ટ્રમ્પ મોબાઇલનો T1 ફોન અમેરિકામાં નહીં બને : લૉન્ચ પહેલાં જ દેખાવ બદલાયો, કિંમતમાં પણ થયો વધારો
ડોનલ્ડ ટ્રમ્પ
સ્માર્ટફોનની દુનિયામાં ચર્ચાનો વિષય રહેલા અને અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના પહેલા ‘મેડ ઇન અમેરિકા’ સ્માર્ટફોન T1 વિશે આશ્ચર્યજનક વિગતો સામે આવી છે. ટ્રમ્પે ‘મેડ ઇન અમેરિકા’ને પ્રોત્સાહન આપવા માટે T1 ફોન રજૂ કરવાની વાત કરી હતી, પરંતુ હવે કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે ઉચ્ચ અપેક્ષાઓ છતાં આ સ્માર્ટફોન સંપૂર્ણપણે ‘મેડ ઇન અમેરિકા’ નહીં હોય. આ ફોન ‘મેડ ઇન અમેરિકા’ તરીકે લેબલ કરવા માટે જરૂરી કડક ધોરણોને પૂરાં કરતો નથી એટલે ‘મેડ ઇન અમેરિકા’ ટૅગ ગાયબ થઈ ગયો છે. કોઈ ઉત્પાદનને ‘મેડ ઇન અમેરિકા’ ટૅગ ત્યારે જ મળે છે જ્યારે એના લગભગ બધા ઘટકો અમેરિકામાં બનેલા હોય. સ્માર્ટફોન ઉદ્યોગમાં આ લગભગ અશક્ય છે. આ ફોન ફેવર્ડ નેશનમાં બનાવવામાં આવી રહ્યો છે અને અમેરિકાના ફ્લૉરિડાના માયામીમાં ફક્ત ૧૦ ઘટકો એસેમ્બલ કરવામાં આવશે.
માર્ચમાં લૉન્ચ થશે
ADVERTISEMENT
ટ્રમ્પના T1 સ્માર્ટફોનનો દેખાવ લૉન્ચ થાય એ પહેલાં જ બદલાઈ ગયો છે. ટ્રમ્પ મોબાઇલના એક્ઝિક્યુટિવ્સ ડૉન હેન્ડ્રિક્સન અને એરિક થૉમસના જણાવ્યા અનુસાર આ ફોન માર્ચના અંત સુધીમાં આવી શકે છે. આ ફોન મૂળ રીતે ગયા વર્ષે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં લૉન્ચ થવાનો હતો, પરંતુ ડિઝાઇનમાં ફેરફારને કારણે એનું લૉન્ચિંગ મોડું થયું છે અને એમાં ૬.૮ ઇંચનું ડિસ્પ્લે હશે.
ડિઝાઇનમાં ફેરફાર
ડિઝાઇનમાં મોટા ફેરફારો અને વારંવાર લૉન્ચ-તારીખમાં ફેરફાર પછી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ ફોન વિદેશી બજાર માટે બનાવવામાં આવી રહ્યો છે. આ ફોન મૂળ રૂપે ૬.૨૫ ઇંચ સ્ક્રીન સાથે લૉન્ચ કરવામાં આવવાનો હતો, પરંતુ હવે એમાં ૬.૮ ઇંચનું મોટું ડિસ્પ્લે હશે. ફોનમાં ક્વૉલકૉમનું સ્નૅપડ્રૅગન 7-સિરીઝ પ્રોસેસર હશે. T1માં ૫૧૨ GB ઇન્ટર્નલ સ્ટોરેજ હશે જેને માઇક્રો SD કાર્ડ દ્વારા ૧ TB સુધી વધારી શકાય છે.
કિંમતમાં વધારો
આ સ્માર્ટફોનની કિંમતમાં પણ વધારો થયો છે. જોકે શરૂઆતના ખરીદદારો માટે રાહત એ છે કે જેમણે ૧૦૦ ડૉલરમાં પ્રી-ઑર્ડર કર્યો હતો તેમને ફોન ૪૯૯ ડૉલરમાં મળશે. જોકે નવા ખરીદદારો માટે કિંમત વધુ હશે. કંપનીએ હજી સુધી ચોક્કસ કિંમત જાહેર કરી નથી, પરંતુ એણે ચોક્કસપણે કહ્યું છે કે એ ૧૦૦૦ ડૉલર કરતાં ઓછી હશે.


