Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > થાઇલેન્ડની સ્કૂલમાં વિદ્યાર્થીનો અંધાધૂંધ ગોળીબાર: ચાર લોકોના મોત, શૂટર વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

થાઇલેન્ડની સ્કૂલમાં વિદ્યાર્થીનો અંધાધૂંધ ગોળીબાર: ચાર લોકોના મોત, શૂટર વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

Published : 07 August, 2026 12:23 PM | IST | Thailand
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Thailand School Shooting: શુક્રવારે થાઇલેન્ડના નોન્થાબુરી પ્રાંતમાં એક શાળામાં થયેલા ગોળીબારમાં એક શિક્ષક અને વિદ્યાર્થીઓ સહિત ચાર લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા; હુમલો કરનાર વિદ્યાર્થીએ ઘટના બાદ આત્મહત્યા કરી હતી

થાઇલેન્ડના નોન્થાબુરી પ્રાંતમાં ગોળીબાર બાદ શાળાની બહાર સ્ટ્રેચર પર એક ઘાયલને લઈ જવામાં આવી રહ્યો છે (તસવીરઃ એએનઆઇ)

થાઇલેન્ડના નોન્થાબુરી પ્રાંતમાં ગોળીબાર બાદ શાળાની બહાર સ્ટ્રેચર પર એક ઘાયલને લઈ જવામાં આવી રહ્યો છે (તસવીરઃ એએનઆઇ)


થાઇલેન્ડ (Thailand)ના નોન્થાબુરી (Nonthaburi) પ્રાંતમાં શુક્રવારે એક હાઈસ્કૂલમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સ્થાનિક મીડિયા દ્વારા સામે આવ્યા છે. કટોકટીની સ્થિતિમાં (Thailand School Shooting) ઈમરજન્સી ટીમો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગોળીબારની ઘટનાની વિગતો



આ ઘટના બેંગકોક (Bangkok)થી ઉત્તર-પશ્ચિમે લગભગ ૨૦ કિલોમીટર દૂર આવેલા બંગ ક્રુઆઈ (Bang Kruai) જિલ્લાની `દેબસિરિન નોન્થાબુરી સ્કૂલ` (Debsirin Nonthaburi School)માં બની હતી. થાઈ મીડિયા અનુસાર, હુમલાખોર એ જ શાળાનો એક વિદ્યાર્થી હતો, જેણે શાળાની અંદર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ ઈમારતના ત્રીજા માળે પોતાને બંધ કરી દીધો હતો. ઘટના બાદ હુમલાખોર વિદ્યાર્થીએ ઘટનાસ્થળે જ આત્મહત્યા કરી લીધી હતી.


દુર્ઘટનામાં ૧૦થી ૧૫ લોકો ઘાયલ

રોયલ થાઈ પોલીસના પ્રવક્તા ત્રૈરોંગ પિવપાને એપી (AP) ને આ હુમલાના સ્થળની પુષ્ટિ કરી હતી. ઘટના બનતા જ ઈમરજન્સી સેવાઓએ તુરંત જ કેમ્પસ ખાલી કરાવ્યું હતું અને પીડિતોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઘટનાસ્થળના દ્રશ્યોમાં બચાવકર્મીઓ શાળાની બહાર પીડિતોની સારવાર કરતા અને એક વ્યક્તિને સ્ટ્રેચર પર લઈ જતા જોવા મળ્યા હતા. સ્થાનિક અધિકારીઓએ સમગ્ર વિસ્તારને સીલ કરીને ઝડપી રાહત કામગીરી હાથ ધરી હતી.


કેમ્પસમાં અફરાતફરીનો માહોલ

સ્થાનિક બ્રોડકાસ્ટર થાઈ પીબીએસના અહેવાલ મુજબ, આ હુમલામાં ૧૦થી ૧૫ લોકો ઘાયલ થયા છે. જેમાં ઓછામાં ઓછા ૧૦ વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી છે. કેટલાક લોકોની ગંભીર સારવાર ચાલી રહી હોવાથી સત્તાવાળાએ મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરી છે.

એક ૧૮ વર્ષીય વિદ્યાર્થીએ ઘટનાની ભયાનકતા વર્ણવતા જણાવ્યું હતું કે, "શરૂઆતમાં મને લાગ્યું નહીં કે આ બંદૂકનો અવાજ છે... સતત ગોળીઓ છૂટવાનો અવાજ આવ્યો: બેંગ બેંગ બેંગ. પછી બધું શાંત થઈ ગયું અને થોડીવાર પછી ફરીથી ગોળીબાર શરૂ થયો."

જિલ્લા અધિકારીઓ અને પોલીસ આ ગોળીબાર અંગે વધુ તપાસ કરી રહ્યા છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫ના સત્તાવાર રેકોર્ડ મુજબ, દેબસિરિન નોન્થાબુરી સ્કૂલમાં આશરે ૩,૧૦૦ વિદ્યાર્થીઓ અને ૧૪૭ શિક્ષકો છે.

સરકારે તાકીદના પગલાં લેવા આદેશ આપ્યા

શિક્ષણ મંત્રી પ્રસેર્ત ચંતરારુઆંગથોંગે ઉબોન રત્ચથાની પ્રાંતમાંથી જ આ સ્થિતિ પર નજર રાખી હતી. તેમણે શિક્ષણ મંત્રાલય હેઠળની તમામ એજન્સીઓને તાત્કાલિક રાહત અને સહાય કામગીરીમાં સમન્વય સાધવા નિર્દેશ આપ્યો હતો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર તેમણે લખ્યું, "મેં શિક્ષણ મંત્રાલય હેઠળની તમામ એજન્સીઓને પરિસ્થિતિને ઝડપથી ઉકેલવા તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે તાકીદે પ્રયાસો કરવા આદેશ આપ્યો છે." તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.

આ સાથે તેમણે જનતા અને મીડિયાને સોશિયલ મીડિયા પર સંવેદનશીલ સામગ્રી શેર ન કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું, "નાગરિકો અને મીડિયાને વિનંતી છે કે તેઓ આ ઘટના સંબંધિત સંવેદનશીલ તસવીરો, વિડીયો કે માહિતી આગળ શેર કરવાનું ટાળે. અફવાઓ કે મૃતકોની તસવીરો શેર કરવાથી પીડિત પરિવારોની માનસિક સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે."

થાઇલેન્ડમાં બંદૂકની હિંસાનો પડકાર

દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં થાઇલેન્ડ સૌથી વધુ નાગરિક બંદૂક માલિકી ધરાવતા દેશોમાંથી એક છે. દેશમાં લગભગ ૧ કરોડ શસ્ત્રો ઉપલબ્ધ છે, જેનો અર્થ એ થાય છે કે દર સાત નાગરિકોમાંથી એક વ્યક્તિ પાસે બંદૂક છે.

આ વર્ષની શરૂઆતમાં પણ આવી જ એક ઘટના બની ચૂકી છે. ફેબ્રુઆરીમાં દક્ષિણ થાઇલેન્ડના હાથ યાઈ (Hat Yai) જિલ્લામાં એક શાળા કેમ્પસમાં થયેલા ગોળીબારમાં એક શિક્ષકનું મોત થયું હતું અને એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2026 12:23 PM IST | Thailand | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK