યુુનાઇટેડ આરબ એમિરેટ્સની માલિકીનું જહાજ હુમલાનો શિકાર બન્યા બાદ તમામ ૨૧ ક્રૂ-મેમ્બર્સનો આબાદ બચાવ, આ જહાજ દુબઈથી લગભગ અઢી હજાર કન્ટેનર ભરીને જઈ રહ્યું હતું.
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની માલિકી ધરાવતું GFS પ્રાઇડ નામનું એક વિશાળ કાર્ગો જહાજ અચાનક હુમલાનો શિકાર બનતાં દરિયામાં ડૂબી ગયું
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તનાવ વચ્ચે હોર્મુઝની ખાડીમાં એક ભયાનક ઘટના બની હતી. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની માલિકી ધરાવતું GFS પ્રાઇડ નામનું એક વિશાળ કાર્ગો જહાજ અચાનક હુમલાનો શિકાર બનતાં દરિયામાં ડૂબી ગયું હતું. આ જહાજ દુબઈથી લગભગ અઢી હજાર કન્ટેનર ભરીને જઈ રહ્યું હતું. જહાજ ડૂબ્યા બાદ દરિયાના પાણીમાં લાખો રૂપિયાની કિંમતના હજારો આઇફોન અને મોંઘાં લક્ઝરી પરફ્યુમની બૉટલો તરવા લાગી હતી.
વાઇરલ વિડિયોમાં જોવા મળે છે કે નાની બોટમાં આવેલા કેટલાક સ્થાનિક લોકો દરિયામાં તરી રહેલો આ કીમતી સામાન લૂંટી રહ્યા હતા. ઈરાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ જહાજ ગેરકાયદે માર્ગે જઈ રહ્યું હતું અને દરિયાઈ સુરંગ સાથે અથડાવાને કારણે એમાં આગ લાગી હતી. જોકે રાહતની સૌથી મોટી વાત એ છે કે જહાજ સંપૂર્ણપણે ડૂબી જાય એ પહેલાં જ ક્રૂના તમામ ૨૧ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી.
