ચીનનું વલણ અડિયલ હોવાનો અમેરિકાનો મત
મંગળવારે વાઇટ હાઉસમાં એક ફુટબૉલ ટુર્નામેન્ટની વિજેતા ટીમને ટ્રોફી આપવાના સમારોહમાં ડોનલ્ડ ટ્રમ્પ.
અમેરિકાએ ચીનના સામાન પર હવે ૨૪૫ ટકા ટૅરિફની જાહેરાત કરી છે. અત્યાર સુધી આ ટૅરિફ ૧૪૫ ટકા હતી. ચીને અમેરિકાના સામાન પર ૧૨૫ ટકા ટૅરિફ લગાવી એટલે ચીન સામે વળતી કાર્યવાહીના ભાગરૂપે અમેરિકાએ ટૅરિફના દરમાં ૧૦૦ ટકાનો વધારો કરીને ૨૪૫ ટકા કર્યો હતો. મંગળવારે રાતે વાઇટ હાઉસે આ જાણકારી આપી હતી. ભારત સહિત બીજા અનેક દેશો પર અમેરિકાએ લગાવેલી ટૅરિફને ૯૦ દિવસ માટે રોકી દેવામાં આવી છે, પણ ચીનના માલસામાન પર હવે અમેરિકા ૨૪૫ ટકા ટૅરિફ વસૂલ કરશે.
એવું માનવામાં આવે છે કે ૯૦ દિવસના સમયગાળામાં બીજા દેશો અમેરિકા સાથે ટ્રેડ-ડીલ કરી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે બૅકચૅનલથી મીટિંગોનો દોર શરૂ થઈ શકે એમ છે. ચીનના સંદર્ભમાં અમેરિકાનું વલણ સખત છે અને એની પાછળનું કારણ ચીનની ટૅરિફ છે. અમેરિકા માને છે કે ચીને ભૂલ કરી છે અને એણે માફી માગવી જોઈએ એના બદલે ચીન અમેરિકા સામે ટૅરિફ લગાવે છે, એનું વલણ અડિયલ છે.
ADVERTISEMENT
ટ્રમ્પ પ્રશાસન માને છે કે અમેરિકા બીજા દેશોના માલસામાન પર ઓછો ટૅક્સ લગાવે છે, પણ એના એક્સપોર્ટ પર ચીન અને ભારત જેવા દેશો ઘણો ટૅક્સ વસૂલ કરે છે.
૭૪ દેશોએ ડીલ માટે અમેરિકાનો સંપર્ક કર્યો
અમેરિકાએ ટૅરિફ લાદી દીધા બાદ ૯૦ દિવસ માટે એને સ્થગિત કરી છે અને હવે આશરે ૭૫ જેટલા દેશોએ અમેરિકા સાથે ટ્રેડ-ડીલ કરવા સંપર્ક કર્યો છે. બધા દેશો અમેરિકા સાથે સહમતી સાધવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યાં સુધી અમેરિકા માત્ર દસ ટકા ટૅરિફ લગાવશે.

