બે કલાક બાદ વિમાન પાછું વાળવામાં આવ્યું હતું અને સાંજે પાંચ વાગ્યે એ સૅન ફ્રાન્સિસ્કોમાં ઊતર્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
યુનાઇટેડ ઍરલાઇન્સનું અમેરિકાના લૉસ ઍન્જલસથી ચીનના શાંઘાઈ જઈ રહેલું વિમાન પાઇલટ પાસપોર્ટ ભૂલી ગયો એના કારણે છ કલાક મોડું પડ્યું હતું. બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ૨૫૭ પ્રવાસી અને ૧૩ ક્રૂ-મેમ્બરો હતા અને શનિવારે બપોરે એ બે વાગ્યે શાંઘાઈ જવા નીકળ્યું હતું. બે કલાક બાદ વિમાન પાછું વાળવામાં આવ્યું હતું અને સાંજે પાંચ વાગ્યે એ સૅન ફ્રાન્સિસ્કોમાં ઊતર્યું હતું.
આ ઘટના વિશે ઍરલાઇન્સે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘વિમાન ઉડાવી રહેલા પાઇલટ પાસે તેનો પાસપોર્ટ નહીં હોવાથી વિમાન પાછું વાળવામાં આવ્યું હતું. અમે નવા ક્રૂની વ્યવસ્થા કરી હતી અને રાતે ૯ વાગ્યે વિમાને પાછી ઉડાન ભરી હતી. આમ આ ફ્લાઇટ શાંઘાઈ એના શેડ્યુલ્ડ ટાઇમ કરતાં છ કલાક મોડી પહોંચી હતી. આ વિલંબ માટે પ્રવાસીઓને મીલ વાઉચર્સ અને વળતર આપવામાં આવ્યું હતું.’
ADVERTISEMENT
ચીનના એક પ્રવાસીએ કહ્યું હતું કે ‘અમને માત્ર ૩૦ ડૉલરનાં મીલ વાઉચર્સ આપવામાં આવ્યાં હતાં. ઘણા પ્રવાસીઓએ પાઇલટની આવી અક્ષમ્ય ભૂલ માટે નારાજી વ્યક્ત કરી હતી અને ચીનના સોશ્યલ મીડિયામાં પાઇલટની ઝાટકણી કાઢી હતી. વિમાન શાંઘાઈ મોડું પહોંચતાં રિટર્ન ફ્લાઇટ પણ મોડી પડી હતી અને એના કારણે પણ પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.’

