દુનિયાભરમાં ક્રૂડ ઑઇલના વધી રહેલા ભાવને નિયંત્રણમાં રાખવા માટે અમેરિકાએ નમતું જોખ્યું હોવાની ચર્ચા
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિમંત્રણાની વાટાઘાટો દરમ્યાન અમેરિકાએ ઈરાનના ક્રૂડ ઑઇલની એક્સપોર્ટ પર લાગેલા કડક પ્રતિબંધોને અસ્થાયી રીતે ઉઠાવી લેવાની તૈયારી બનાવી છે. આ પગલું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તનાવને ઘટાડીને બે દેશો વચ્ચેની વાતચીતને ફરીથી પાટા પર લાવવાની કોશિશ મનાઈ રહી છે.
ઈરાનની સેમી-સરકારી મીડિયા એજન્સી તસનીમે કરેલા દાવા મુજબ અમેરિકાએ એક વાર ફરીથી ઈરાની તેલની એક્સપોર્ટ પર લાગેલા પ્રતિબંધને હટાવી દીધો છે. જોકે ઈરાની સરકાર વાટાઘાટોમાં એ દબાણ બનાવી રહી છે કે અમેરિકા એવું આશ્વાસન આપે કે ભવિષ્યમાં પણ ઈરાની તેલ પર પ્રતિબંધ નહીં લાગે. જોકે અમેરિકા તરફથી આ માટેની કોઈ ગૅરન્ટી આપવામાં નથી આવી. ટેમ્પરરી ધોરણે ઈરાની તેલ પરનો પ્રતિબંધ ઉઠાવવાનો દાવો હજી ઈરાની એજન્સી તરફથી જ કરવામાં આવ્યો છે, અમેરિકા તરફથી આની સ્પષ્ટતા થઈ નથી. વૈશ્વિક સ્તરે વધી રહેલા ક્રૂડ ઑઇલના ભાવને નિયંત્રણમાં લાવવા માટે ડોનલ્ડ ટ્રમ્પે નમતું જોખવાનું પગલું લીધું હોય એવી સંભાવના છે.
