રાષ્ટ્રપતિએ ભારતના વડા પ્રધાનને નવાજ્યા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી : ત્યાંની સંસદમાં મોદીએ કહ્યું, તમે ભેટમાં આપેલા ચિત્તાઓએ સંદેશો આપ્યો છે કે અમે અહીં ખુશ છીએ
વિન્ડહોકના સ્ટેટ હાઉસમાં વડા પ્રધાનને ૨૧ તોપોની સલામી અને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું.
બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નામિબિયાની રાજધાની વિન્ડહોક પહોંચ્યા ત્યારે તેમનું સ્થાનિક સંસ્કૃતિ મુજબ જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જૅમ્બે જેવા ઢોલક વગાડતા કલાકારોની સાથે નરેન્દ્ર મોદીએ પણ તાલ આપીને તેમના જોશને વધાવ્યું હતું.
ADVERTISEMENT
નામિબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપતા રાષ્ટ્રપતિ નંદી નદૈતવા.
તેઓ વિન્ડહોકના સ્ટેટ હાઉસમાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. સેંકડો લોકો ભારતીય તિરંગા લઈને તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. અહીં નામિબિયાના રાષ્ટ્રપતિ નંદી નદૈતવાના હસ્તે તેમને ‘ઑર્ડર ઑફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલ્વિત્ચિયા મિરાબિલિસ’ નામના સર્વોચ્ચ નાગરિક અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ તેમનું ૨૭મું ઇન્ટરનૅશનલ સન્માન છે. નામિબિયાની સંસદને કરેલા સંબોધનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘નામિબિયાના મજબૂત અને સુંદર છોડની જેમ આપણી દોસ્તી પણ સમયની કસોટી પર ખરી ઊતરી છે.
નામિબિયાના કલાકારોએ પરંપરાગત ડાન્સ કરીને વડા પ્રધાનનું સ્વાગત કર્યું હતું.
૨૦૨૨માં અમારા દેશમાં ચિત્તાઓને ફરી વસાવવા માટે અમારી મદદ કરી એ માટે તમારી ભેટ માટે અમે આભારી છીએ. તેમણે પણ તમારા માટે એક સંદેશ મોકલ્યો છે કે બધું બરાબર છે. અમે ખુશ છીએ અને નવા ઘરમાં ફાવી ગયું છે. તેમની સંખ્યામાં પણ વધારો થયો છે.’
વિન્ડહોકની હોટેલમાં ભારતીય સમુદાયના લોકોએ મોદી-મોદીના નારાથી સ્વાગત કર્યું હતું.
ખાસ આપ-લે
ભારતે નામિબિયાને કૅન્સરની સારવાર માટે ભાભાટ્રૉન રેડિયોથેરપી મશીન આપવાની તૈયારી બતાવી હતી. ભારતનું આ મશીન ૧૫ દેશોમાં વપરાય છે. સાથે જ નામિબિયાને સસ્તી અને ગુણવત્તાસભર દવાઓ માટે જન ઔષધિ કાર્યક્રમમાં સામેલ થવા આમંત્રિત કર્યું હતું. ભારતની UPI ટેક્નિક અપનાવવાવાળો નામિબિયા પહેલો દેશ બન્યો છે.

