Philadelphia Plane Crash: એરક્રાફ્ટ ક્રૂના ચાર સભ્યો, એક દર્દી અને બોર્ડમાં દર્દીના એસ્કોર્ટ સાથેનું આ 6 લોકોને લઈ જતું નાનકડું પ્લેન ક્રેશ થયું હતું.
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાંથી ફરી એકવાર પ્લેન ક્રેશ (Philadelphia Plane Crash)ના અહેવાલ મળી રહ્યા છે. પેન્સિલવેનિયા રાજ્યના ફિલાડેલ્ફિયામાં આજે સવારે એક મેડિકલ પ્લેનને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફિલાડેલ્ફિયાથી મિસૌરી જઈ રહેલા પ્લેનમાં 6 લોકો સવાર હતા. અને આ પ્લેન ક્રેશ થઈ ગયું છે.
આ મુદ્દે એક નિવેદન પણ સામે આવ્યું છે. એક નિવેદનમાં એર એમ્બ્યુલન્સ કંપની જેટ રેસ્ક્યુ એર એમ્બ્યુલન્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એરક્રાફ્ટ ક્રૂના ચાર સભ્યો, એક દર્દી અને બોર્ડમાં દર્દીના એસ્કોર્ટ સાથેનું આ નાનકડું પ્લેન ક્રેશ થયું હતું.
ADVERTISEMENT
Philadelphia Plane Crash: ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના જણાવ્યા અનુસાર રૂઝવેલ્ટ મોલ પાસે શુક્રવારની મોડી સાંજે આ ક્રેશ થવાની દુર્ઘટના બની હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા વધુ માહિતી એ પણ મળી છે કે Learjet 55 નામના આ પ્લેનને અકસ્માત નડ્યો છે. ઉત્તર-પૂર્વ ફિલાડેલ્ફિયા એરપોર્ટ પરથી સાંજે 6:30 વાગ્યે (સ્થાનિક સમય) ઉડાન ભરી હતી. માત્ર 30 સેકન્ડની અંદર જ તે 6.4 કિલોમીટરના અંતર કાપતા તે ક્રેશ થઈ ગયું હતું.
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ ઘટના ત્યાં બની હતી જે વિસ્તાર ખૂબ જ ગરદીવાળો છે. પેન્સિલવેનિયાના માળના શોપિંગ સેન્ટર રૂઝવેલ્ટ મોલ પાસે પ્લેન ક્રેશ થયું હતું. અહીં ઘણા ઘર અને દુકાન આવેલાં છે. આ ઘટનાનો આખો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે પ્લેન અતિ ઝડપ સાથે નીચે આવે છે અને પછી ધડાકા સાથે ક્રેશ થાય છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમગ્ર ઘટના મુદ્દે જણાવ્યું છે કે, "ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયામાં પ્લેનની ઘટના (Philadelphia Plane Crash) જોઈને ખૂબ દુઃખ થયું. ફરી નિર્દોષ જીવો ગયા. અમારા લોકો ત્યાં છે જ.” ફિલાડેલ્ફિયાના મેયર ચેરેલ પાર્કરે જણાવ્યું હતું કે તેમની પાસે પીડિતોની સંખ્યા વિશે માહિતી નથી. ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરર અખબારના અહેવાલમાં જણાવાયું છે કે એક ઘર અને ઘણી કારમાં આગ લાગી હોવાની માહિતી છે.
Philadelphia Plane Crash: સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે જણાવ્યું હતું કે એવું લાગે છે કે અકસ્માતમાં ઊંચાઈ એક મુખ્ય કારણ હોઇ શકે છે, પેન્ટાગોનના વડા પીટ હેગસેથે યુએસ સૈન્યની તાલીમના સાતત્યના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ હજુ સુધી મળ્યું નથી.
વોશિંગ્ટનમાં ભયાવહ અકસ્માત સામે આવ્યો હતો – ૬૪ લોકો હતા સવાર
હજી તો અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં બે દિવસ પહેલા જ એક પેસેન્જર પ્લેન અને હેલિકોપ્ટર અથડાયા હતા. આ ભયાવહ અકસ્માત બાદ બંને પોટોમેક નદીમાં પડી ગયા હતા. પ્લેનમાં 4 ક્રૂ મેમ્બર સહિત 64 લોકો સવાર હતા.