બાવીસ ઍર ટ્રાફિક કન્ટ્રોલ સેન્ટરોની કમ્યુનિકેશન સિસ્ટમ ખોરવાઈ, ૪ કલાક ૨૧ મિનિટ સુધી ફ્લાઇટ્સના ઉડ્ડયન પર પ્રતિબંધ,
૧૩ નવેમ્બરે લૉસ ઍન્જલસ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઊભેલાં પ્લેન
બાવીસ ઍર ટ્રાફિક કન્ટ્રોલ સેન્ટરોની કમ્યુનિકેશન સિસ્ટમ ખોરવાઈ, ૪ કલાક ૨૧ મિનિટ સુધી ફ્લાઇટ્સના ઉડ્ડયન પર પ્રતિબંધ; જૂની ટેક્નૉલૉજી અને સરકારી બેદરકારી સામે સવાલો, સાઇબર અટૅકની શક્યતાનો ઇનકાર
શુક્રવારે અમેરિકામાં હવાઈ મુસાફરીની વ્યવસ્થા ૪ કલાક ૨૧ મિનિટ માટે લગભગ ઠપ થઈ ગઈ હતી. ફેડરલ એવિયેશન ઍડ્મિનિસ્ટ્રેશન (FAA)એ દેશનાં ઍરપોર્ટ પરથી જતી ફ્લાઇટ્સને ગ્રાઉન્ડ-સ્ટૉપ કરવાનો આદેશ આપ્યો હતો. પરિણામે મોટા ભાગની ફ્લાઇટ્સનું ઉડ્ડયન અટકી ગયું હતું. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના આતંકવાદી હુમલા બાદ દેશવ્યાપી ગ્રાઉન્ડ-સ્ટૉપનો આ બીજો પ્રસંગ હતો. ૨૫ વર્ષમાં આ સૌથી લાંબો દેશવ્યાપી ગ્રાઉન્ડ-સ્ટૉપ હતો.
ADVERTISEMENT
_e.jpg)
બાવીસ ઍર ટ્રાફિક કન્ટ્રોલ સેન્ટરોમાં સંચાર ખોરવાયો: અમેરિકાનાં આશરે બાવીસ ઍર રૂટ ટ્રાફિક કન્ટ્રોલ સેન્ટરોમાં સંચાર-વ્યવસ્થાને અસર થઈ હતી. આ સેન્ટરો દેશભરમાં એક ઍરપોર્ટથી બીજા ઍરપોર્ટ વચ્ચે ઊડતાં વિમાનોના રૂટ, એમની સ્થિતિ અને હવાઈ ટ્રાફિકનું સંચાલન કરે છે. સંચાર-વ્યવસ્થામાં ખામી સર્જાતાં ઍર ટ્રાફિક કન્ટ્રોલરો માટે વિમાનો સાથે વિશ્વસનીય સંચાર-જાળવવાનું મુશ્કેલ બન્યું હતું. આથી મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને FAAએ વિમાનોને ગ્રાઉન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.
૩૫૦૦થી વધુ વિમાનો હવામાં હતાં: ગ્રાઉન્ડ-સ્ટૉપનો આદેશ આપવામાં આવ્યો ત્યારે અમેરિકાના આકાશમાં ૩૫૦૦થી વધુ વિમાનો ઊડી રહ્યાં હતાં. આ વિમાનોને તાત્કાલિક જોખમમાં મૂકવાને બદલે સુરક્ષિત રીતે ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમેરિકા હોમલૅન્ડ સિક્યૉરિટી સેક્રેટરી માર્કવેઇન મલિનના જણાવ્યા મુજબ ૩૦૦૦થી વધુ વિમાનો સુરક્ષિત રીતે લૅન્ડ કરાવવામાં આવ્યાં હતાં. જોકે કેટલાંક વિમાનોને એમના મૂળ ઍરપોર્ટને બદલે અન્ય ઍરપોર્ટ પર ઉતારવાં પડ્યાં હતાં.
૧૫ લાખ મુસાફરો રઝળી પડ્યાં : એક અંદાજ મુજબ ગ્રાઉન્ડ-સ્ટૉપ શરૂ થયું ત્યારે સાંજે ચાર વાગ્યા પછી અમેરિકાનાં ઍરપોર્ટ પરથી લગભગ ૧૧,૦૦૦ ફ્લાઇટ્સનું શેડ્યુલ હતું. આ ફ્લાઇટ્સમાં ૧૫ લાખથી વધુ મુસાફરો મુસાફરી કરવાના હતા, જેમાંથી ૮૨૭ ફ્લાઇટ્સને ડાઇવર્ટ કરવામાં આવી હતી. એમાંથી ૬૭૦ વિમાનોને એમના મૂળ ઍરપોર્ટ પર પાછા મોકલવામાં આવ્યાં હતાં, જ્યારે ૧૫૭ વિમાનોને અન્ય ઍરપોર્ટ પર ઉતારવામાં આવ્યાં હતાં.
ઍરપોર્ટ પર મુસાફરોની હાલાકી: શિકાગો ઓ’હૅર, ન્યુ યૉર્કના લાગાર્ડિયા, લૉસ ઍન્જલસ, ઍટલાન્ટા અને
ડૅલસ-ફોર્ટ વર્થ સહિતનાં મોટાં ઍરપોર્ટ પર મુસાફરો કલાકો સુધી અટવાયા હતા. ઍરપોર્ટનાં ડિસ્પ્લે બોર્ડ પર એક પછી એક ફ્લાઇટ્સ ડીલે અને કેન્સલ થયાની માહિતી જાહેર થવા લાગી હતી. લૉસ ઍન્જલસ ઍરપોર્ટ પર ઊતરેલા કેટલાક મુસાફરોને તો ગેટ ખાલી ન હોવાથી વિમાનમાં જ કલાકો સુધી રાહ જોવી પડી હતી. બીજી તરફ, અનેક મુસાફરો ફ્લાઇટ બોર્ડ કર્યા બાદ કલાકો સુધી ફ્લાઇટ ટૅકઓફ થાય એની રાહે બેસી રહ્યા હતા.
જૂની ટેક્નૉલૉજી બની સંકટનું કારણ: અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સીન ડફીએ જણાવ્યું હતું કે FAAની જૂની ટેક્નિકલ વ્યવસ્થામાં લાગેલાં સ્વિચ અને રાઉટર્સ પર ડેટાનો ભાર વધી જતાં સિસ્ટમમાં અસ્થિરતા સર્જાઈ હતી. નવી ટેક્નૉલૉજીના ઇન્સ્ટૉલેશન દરમ્યાન જૂની સિસ્ટમ પર વધારાનો ભાર પડ્યો હતો. પરિણામે રડાર અને કમ્યુનિકેશન ડેટામાં વિસંગતતા સર્જાઈ હતી. જોકે સિસ્ટમ પર ડેટાનો ભાર અચાનક શા માટે વધ્યો એનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે.
સાઇબર અટૅકની આશંકા વિશે શું કહ્યું?: દેશવ્યાપી હવાઈ વ્યવસ્થા ખોરવાતાં સાઇબર હુમલાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને હોમલૅન્ડ સિક્યૉરિટી સેક્રેટરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ સાઇબર અટૅક કે અન્ય કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિના પુરાવા મળ્યા નથી. પ્રાથમિક તપાસમાં સમસ્યા ટેકનિકલ અને મેકૅનિકલ હોવાનું સામે આવ્યું છે. FAAની નવી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સિસ્ટમને પણ આ ખામી માટે જવાબદાર ગણવામાં આવી નથી.
ફ્લાઇટ શરૂ થઈ, પરંતુ સ્થિતિ સામાન્ય થતાં સમય લાગશે
FAAએ ભારતીય સમયાનુસાર મોડી સાંજે ગ્રાઉન્ડ-સ્ટૉપ હટાવી દીધું હતું. જોકે પ્રતિબંધ હટ્યા બાદ તરત જ સમગ્ર વ્યવસ્થા સામાન્ય થઈ શકી નહોતી. અનેક વિમાનો અને એમનાં ક્રૂ નિર્ધારિત સ્થળે ન હોવાથી ઍરલાઇન્સે નવેસરથી ગોઠવણ કરવી પડી હતી. અમેરિકાના અધિકારીઓએ પણ સ્વીકાર્યું હતું કે ફ્લાઇટ્સનું સમયપત્રક સંપૂર્ણપણે સામાન્ય થતાં થોડો સમય લાગશે. અમેરિકામાં થૅન્ક્સગિવિંગના વીકએન્ડ પહેલાં આ સ્થિતિ સર્જાતાં નાગરિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.
૯/૧૧ અને ૨૦૨૩ની ઘટના સાથે સરખામણી
૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના આતંકવાદી હુમલા બાદ અમેરિકાના હવાઈ ક્ષેત્રમાં રહેલાં તમામ વિમાનોને સુરક્ષિત રીતે ઉતારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ જાન્યુઆરી ૨૦૨૩માં FAAની નૉટિસ ટુ ઍર મિશન્સ (NOTAM) સિસ્ટમમાં ખામી સર્જાતાં દેશવ્યાપી ફ્લાઇટ ગ્રાઉન્ડ-સ્ટૉપ કરવું પડ્યું હતું. એ વખતે લગભગ દોઢ કલાક સુધી ફ્લાઇટ્સનું ઉડ્ડયન અટક્યું હતું અને ૧૦,૦૦૦થી વધુ ફ્લાઇટ્સને અસર થઈ હતી. નવેમ્બર ૨૦૨૬ની ઘટના આ બન્ને પ્રસંગો બાદ ફરી એક વાર અમેરિકાની હવાઈ વ્યવસ્થાની નબળાઈ સામે લાવી છે.
સિસ્ટમના આધુનિકીકરણ માટે અબજો ડૉલરની જરૂર
અમેરિકાની સરકારી સંસ્થા ગવર્નમેન્ટ અકાઉન્ટેબિલિટી ઑફિસ (GAO)એ ૨૦૨૪ના અહેવાલમાં FAAની સમીક્ષા હેઠળની ૧૩૮ ઍર ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમમાંથી ૫૧ને બિનઉપયોગી ગણાવી હતી, જ્યારે ૫૪ સિસ્ટમ ભવિષ્યમાં ટકાઉ ન રહેવાનું જોખમ હોવાનું જણાવ્યું હતું. જુલાઈ ૨૦૨૫માં કૉન્ગ્રેસે સિસ્ટમના આધુનિકીકરણ માટે આશરે ૧ લાખ કરોડ રૂપિયા (૧૨.૫ અબજ ડૉલર) મંજૂર કર્યા હતા. જોકે હવે ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટ અને વાઇટ હાઉસે આ કામ પૂરું કરવા માટે વધુ આશરે ૨.૫૨ લાખ કરોડ રૂપિયા (૩૦ અબજ ડૉલર)ની માગણી કરી છે. સરકારના જણાવ્યા મુજબ જૂના કૉપર વાયરિંગના ૬૮ ટકા હિસ્સાને ફાઇબર ઑપ્ટિક નેટવર્કથી બદલી દેવામાં આવ્યો છે, પરંતુ હજુ ઘણું કામ બાકી છે.
