પોતે સરકારી કર્મચારી હોવાનું કહીને સિમ-કાર્ડ વાપરનારને શોધી રહી છે પોલીસ
રવીન્દ્ર વાયકર
એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના સંસદસભ્ય રવીન્દ્ર વાયકરને પાર્લમેન્ટરી ઑફિસે સત્તાવાર રીતે આપેલા સિમ-કાર્ડનો એક વ્યક્તિએ દુરુપયોગ કર્યો હોવાની ફરિયાદ મુંબઈ પોલીસે નોંધી હતી.
રવીન્દ્ર વાયકરના પર્સનલ અસિસ્ટન્ટ સ્વપ્નિલ કુલકર્ણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે રવીન્દ્ર વાયકરના અંધેરી-ઈસ્ટમાં કલ્પતરુ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ઘરમાં શિફ્ટ થતી વખતે એ ગુમ થઈ ગયું હતું.
ADVERTISEMENT
૨૦૨૪ના ઑકટોબરથી ૨૦૨૫ના નવેમ્બર મહિના વચ્ચે સિમ-કાર્ડ ખોવાયું હતું. દરમ્યાન આરોપી પ્રભાત નસરીન ગુમ થયેલું સિમ-કાર્ડ વપરતો હતો એટલું જ નહીં, આરોપીએ પબ્લિક સર્વન્ટ હોવાનો ઢોંગ કરવા માટે સિમ-કાર્ડનો ઉપયોગ કર્યો હતો. એનાથી એવી છાપ ઊભી થઈ હતી કે તે સત્તાવાર રીતે પાર્લમેન્ટરી ઑફિસ સાથે સંકળાયેલો છે.
પોલીસે શનિવારે ગુનો નોંધીને કૉલ-રેકૉર્ડ, લૉગ અને ટેક્નિકલ ડેટાની તપાસ કરીને સિમ-કાર્ડનો દુરુપયોગ કેવી રીતે થયો એની તપાસ શરૂ કરી છે. કેસમાં અત્યાર સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.
સંસદસભ્યનું સિમ-કાર્ડ કેમ હોય છે ખાસ?
સરકાર તરફથી આપવામાં આવેલું સિમ-કાર્ડ નૅશનલ રોમિંગફ્રી હોય છે. સંસદસભ્ય તરીકેની ટર્મ પૂરી થયા પછી એ પાછું જમા કરાવવાનું રહે છે. ખાસ કરીને ચૂંટણીના પ્રચાર દરમ્યાન થતી ગેરરીતિ પર નજર રાખવા માટે પણ આ કાર્ડના ડેટા મહત્ત્વના રહે છે.
- અનીશ પાટિલ


