ઇટલીના કેટલાક વિસ્તારોને સ્વાયત્તતા આપવાના બિલના મુદ્દે સંસદસભ્યો રીતસરના બાખડી પડ્યા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઇટલીમાં G7 શિખર-સંમેલનન પહેલાં બુધવારે સાંજે ઇટલીની સંસદમાં ઇટલીના કેટલાક વિસ્તારોને સ્વાયત્તતા આપવાના બિલના મુદ્દે સંસદસભ્યો વચ્ચે મારામારી થયાનો વિડિયો બહાર આવ્યો છે અને આ વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે. બિલના મુદ્દે સંસદમાં વિવાદ શરૂ થયો હતો અને બિલના સમર્થન કરનારા અને વિરોધ કરનારા સંસદસભ્યો વચ્ચે આ વિવાદ મારપીટ સુધી પહોંચી ગયો હતો.
વિપક્ષી પાર્ટીના સંસદસભ્ય લિયોનાર્ડો ડોનો સરકારમાં પ્રધાન રોબર્ટો કૅલડેરોલીને ઇટલીનો ઝંડો આપવાની કોશિશ કરતા હતા, પણ તેમણે ઇનકાર કરી દીધો અને પાછા ખસી ગયા. આ વખતે સંસદસભ્યો એક પછી એક દોડી આવ્યા અને આશરે ૨૦ સંસદસભ્યો વચ્ચે મારપીટ થઈ.
ADVERTISEMENT
વિદેશપ્રધાન ઍન્ટોનિયોએ આ ઘટના વિશે ખેદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મારી પાસે શબ્દો નથી. અમારે એક ઉદાહરણ પેશ કરવાનું હતું, પણ અમે સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે મારપીટ કરી રહ્યા છીએ.’ આ ઘટનામાં ડોનો ઈજાગ્રસ્ત થયા છે, તેમને વ્હીલચૅરમાં સદનમાંથી હૉસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. ઇટલીના ન્યુઝપેપરે આ મુદ્દે લખ્યું હતું કે ઇટલીની સંસદ બૉક્સિંગ-રિંગ બની ગઈ હતી.

