Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ફિકર નોટ, ઓલ ઇઝ વેલ- દુબઈમાં મુંબઈના ટૂરિસ્ટો અટવાયા છે, પણ સેફ છે

ફિકર નોટ, ઓલ ઇઝ વેલ- દુબઈમાં મુંબઈના ટૂરિસ્ટો અટવાયા છે, પણ સેફ છે

Published : 02 March, 2026 07:07 AM | IST | Dubai
Darshini Vashi

મહત્તમ ભારતીય ન્યુઝચૅનલો પર બતાવવામાં આવી રહેલા ચિત્ર કરતાં દુબઈની સિચુએશન વિપરીત હોવાનું કહેવું છે આ લોકોનું

ભાવિક ઠક્કર તેના પરિવાર સાથે. વૈશાલી કારિયા અને પ્રીત દેસાઈ

ભાવિક ઠક્કર તેના પરિવાર સાથે. વૈશાલી કારિયા અને પ્રીત દેસાઈ


અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલા લોહિયાળ જંગના છાંટા મિડલ ઈસ્ટના દેશો પર પણ ઊડી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. શનિવાર બપોરથી ન્યુઝચૅનલો પર સતત એવું બતાવવામાં આવી રહ્યું છે કે દુબઈ સહિત અન્ય ખાડીના દેશોમાં મિસાઇલ નાખવામાં આવી રહી છે જેને લીધે ત્યાં અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે, ત્યાં વસતા લોકો અને ફરવા ગયેલા લોકો પણ મુસીબતમાં મુકાઈ ગયા છે. આવા સતત પ્રસરી રહેલા ન્યુઝની અંદર કેટલી વાસ્તવિકતા છે તેમ જ મુંબઈકરોની સ્થિતિ અત્યારે કેવી છે એ જાણવા ‘મિડ-ડે’એ દુબઈમાં હોય એવા મુંબઈના ગુજરાતી લોકો સાથે વાત કરી હતી.

અઢી વર્ષના બાળક સાથે દુબઈમાં અટવાયા



મીરા રોડમાં રહેતા ભાવિક ઠક્કર ફૅમિલી સાથે દુબઈ ફરવા ગયા છે અને બીજી માર્ચે મુંબઈ પાછા ફરવાના હતા, પરંતુ હવે ઍરપોર્ટ બંધ થઈ જતાં ત્યાં જ અટવાઈ ગયા છે. આ વિશે વધુ જાણકારી આપતાં ભાવિક ઠક્કર કહે છે, ‘હું કંપનીમાંથી કામસર ૪ દિવસ માટે દુબઈ આવ્યો હતો. કામ પૂરું થઈ ગયા બાદ ફૅમિલીને પણ દુબઈ બતાવી શકું એટલે તેમને પણ લઈને આવ્યો હતો એટલે મેં દુબઈમાં બીજા ૪ દિવસ લંબાવ્યા હતા. બે દિવસ પહેલાં મીટિંગ પૂરી થઈ જતાં મારા સહકર્મચારીઓ પાછા મુંબઈ આવી ગયા હતા, પણ હું અને મારી ફૅમિલી અહીં જ રોકાયાં હતાં. અમે બીજી માર્ચે મુંબઈ આવવા માટે ફ્લાઇટ પકડવાના હતા, પરંતુ બધાં ઍરપોર્ટ બંધ છે એટલે જ્યાં સુધી ઍરપોર્ટ ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારાથી ફ્લાઇટ પકડાશે નહીં. મને ખાતરી છે કે અહીંની ગવર્નમેન્ટ અને ભારતની ગવર્નમેન્ટ વચ્ચેનો કોઈ ને કોઈ રસ્તો કાઢશે અને અહીં ફસાઈ ગયેલા ટૂરિસ્ટોને બહાર કાઢશે. અત્યારે તો અમે મારા મિત્રના ઘરે જઈ રહ્યા છીએ જે અહીં નજીકમાં જ રહે છે. હવે અમે તેના ઘરે રહીશું. મારો દીકરો અઢી વર્ષનો છે એટલે અમારા ઘરના લોકો ચિંતિત છે, પરંતુ અમે અહીં સેફ છીએ. લોકોની સેફ્ટી માટે અહીંની ગવર્નમેન્ટે અહીં સ્ટ્રિક્ટ પગલાં લીધાં છે. દુબઈ સિટીની સ્થિતિની વાત કરું તો અહીં ડેબ્રી જ પડી રહી છે, મિસાઇલ કોઈ પડી નથી. સિટીની બહાર વધુ ડેબ્રી પડવાનું નોંધાયું છે જેને લીધે પબ્લિક પ્રૉપર્ટીને વધુ નુકસાન થયું છે. સેફ્ટી ખાતર લોકો ઘરમાં જ રહે છે. રવિવારની રજા હોવા છતાં રસ્તાઓ, દુકાન વગેરે જગ્યાએ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે.’


નથિંગ ટુ વરી

દુબઈમાં જૉબ કરતી અને બોરીવલીમાં રહેતી પ્રીત દેસાઈ કહે છે, ‘હું અને મારા પપ્પા દુબઈમાં નોકરી કરીએ છીએ એટલે હમણાં અહીં જ છીએ અને સેફ છીએ. અત્યાર સુધીમાં સિટીની અંદર કોઈ મિસાઇલ પડી નથી. બેઝિકલી મિસાઇલ અથવા ડ્રોનને હવામાં જ અટકાવવામાં આવી રહ્યાં છે જેને લીધે એના પાર્ટ્સ અને ડેબ્રી જમીન પર પડી રહ્યાં છે જેને કારણે થોડું નુકસાન થઈ રહ્યું છે તેમ જ ધુમાડા પણ દેખાઈ રહ્યા છે. જોકે હજી સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી. અહીંની ગવર્નમેન્ટ પ્રૉપર પગલાં લઈ રહી છે તેમ જ અમને પણ ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. જરૂર પડે તો જ ઘરની બહાર નીકળવા માટે કહ્યું છે. અહીં સુધી લોકો ઘરની બહાર જરૂરી સામાન લેવા જતા પણ જોવા મળી રહ્યા છે. આ સિવાય ઑલ ઓકે છે.’


ટૂરિસ્ટને મદદ કરવા આગળ આવ્યા

દુબઈની ટ્રાવેલ કંપની અરબ યાત્રાનાં વૈશાલી કારિયા કહે છે, ‘અમારા ઘણા ટૂરિસ્ટ્સ અત્યારે દુબઈમાં જ છે. અમે સતત તેમના સંપર્કમાં છીએ. તેઓ અત્યારે સંપૂર્ણપણે સેફ છે. તેમને ખાવા-પીવાથી લઈને રહેવા સુધીની કોઈ સુવિધામાં અડચણ આવી નથી. અહીંની લોકલ બૉડી જેવી કે લોહાણા સમાજ, નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO), ઍરBNB, લોકલ ટૂરિસ્ટ કંપની વગેરે પણ તેમના વહારે આવ્યાં છે. કેટલીક હોટેલોમાં તો ટૂરિસ્ટોના સ્ટેને પણ લંબાવી આપ્યો છે. અહીંની ગવર્નમેન્ટે ટૂરિસ્ટો માટે હેલ્પલાઇન-નંબર પણ જાહેર કર્યા છે જેથી જો ટૂરિસ્ટ ફસાઈ ગયા હોય કે તેમને મદદની જરૂર હોય તો તેઓ આ નંબર પર ફોન કરીને મદદ માગી શકે છે. સેફર સાઇડ ખાતર અહીંના ટૂરિસ્ટ-પ્લેસિસ અને મુખ્ય આકર્ષણો બંધ કર્યાં છે. આ સિવાય બધું નૉર્મલ છે.’

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2026 07:07 AM IST | Dubai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK