રશિયન પ્રેસિડન્ટે સત્તાવાર નિવાસસ્થાનમાં પોતે ઇલેક્ટ્રિક કાર ચલાવીને વડા પ્રધાનને ફેરવ્યા, ઘોડારની મુલાકાત કરાવી, ગાર્ડનમાં પણ ફેરવ્યા
મોદી ઑસ્ટ્રિયામાં રશિયાની મુલાકાત લીધા બાદ વડા પ્રધાન મોદી ઑસ્ટ્રિયાની મુલાકાતે ગયા છે. ૪૦ વર્ષ બાદ કોઈ ભારતીય વડા પ્રધાન આ દેશમાં ગયા છે.ન આ દેશમાં ગયા છે
નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાતના બીજા દિવસે ગઈ કાલે ભારતીય વડા પ્રધાન અને રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચે ગજબની કેમિસ્ટ્રી જોવા મળી હતી. પુતિન વડા પ્રધાન મોદીને તેમના મૉસ્કોની બહાર આવેલા નોવો ઓગારિયોવોમાં આવેલા સત્તાવાર ઘરે લઈ ગયા હતા અને ત્યાં તેમણે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. પુતિને મોદીને મૉસ્કોની બહાર વ્યક્તિગત વાતચીત માટે તેમના સરકારી નિવાસસ્થાને બોલાવ્યા હતા.
પુતિને વડા પ્રધાન મોદીને ત્રીજી વાર ચૂંટાઈ આવવા બદલ અભિનંદન આપ્યાં હતાં. બન્ને નેતાઓએ ચાલતાં-ચાલતાં વાતચીત કરી હતી. પુતિને ઇલેક્ટ્રિક કારમાં બેસાડીને પોતે કાર ચલાવીને મોદીને ફેરવ્યા હતા અને તેમની ઘોડાર પણ બતાવી હતી. બન્ને નેતાઓ વચ્ચે દુભાષિયાની મદદથી વાતચીત થઈ હતી. બન્ને નેતાઓ વચ્ચે અંગ્રેજીમાં પણ થોડી વાતચીત થઈ હતી.
ADVERTISEMENT
પુતિને મોદીને કહ્યું હતું કે `તમને ફરી વડા પ્રધાન બનવા માટે હું અભિનંદન આપું છું. હું માનું છું કે આ આકસ્મિક જીત નથી, એ તમારાં વર્ષોનાં કામોનું પરિણામ છે. ભારત મજબૂતીથી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે.`
જવાબમાં મોદીએ પુતિનને જણાવ્યું હતું કે `ભારતના લોકોએ મને માતૃભૂમિની સેવા કરવાનો મોકો આપ્યો છે. મારું એક જ લક્ષ્ય છે, મારો દેશ અને મારા લોકો.`
૯ જુલાઈથી અમેરિકામાં નૉર્થ ઍટ્લાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO)ના મેમ્બર-દેશોની બેઠક શરૂ થઈ છે. NATO યુક્રેન-યુદ્ધ વિશે એની આગામી રણનીતિ બનાવવાની તૈયારીમાં છે. એવામાં મોદીની રશિયાની મુલાકાત પશ્ચિમના દેશોમાં આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે. આ પહેલાં શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)ની બેઠકમાં મોદી ગેરહાજર રહ્યા હતા. એમાં રશિયા અને ચીનના રાષ્ટ્રપતિની બેઠક થઈ હતી અને ભારત એવું નહીં ચાહે કે તેનો મજબૂત દોસ્ત ચીનની નજીક જાય. એથી જ મોદીએ રશિયાની મુલાકાત લીધી હતી.
સેના માટે લડતા ભારતીયોને રશિયા ડિસ્ચાર્જ કરશે
રશિયાની સેના માટે લડી રહેલા ભારતીય સૈનિકોનો મુદ્દો નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો હતો અને એના પગલે ભારતીયોની રશિયાની સેનામાંથી વાપસીની શક્યતા બની છે. રશિયા આ સૈનિકોની ભારતવાપસીમાં પણ મદદ કરશે. હાલમાં ૩૦થી ૪૦ ભારતીયો રશિયાના સૈન્યમાં કામ કરે છે, તેઓ ભારત પાછા ફરવા માગે છે. યુદ્ધમાં બેથી ચાર ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં છે. એજન્ટો ઊંચા પગારની નોકરીની આશા બતાવીને ભોળા લોકોને રશિયા મોકલી રહ્યા છે. પંજાબ અને હરિયાણાના લોકો એમાં ફસાયા છે, તેમણે યુનિફૉર્મ સાથેના વિડિયો પોસ્ટ કર્યા હતા અને બચાવી લેવા માટે અપીલ કરી હતી.
નરેન્દ્ર મોદીએ બીજું શું-શું કહ્યું?
અમે છેલ્લાં ૪૦-૫૦ વર્ષથી આતંકવાદનો સામનો કરી રહ્યા છીએ, મૉસ્કોમાં આતંકવાદી હુમલાનું દર્દ હું સમજી શકું છું. હું દરેક પ્રકારના આતંકવાદની નિંદા કરું છું.
શાંતિની પહેલમાં ભારત દરેક સંભવ સહયોગ કરવામાં તૈયાર છે. હું વિશ્વને કહેવા માગું છું કે ભારત શાંતિના પક્ષે છે.
યુદ્ધ હોય, સંઘર્ષ હોય કે આતંકવાદી હુમલો; જ્યારે માણસો મરે છે ત્યારે માનવતામાં વિશ્વાસ રાખનારી દરેક વ્યક્તિને દુ:ખ થાય છે.
જ્યારે માસૂમ બાળકોની હત્યા થાય છે ત્યારે ઘણું દુ:ખ થાય છે.
મોદીને મળ્યો રશિયાનો સર્વોચ્ચ અવૉર્ડ
૨૦૧૯માં રશિયાએ એના સૌથી મોટા સિવિલિયન અવૉર્ડ ઑર્ડર ઑફ ધ હોલી અપૉસ્ટલ ઍન્ડ્રુ ધ ફર્સ્ટ-કોલ્ડ માટે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરી હતી અને આ અવૉર્ડ મૉસ્કોમાં ક્રેમલિનના સેન્ટ કૅથરિન હૉલમાં મોદીને આપવામાં આવ્યો હતો. ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અને બન્ને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોના વિકાસમાં વિશિષ્ટ યોગદાન માટે મોદીને આ અવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ અવૉર્ડની સ્થાપના ૧૬૯૮માં ઝાર પીટર ધ ગ્રેટ દ્વારા કરવામાં આવી હતી જે ઈશુના પ્રથમ પ્રેરિત અને રશિયાના આશ્રયદાતા સંત સેન્ટ ઍન્ડ્ર્યુના માનમાં હતો. એ સૌથી ઉત્કૃષ્ટ નાગરિક અથવા લશ્કરી સેવા માટે એનાયત થાય છે.
યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીએ કરી મોદીની ટીકાઃ દુનિયાના સૌથી બ્લડી ક્રિમિનલને વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા જુઓ ગળે મળી રહ્યા છે
યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીએ ગઈ કાલે નરેન્દ્ર મોદીની ટીકા કરતાં સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘યુક્રેનમાં રશિયાએ કરેલા લેટેસ્ટ મિસાઇલ હુમલામાં ૩ બાળકો સહિત ૩૭ લોકો માર્યા ગયા છે. યુક્રેનમાં બાળકોની કૅન્સરની હૉસ્પિટલમાં રશિયન મિસાઇલ પડી હતી. આટલી મોટી ઘટના બની છે ત્યારે દુનિયાના સૌથી બ્લડી ક્રિમિનલને વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા ગળે મળી રહ્યા છે. શાંતિના માર્ગમાં આ મોટો અંતરાય છે.’
પુતિન સાથેના ડિનરમાં યુક્રેન-યુદ્ધ રોકવા મોદીની સીધી અપીલઃ યુદ્ધ શાંતિનો માર્ગ નથી, સમાધાન માટે વાતચીત જરૂરી
વ્લાદિમીર પુતિન સાથેની ડિનર-મીટિંગમાં નરેન્દ્ર મોદીએ બે વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે સીધી અપીલ કરી હતી. એમ જાણવા મળે છે કે મોદીએ પુતિનને જણાવ્યું હતું કે યુદ્ધ કરવાથી કોઈ પરિણામ મળતું નથી; યુદ્ધ શાંતિનો માર્ગ નથી, ચર્ચા કરવાથી અને રાજનીતિક ડિપ્લોમસીથી રસ્તો મળી શકે છે, સમાધાન થઈ શકે છે.
આ મુદ્દે પુતિને કહ્યું હતું કે તમે યુક્રેન-સંકટનો જે નિકાલ લાવવાની કોશિશ કરી રહ્યા છો એના માટે અમે આભારી છીએ.
૧૪૦ કરોડ ભારતવાસીઓ દેશનું પુનરુત્થાન શક્ય બનાવી રહ્યા છે : મોદી
રશિયાની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રશિયામાં ભારતીય સમાજના લોકોની સાથે વાતચીતમાં બૉલીવુડ, T20 વર્લ્ડ કપમાં ભારતની જીત અને ભારત-રશિયા સંબંધોની વાત કરી હતી અને કહ્યું હતું કે ‘ભારત વિક્રમી ગતિએ પરિવર્તન કરી રહ્યું છે અને વિશ્વ એની નોંધ લઈ રહ્યું છે. ૧૪૦ કરોડ ભારતવાસીઓ દેશનું પુનરુત્થાન શક્ય બનાવી રહ્યા છે. દરેક ભારતીયના હૃદયમાં રશિયા છે, બૉલીવુડનાં ગીતોમાં રશિયાનો ઉલ્લેખ છે, રાજ કપૂર અને મિથુન ચક્રવર્તીને રશિયાના લોકો જાણે છે. ભારતીય લોકો રશિયા નામ સાંભળે છે ત્યારે આપોઆપ તેમનામાં રશિયા ભારતનો સુખ-દુ:ખનો સાથી છે એવો ભાવ આવે છે.’

