૧૫ સભ્યોની વચગાળાની સરકાર શપથ લેશે, નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસ નેતૃત્વ કરશે
મોહમ્મદ યુનુસ
બંગલાદેશમાં રાજકીય અરાજકતા બાદ આજે રાત્રે ૮ વાગ્યે નવી વચગાળાની સરકાર શપથ ગ્રહણ કરશે. આ સરકારનું નેતૃત્વ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનારા બંગલાદેશમાં ગ્રામીણ બૅન્કના સ્થાપક ૮૪ વર્ષના ડૉ. મોહમ્મદ યુનુસ કરશે. પ્રેસિડન્ટ મોહમ્મદ શહાબુદ્દીને તેમની વચગાળાની સરકારના ચીફ તરીકે નિમણૂક કરી હતી. સરકાર વિશે રાષ્ટ્રજોગા પ્રવચનમાં જાણકારી આપતાં આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને કહ્યું હતું કે ‘નવી સરકારમાં ૧૫ મેમ્બરો શપથ લેશે. ડૉ. મોહમ્મદ યુનુસ સ્વદેશ પાછા ફરશે પછી લોકશાહી ઢબે વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે. તેઓ સરકારનું નેતૃત્વ કરવા આતુર છે.’
મોહમ્મદ યુનુસ આજે પૅરિસથી વાયા દુબઈ સ્વદેશ પાછા ફરશે. પૅરિસ ઍરપોર્ટ પર મોહમ્મદ યુનુસે જણાવ્યું હતું કે ‘બંગલાદેશમાં આંદોલન કરનારા બહાદુર સ્ટુડન્ટ્સને બીજો વિક્ટરી ડે આપવા માટે અભિનંદન આપું છું. આપણને આ જીતનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. હાલમાં હું સૌને શાંત રહેવા અને હિંસા નહીં કરવાની અપીલ કરું છું. આપણે સાથે મળીને આ દેશને આગળ વધારવાનો છે. જો આપણે હિંસાનો માર્ગ અપનાવીશું તો બધું જ ખતમ થઈ જશે.’
ADVERTISEMENT
બંગલાદેશની એક કોર્ટે લેબર કાયદાનો ભંગ કરવા બદલ મોહમ્મદ યુનુસને છ મહિનાની જેલની સજા કરી હતી, પણ ગઈ કાલે મોહમ્મદ યુનુસને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. સજા કરાયા બાદ યુનુસને જામીન મળતાં તેઓ વિદેશ જતા રહ્યા હતા. યુનુસના વકીલે કહ્યું હતું કે શેખ હસીનાએ તેમની સામે રાજકીય દુશ્મનાવટ રાખીને કેસ કર્યા હતા.