસન અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન દ્વારા ઊભાં કરાયેલાં જોખમો સહિત આતંકવાદી જોખમોનો સામનો કરવા માટે અસરકારક વ્યૂહરચના વિકસાવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
પાકિસ્તાન દ્વારા તાલિબાની લડવૈયાઓ સામે ટાર્ગેટેડ ઑપરેશન શરૂ
પાકિસ્તાની સુરક્ષા દળોએ અફઘાનિસ્તાનની સરહદે આવેલા અશાંત નૉર્થ વેસ્ટર્ન જિલ્લામાં તાલિબાની લડવૈયાઓ સામે ટાર્ગેટેડ ઑપરેશન શરૂ કર્યું છે, જેના કારણે હજારો રહેવાસીઓ સુરક્ષિત વિસ્તારોમાં ભાગી ગયા છે. વિસ્થાપિત લોકોની સંખ્યા ઝડપથી વધીને લગભગ ૧,૦૦,૦૦૦ થઈ ગઈ છે.
રહેવાસીઓએ આપેલી માહિતી પ્રમાણે હેલિકૉપ્ટરની મદદથી સુરક્ષા દળોએ અફઘાન સરહદે આવેલા પર્વતીય વિસ્તારોમાં આતંકવાદીઓનાં ઠેકાણાંઓ પર હુમલો કર્યો હતો.
તહરીક-એ-તાલિબાન-પાકિસ્તાન (TTP)ના ઘણા નેતાઓ અને લડવૈયાઓએ અફઘાનિસ્તાનમાં આશ્રય મેળવ્યો છે અને તાલિબાન દ્વારા કબજો લેવામાં આવ્યા પછી તેઓ ખુલ્લેઆમ ત્યાં રહે છે અને કેટલાક સરહદ પાર કરીને પાકિસ્તાનના બાજૌરમાં પાછા ફર્યા છે અને સક્રિય થયા છે.
પાકિસ્તાને ૨૦૦૯માં પાકિસ્તાની અને વિદેશી આતંકવાદીઓ સામે બાજૌરમાં એક મોટું ઑપરેશન પણ હાથ ધર્યું હતું, જેના કારણે લાખો લોકો વિસ્થાપિત થયા હતા.
પાકિસ્તાન ખનિજ ભંડારો માટે ચીન અને અમેરિકા વચ્ચે હરાજી કરાવશે
ગિલગિટ-બાલ્ટિસ્તાન અને બલૂચિસ્તાન સહિતના પ્રદેશોમાં અંદાજિત પાંચ ટ્રિલ્યન ડૉલરના મૂલ્યના ખનિજ ભંડારો માટે પાકિસ્તાન કેટલાક દેશો વચ્ચે હરાજી યોજશે એવા રિપોર્ટ્સ આવ્યા છે. અમેરિકા, ચીન, સાઉદી અરેબિયા, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ જેવા દેશોને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોલી લગાવવા માટે આમંત્રણ આપી શકે છે. સરકાર આગામી છથી ૮ મહિનામાં વિદેશી રોકાણકારો સાથે કરારોને અંતિમ સ્વરૂપ આપવાની યોજના ધરાવે છે. પાકિસ્તાનના જુદા-જુદા પ્રદેશોમાં કોલસો, તાંબું, સોનું અને આયર્ન ઑરના ભંડાર હોવાનું મનાય છે.

